વિધાનસભાની વાતઃ બાયડમાં આ વખતે કઈ પાર્ટીની છે બોલબાલા? જાણો વર્તમાન સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાએ જીત મેળવી હતી. પરંતુ થોડા સમય પછી તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જેના કારણે બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે પેટાચૂંટણીમાં જનતાએ તેમને આશીર્વાદ આપ્યા ન હતા.

વિધાનસભાની વાતઃ બાયડમાં આ વખતે કઈ પાર્ટીની છે બોલબાલા? જાણો વર્તમાન સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે ઘણી મહત્વની રહી છે. રાજકીય દ્રષ્ટિએ આ બેઠક ઘણી મહત્વની છે. અરવલ્લીની બાયડ સીટ પર રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આ સીટ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠક પર ભાજપ અત્યારસુધી માત્ર 3 વખત જ જીત મેળવી શક્યું છે. જેમાં 1990,1998 અને 2007ની ચૂંટણીનો સમાવેશ થાય છે .જે સાબિત કરે છે કે બેઠક પર કોંગ્રેસનો દબદબો છે.

બાયડ બેઠક પર મતદારો:
બાયડ બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારો પ્રભાવી છે. આ સીટ પર ક્ષત્રિય ઠાકોર મતદારો લગભગ 1 લાખ 26 હજાર છે. આ સિવાય 31,000 પાટીદાર, 9000 ચૌધરી, 12,000 દલિત, 5000 મુસ્લિમ અને 43,500 અન્ય મતદારો છે. બેઠક પર કુલ 2 લાખ 31,000 મતદારો છે. જેમાં 1 લાખ 18 હજાર 817 પુરુષ મતદારો છે અને 1 લાખ 12 હજાર 286 મહિલા મતદારો છે.

2017નું પરિણામ:
છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાએ જીત મેળવી હતી. પરંતુ થોડા સમય પછી તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જેના કારણે બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે પેટાચૂંટણીમાં જનતાએ તેમને આશીર્વાદ આપ્યા ન હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના જશુભાઈ પટેલનો વિજય થયો હતો. જ્યારે ભાજપની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાનો પરાજય થયો હતો.

વિધાનસભા ચૂંટણીમાં બાયડ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર             પક્ષ

1962  રહેવર લાલસિંહ            સ્વતંત્ર
1967  રહેવર લાલસિંહ             સ્વતંત્ર
1972  રહેવર લાલસિંહ            એનસીઓ
1975  રહેવર લાલસિંહ           એનસીઓ
1980  સોલંકી રામજીસિંહ         કોંગ્રેસ
1985  સોલંકી રામજીસિંહ          IND
1990  સોલંકી ચંદ્રભાનસિંહ     BJP
1995  સોલંકી રામસિંહ           કોંગ્રેસ
1998  ડૉ. મહેન્દ્ર પટેલ               BJP
2002  સોલંકી રામજીસિંહ         કોંગ્રેસ
2007  ઝાલા ઉદેસિંહ            BJP
2012  મહેન્દ્રસિંહ વાઘેલા       કોંગ્રેસ
2017  ઝાલા ધવલસિંહ         કોંગ્રેસ
2019  જશુભાઈ પટેલ               કોંગ્રેસ

 

 

બેઠકની સમસ્યાઓ:
સ્થાનિક મુદ્દાની વાત કરીએ તો રોજગાર અને શિક્ષણ મુખ્ય મુદ્દો છે. જનતાની સૌથી મોટી માગણી છે કે એક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે. ગામડામાં પાણીની સમસ્યા મોટી છે. જેના કારણે સ્થાનિક લોકોએ સરકાર પાસે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે. રોજગાર માટે આ વિસ્તારમાં એક કંપની કે જીઆઈડીસી સ્થાપિત કરવાની માગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news