પાલનપુર વિધાનાસભા બેઠક : અત્તરોની નગરી પાલનપુરમાંથી વિકાસની સોડમ ગાયબ, રુંઘાયેલા વિકાસને કોણ વેગ આપશે

Gujarat Elections 2022 : 2017 થી પાલનપુર તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં છે, તો પાલનપુર નગરપાલિકા પર ભાજપનું રાજ છૅ. અલગ અલગ પાર્ટીઓના આ રાજકારણને કારણે છેલ્લા કેટલાય સમયથી પાલનપુર બેઠકનો વિકાસ રૂંધાયો છૅ. તો વિધાનસભા ચૂંટણીમાં તેનું રાજકીય ગણિત જોઈએ...
 

પાલનપુર વિધાનાસભા બેઠક : અત્તરોની નગરી પાલનપુરમાંથી વિકાસની સોડમ ગાયબ, રુંઘાયેલા વિકાસને કોણ વેગ આપશે

અલકેશ રાવ/બનાસકાંઠા :ગુજરાત વિધાનસસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બનાસકાંઠાની પાલનપુર વિધાનસભાનું સમીકરણ શું છે. આ વખતે જનતાનો ઝુકાવ કઈ તરફ છે રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીમાં પાલનપુર સીટને કેવી રીતે મૂલવી રહ્યા છે તે જોઈએ.

પાલનપુર વિધાનસભાની બેઠક નો ઇતિહાસ જોવામાં આવે તો, નવા સીમાંકન મુજબ 12−પાલનપુર વિધાનસભામાં મુસ્લિમ સમાજના 38900 વોટ, એસ.સી. સમાજના 37800 વોટ, એસ.ટી સમાજના 7500 વોટ, ઠાકોર સમાજના 35500 વોટ, પાલવી ઠાકોર (દરબાર) સમાજના 9356 વોટ, (પાટીદાર કડવા અને લેઉઆ) 42000 વોટ, ચૌધરી સમાજના 18700 વોટ, બ્રાહ્મણ સમાજના 12560 વોટ, પ્રજાપતિ સમાજના 13500 વોટ, દરબાર સમાજના 6730 વોટ, દેવીપુજક સમાજના 8000 વોટ, દેસાઇ સમાજના 9000 વોટ, મહેશ્વરી અને ગુપ્તા સમાજના 5000 વોટ, માળી સમાજના 4000 વોટ, મેવાડા સમાજના 4300 વોટ, પંચાલ સમાજના 4500 વોટ, રાવળ સમાજના 3400 વોટ, જૈન સમાજના 2400 વોટ, ગૌસ્વામી સમાજના 2731 વોટ અને અન્ય સમાજના 18174 વોટ, એમ મળીને પાલનપુર વિધાનસભાનું કુલ વોટીંગ 2,89,497 વોટ છે. 

પાલનપુર સીટને ભૌગાલિક સ્થિતિની દ્રષ્ટિએ જોઇએ તો, પાલનપુર નગરપાલિકામાં 124000 વોટ, મલાણી સાઇઠ બાજુના વિસ્તારમાં 31300 વોટ, માલણ સાઇડના ગામોનું વોટીંગ 36698 વોટ, તેમજ ગઢ આજુબાજુના ગામોમાં (ગઢ પટટા) નું વોટીંગ 88555 વોટ આવેલા છે. અત્યાર સુધીની ચુંટણીમાં પાલનપુર શહેરમાં ભાજપ 5000 મત પ્લસ અથવા માઇનસ રહેતું આવ્યું છે. અને મલાણાની આજુબાજુના ગામોનું વોટીંગ 36698 મત છે. જયારે માલણ અને જગાણા આજુબાજુંનું વોટીંગ 31393 મત છે. જેમાં ભાજપ 5% થી 7% પ્લસ રહેતું આવ્યું છે. જયારે ગઢ વિસ્તારની આજુબાજુના ગામોનું વોટીંગ 88895 જેટલું છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં હારજીત ગઢ પટ્ટામાંથી થતી આવી છે. ગઢ વિસ્તારમાં વર્ષોથી લેઉઆ પાટીદાર સમાજનો દબદબો છે. પાલનપુર વિધાનસભામાં હાલના ધારાસભ્ય સિટી વિસ્તાર અને કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોવાના કારણે સિટી કોગ્રેસમાં પ્લસ રહે છે અને અત્યાર સુધીના સમયમાં ગઢ વિસ્તાર અને લેઉઆ પાટીદાર સમાજ હારજીત માટે નિર્ણાયક રહેતો આવ્યો છે. 

આમ જોઇએ તો, નવા સિમાંકન પછી પાલનપુર સીટ કોંગ્રેસ પાર્ટીને જીતવા માટે એકદમ સરળ છે. કારણ કે અહી મુસ્લીમ, એસ.સી, એસટીના વોટ વધુ છે. તેમજ કોંગ્રેસના ઉમેદવાર કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોઇ, (મુસ્લિમ, એસસી, એસટી, પાટીદાર સમાજ અને ઠાકોર સમાજ) ના વોટ મળે એટલે સરળતાથી મહેશભાઇ જીતી જતા હોય છે. જોકે આ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ પક્ષમાં પાલનપુર સીટ ઉપરથી 83 ઉમેદવારએ ટિકિટ માંગી છે, તો કોંગ્રેસમાં સીટીંગ ધારસભ્ય મહેશ પટેલ સહિત અનેક ઉમેદવારો મેદાનમાં છે. જોકે આ વખતે પાલનપુર સીટ ઉપર જાતિ સમીકરણ કરતા સ્થાનિક મુદ્દાઓ ઉપર મતદાન થશે તેવું સ્થાનિક રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

રાજકીય વિશ્લેષક હિદયાતભાઈ પરમારે જણાવ્યું કે, આ વખતે સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીમાં ખુબજ અસર કરશે. તો અન્ય રાજકીય વિશ્લેષક સીતાબભાઈ કાદરીના જણાવ્યા અનુસાર, આ વખતે કોંગ્રેસના મહેશ પટેલથી જનતા નારાજ છે તો બીજી તરફ જાતિવાદ અહી ઓછું કામ કરશે ઉમેદવાર કેવો છે તે લોકો જોશે.

તો બીજી બાજુ પાલનપુર વિધાનસભાના મતદાતાઓના મટે કોંગ્રેસના ધારસભ્ય મહેશભાઈ પટેલે કોઈ જ આંખે ઉંડીને વળગે તેવા કામ કર્યા નથી. રોડ,રસ્તા, સહિત અનેક સમસ્યાઓના કારણે લોકો ત્રસ્ત છે. જેથી લોકો ઉમેદવારને જોઈને મત આપશે. જોકે પાલનપુર વિધાનસભામાં પાટીદારમાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજના થઇને 42000 જેટલા વોટ હોવાના કારણે પાટીદાર વોટના ભાગલા પડે તો જ પાલનપુર સીટમાં કમળ જીતી શકે એવું અત્યારે દેખાઇ રહ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં કોઈ યુવા ચહેરો આવે તો કોંગ્રેસની ફિક્સ વોટ બેંક મુસ્લિમ, દલિત અને પાટીદાર વોટ કોંગ્રેસ તરફી પડે તો કોંગ્રેસ પોતાની સીટ જાળવી રાખવામાં સફળ થાય. જોકે મતદારો પોતાના વિસ્તારના કામો થાય તેવા ઉમેદવારોને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યાં છે.

પાલનપુરના મતદાતાઓનું કહેવું છે કે, અમે વોટ આપ્યો કોંગ્રેસના ધારસભ્ય આવ્યા પણ કોઈ જ કામ થયા નહિ. હવે ભાજપનો કોઈ યુવા ચહેરો આવે તો સારું. પાલનપુરમાં દરેક નેતાઓએ ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કર્યું નથી. કોઈ યોગ્ય ઉમેદવાર આવે તો કામ થાય પછી તે કોઈપણ પક્ષનો હોય. આ વખતે સારો ઉમેદવાર આવે તો જ પાલનપુરનો વિકાસ થાય. 

પાલનપુર વિધાનસભા સીટના મુખ્ય મુદ્દા

  • જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર 
  • વર્તમાન  ધારાસભ્ય - મહેશ પટેલ
  • છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસનું રાજ
  • છેલ્લા 2 ટર્મથી મહેશ પટેલ ધારાસભ્ય 
  • સૌથી વધુ મતદારો - પટેલ, ઠાકોર 
  • પાલનપુર વિધાનસભાં કુલ મતદારો -2,80,615
  • મુખ્ય સમસ્યા - રસ્તા, પાણી, રોજગારી
  • પેન્ડિંગ કામો - બાયપાસ, ઓવરબ્રિજ, શહેરના અનેક રસ્તાઓના કામ

સ્થાપનાથી અત્યાર સુધી પાલનપુર વિધાનસભા ઉપર કોણ કયા પક્ષમાંથી જીત્યું 

  • 1962 - દલજીભાઈ ગણેશભાઈ પટેલ (કોંગ્રેસ)
  • 1967- એ સી મહેતા (કોંગ્રેસ)
  • 1972- લેખરાજ બચાણી (ભાજપ)
  • 1975- લેખરાજ બચાણી (ભાજપ)
  • 1980- એ કે પટેલ (કોંગ્રેસ)
  • 1985- સુરેશ મહેતા (કોંગ્રેસ)
  • 1990- લેખરાજ બચાણી (ભાજપ)
  • 1995- એ કે પટેલ (ભાજપ)
  • 1998- રેખા ત્રિવેદી (ભાજપ)
  • 2002- કાંતિભાઈ કચોરિયાં (ભાજપ)
  • 2007- ગોવિંદ પ્રજાપતિ (ભાજપ)
  • 2012- મહેશ પટેલ (કોંગ્રેસ)
  • 2017- મહેશ પટેલ (કોંગ્રેસ)

કોને પક્ષ પલટો કર્યો ક્યાંથી ક્યાં ગયા 
1980 માં કોંગ્રેસમાંથી જીતેલા એકે પટેલ 1995માં ભાજપમાંથી જીત્યા અને ચાલુ ટર્મ તેવો શંકરસિહ વાઘેલા સાથે જોડાયા. જો કે તે બાદ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા અને તાજેતરમાં તેમનું નિધન થયું હતું. 

બેઠકના મોટા પ્રશ્નો
પાલનપુરમાં જોવા લાયક માનસરોવર ગંદકીથી ખદબદી રહ્યું છૅ
પાલનપુર પાલનપુર હાઇવે પર બાયપાસ ઓવર બ્રિજ
ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાઓણી માંગ
તાલુકાના અનેક ગામોમાં સિંચાઈ માટે પાણીના પ્રશ્નો

જાતિવાદી સમીકરણ
કુલ 2,89,497 મતદારોમાં સૌથી વધુ પટેલ સમાજ તે બાદ ઠાકોર સમાજ, તે બાદ અન્ય સમાજોનો દબદબો

વિસ્તારનો મુખ્ય વ્યવસાય અને રોજગારીનું સાધન
હીરા ઉદ્યોગ

બેઠકની સ્થાનિક રાજનીતિ
પાલનપુર તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં છે, તો પાલનપુર નગર પાલિકા પર ભાજપનું રાજ છૅ. અલગ અલગ પાર્ટીઓના આ રાજકારણને કારણે છેલ્લા કેટલાય સમયથી પાલનપુર બેઠકનો વિકાસ રૂંધાયો છૅ. 

આગવી ઓળખ
પાલનપુર અત્તરોની નગરી તરીકે ખ્યાતિ ધરાવતું હતું, પરંતુ સમય વિતતો ગયો અને પાલનપુરની ઓળખ મૃતપાય થતી રહી.

જોકે આ વખતે વિધાનસભામાં સ્થાનિક વિકાસના મુદ્દાઓ, મોંઘવારી, રોજગારી સહિત ઉમેદવારની પસંદગી અને ઉમેદવારને લઈને જાતિવાદી રાજકારણ મહત્વનું રહશે. હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કોંગ્રેસ પોતાની સીટ જાળવી રાખે છે કે ભાજપ બાજી મારી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news