બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ અંગે મોટા અપડેટ, ઉતાવળમાં ઘરે ભૂલી ગયા તો ચિંતા ન કરતા..!

Board Exam 2023 : પરીક્ષા સમયે હોલટિકિટ ભુલાઈ જાય તો દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીની હોલટિકિટની એક કોપી રાખવા જણાવવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી હોલટીકીટ ભૂલી ગયા હશે, એવા વિદ્યાર્થીઓની કેન્દ્ર નિયામક દ્વારા શાળાના આચાર્યનો સંપર્ક કરીને હોલટિકિટ વોટ્સએપ પર મંગાવશે

બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ અંગે મોટા અપડેટ, ઉતાવળમાં ઘરે ભૂલી ગયા તો ચિંતા ન કરતા..!

Gujarat Board Exam 2023 અતુલ તિવારી/અમદાવાદ : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થશે અને 29 માર્ચના રોજ ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે. પરીક્ષાના આયોજન અંગે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાંથી અંદાજિત 1.91 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સ્ટાફ સહિત કર્મચારીઓની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર આવકારવા માટે પદાધિકારીઓ, કલેક્ટર ઉપસ્થિત રહેશે. જોકે, આ મામલે એક મોટો નિર્ણય કરાયો છે કે, જો ફી ના ભરી હોય તો શાળા દ્વારા હોલટિકિટ ના આપવાના કિસ્સાઓ બનતા હોય છે, સંચાલકોને હોલટિકિટ ના રોકવા માટે DEO તરફથી આદેશ અપાયો છે. દરેક વાલી પણ FRC મુજબ શાળામાં ફી જમા ભરે એવી અપીલ પણ DEO દ્વારા કરાઈ છે. 

હોલ ટિકિટ માટે મહત્વના અપડેટ
પરીક્ષા સમયે હોલટિકિટ ભુલાઈ જાય તો દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીની હોલટિકિટની એક કોપી રાખવા જણાવવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી હોલટીકીટ ભૂલી ગયા હશે, એવા વિદ્યાર્થીઓની કેન્દ્ર નિયામક દ્વારા શાળાના આચાર્યનો સંપર્ક કરીને હોલટિકિટ વોટ્સએપ પર મંગાવશે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાના સમય કરતા 30 મિનીટ ત્યારબાદથી 20 મિનીટ પહેલા પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. 13 માર્ચે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે શાળામાં જઈ શકશે.

બોર્ડની પરીક્ષા સંદર્ભે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કોઈ પણ શાળા વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી નહિ શકે. જો અટકાવશે તો તેની સામે કાર્યવાહી થશે. જો વિદ્યાર્થી હોલટિકિટ જલ્દીમાં ભૂલી જાય તો કેન્દ્ર પર તેની એક કોપી રાખવાની સૂચના અપાઈ છે. આચાર્ય સાથે વાત કરીને વિદ્યાર્થીની વોટ્સએપ પર હોલ ટિકિટ મંગાવી શકે છે. તેના આધારે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાશે.

અમદાવાદ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં એકપણ સંવેનશીલ કે અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નહીં. પરીક્ષા કેન્દ્રમાં હોલટિકિટ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. CCTV થી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, વિશેષ કમિટીની રચના કરાઈ છે. બોર્ડની સ્ક્વોડ ટીમ સિવાય કલેકટર કચેરી દ્વારા પણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે, જે પરીક્ષા સમયે ફરજ પર રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે, સિવિલ સર્જન કે સક્ષમ અધિકારી તરફથી મળેલ 40 ટકા કે વધુનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જરૂરી રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમનાથી એક ધોરણ નીચેનું પોતાની શાળાનો કે અન્ય શાળાનો વિદ્યાર્થી લહિયા તરીકે આપી શકાશે. 

અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સરકારી તંત્ર બાદ ગ્રાન્ટેડ અને જરૂર જણાશે તો પ્રાથમિક શાળાના કર્મચારીઓની મદદ લેવાશે, છતાય જ જરૂર જણાશે તો ખાનગી શાળાઓના અનુભવી - લાયકાત ધરાવતા કર્મચારીઓની પરીક્ષા કેન્દ્રો પર મદદ લેવાશે. પ્રશ્નપત્ર વર્ગખંડ સુધી પહોંચે, ત્યારબાદ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તુરંત ગેરહાજર વિદ્યાર્થીના પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં મુકવાનો આદેશ કરાયો છે. પરીક્ષા સમયે આરોગ્યનો સ્ટાફ પણ ખડેપગે રહેશે, પત્ર લખીને સંબંધિત વિભાગને જાણ કરાઈ છે. પોલીસ સ્ટાફ, એસટી બસ તેમજ ટોરેન્ટ સહિત વીજ કંપનીઓ સાથે પણ બેઠક થઈ છે. પરીક્ષા સેન્ટરની 100 મીટર આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા જાહેરનામું પોલીસ વિભાગ તરફથી પ્રસિદ્ધ થશે

DEO કચેરી તરફથી પ્રિ - બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી, એટલે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપશે એવી અપેક્ષા છે. કોઈ પરીક્ષા સેન્ટરની આસપાસ ઘોંઘાટવાળું કામ ચાલતું હોય તો પરીક્ષા સમયે તેને રોકવા કેન્દ્ર નિયામકને જણાવવામાં આવ્યું છે. DEO કચેરી તરફથી સારથી હેલ્પલાઈન શરૂ કરાઇ હતી, 24×7 વિદ્યાર્થી માટે વોટ્સએપ નંબર શરૂ કરાયો છે. વિદ્યાર્થીઓને કોઈપણ મૂંઝવણ હોય વોટ્સએપના માધ્યમથી અમારા સુધી પહોંચાડી શકાશે, જેનું તજજ્ઞોના માધ્યમથી નિરાકરણ વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવશે. પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવશે. જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રખાશે. માસ કોપી કેસના કિસ્સામાં શાળા અને જે તે કસુરવાર કર્મચારીને પણ સજા કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news