કોંગ્રેસમાં કમઠાણ: જગદીશ ઠાકોરને ઘરભેગા કરવા છે પણ વિકલ્પ કોણ? 2022માં હારનાર બની શકે છે નવા પ્રમુખ
કોંગ્રેસે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા નિર્ણયો લીધા છે. બની શકે કે પાર્ટી રાજ્યની કમાન કોઈ પાટીદારને આપે તેવી સંભાવના છે. પ્રદેશ પ્રમુખ તરીકે વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીનું નામ પણ હાલમાં ચર્ચામાં છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં હલચલ જામવા લાગી છે. કોંગ્રેસ હવે ભાજપના રસ્તે ચાલવા લાગી હોય તેમ નામો જાહેર કરવામાં ચોંકાવી રહી છે. થોડા દિવસ પહેલાં ચૂંટણી બાદ પાર્ટીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધારાસભ્ય દળના નેતા અને શૈલેષ પરમારને ગુજરાત વિધાનસભામાં નાયબ નેતા તરીકે નિયુક્ત કર્યા છે. નામ સીજે ચાવડાનું ચાલ્યું અને અમિત ચાવડા બની ગયા ધારાસભ્ય દળના નેતા. અમિત ચાવડા એ ક્ષત્રિય છે પરંતુ ઓબીસી હેઠળ આવે છે. એ જ રીતે શૈલેષ પરમાર અનુસૂચિત જાતિમાંથી આવે છે.
કોંગ્રેસે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા નિર્ણયો લીધા છે. બની શકે કે પાર્ટી રાજ્યની કમાન કોઈ પાટીદારને આપે તેવી સંભાવના છે. પ્રદેશ પ્રમુખ તરીકે વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીનું નામ પણ હાલમાં ચર્ચામાં છે. જેઓ હાલમાં રાહુલ ગાંધી સાથે કાશ્મીરની યાત્રામાં ફરી રહ્યાં છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હવે પાટીદાર કાર્ડ રમશે. વિપક્ષ નેતા તરીકે ઓબીસીને પ્રાધાન્ય આપ્યા બાદ હવે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાને પસંદ કરી શકે છે. હાઈકમાન્ડે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવાનું નક્કી કરી લીધું છે.
કોણ છે જગદીશ ઠાકોર
પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય પદ છોડીને પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આગમન થતાં જ જગદીશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં. અલ્પેશના ગયા બાદ ફરી તેમનું નસીબ ચમક્યું હતું.
કોંગ્રેસે ડિસેમ્બર 2021માં જગદીશ ઠાકોરને રાજ્યની કમાન સોંપી હતી, પરંતુ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં પાર્ટી માત્ર 17 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. ઓબીસી કેટેગરીમાં આવતા જગદીશ ઠાકોરને ખૂબ જ અપેક્ષા સાથે આ પદ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્રિકોણીય લડાઈમાં ઠાકોર વધુ સારી વ્યૂહરચના બનાવી શક્યા ન હતા.
પરેશ ધાનાણી શા માટે ગણાય છે દાવેદાર
પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસ ખેડૂત નેતાની છાપ ધરાવે છે. સામાન્ય દિવસોમાં તેઓ એકલા એક્ટિવા લઈને અમરેલીમાં ફરે છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નજરે પડે છે. વર્ષ 2002માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. માત્ર 26 વર્ષની ઉંમરે આ ચૂંટણીમાં પરેશ ધાનાણીએ ત્રણ વખતથી સતત જીતતા આવતા ભાજપના કેન્દ્રીયમંત્રી પરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા.
વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 30 માંથી 23 બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. આ ચૂંટણીમાં પરેશ ધાનાણીનો પરાજય થયો છે. કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 38 નેતાઓને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.
આ નામોની ચર્ચા
અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ડો.જીતુ પટેલ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે. તેઓ ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. કોંગ્રેસનું અત્યાર સુધીનું આ સૌથી નબળું પ્રદર્શન છે. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. તો 1995ની ચૂંટણીમાં 45 બેઠકો હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે