ગ્યાસુદ્દીન શેખનો દાવો, 'ગુજરાતના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોનો કેજરીવાલે 3 વખત કર્યો હતો સંપર્ક'

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પતંગ અને ઝાડુ કોંગ્રેસને તોડવા કામ કરે છે. આપ પાર્ટીએ મારો સંપર્ક કર્યો હતો. મારી સાથે મારા મુસ્લિમ સમાજના ધારાસભ્યનો પણ આપ એ સંપર્ક કર્યો હતો.

ગ્યાસુદ્દીન શેખનો દાવો, 'ગુજરાતના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોનો કેજરીવાલે 3 વખત કર્યો હતો સંપર્ક'

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે અંદરખાને પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ આ વર્ષે થનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળે તો નવાઈ નહી. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસનું માઇનોરિટી વિભાગનું સંમેલન યોજાયું છે. કોંગ્રેસ દ્વારા સદભાવના સંમેલનનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ પ્રસંગે કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પતંગ અને ઝાડુ કોંગ્રેસને તોડવા કામ કરે છે. આપ પાર્ટીએ મારો સંપર્ક કર્યો હતો. મારી સાથે મારા મુસ્લિમ સમાજના ધારાસભ્યનો પણ આપ એ સંપર્ક કર્યો હતો. આ નિવેદન જ્યારે ગ્યાસદ્દીને આપ્યું ત્યારે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક નેતાઓ સ્ટેજ પર હાજર હતા.

ગ્યાસુદીન શેખે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ન કરો. મુસ્લિમ સમાજનો ખભો બંને કોંગ્રેસ પાર્ટી છે.

મહત્વનું છે કે, કોગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આજે એક દાવો કરીને ખળભળાટ મચાવ્યો હતો. તેમણે ભરી સભામાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ કોગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યોને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાહેરમંચ પરથી દાવો કર્યો હતો કે મને અરવિંદ કેજરીવાલને ત્યાંથી આમંત્રણ આવ્યું હતું. તે સિવાય તેમણે જણાવ્યું હતું કે ઈમરાન ખેડાવાલા અને જાવેદ પીરજાદાને પણ કેજરીવાલે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. 

તમને જણાવી દઈએ કે, ગ્યાસુદ્દીન શેખ અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય છે. જ્યારે ઇમરાન ખેડાવાલા જમાલપુર બેઠક પરથી ધારાસભ્ય છે, અને કોગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરઝાદા વાંકાનેર મતવિસ્તારના ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાસંગિક સંબોધન દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ પાસે આજે કાર્યકરો નથી, તમામ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાઈ રહ્યા છે. જગદીશ ઠાકોરના આડકતરી રીતે પ્રધાનમંત્રી પર પ્રહાર કર્યો હતો. લઘુમતીના 20000 થી વધુ વોટ ધરાવતી રાજ્યમાં 60 બેઠકો છે, આ તમામ બેઠકો પર કાર્યક્રમો કરવાના છે. દરેક બેઠક પર લઘુમતિના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો. મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાનો પ્રયત્નો કરો. ચૂંટણીમાં ભાજપનો મતદાર મત આપ્યા વગર રહેતો નથી, તો આપણો મતદાર કેમ બાકી રહે છે? આપણું મતદાન ઓછું થાય છે એટલે આપણે સત્તામાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news