કોંગ્રેસમાંથી ગમે ત્યારે ગમે તેની વિકેટ પડી શકે છે! દિલ્હી દરબારમાં પહોંચ્યો ગુજરાતની હારનો રિપોર્ટ

Gujarat Congress : કોંગ્રેસની કારમી હાર પાછળનો રિપોર્ટ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ખડગેને સોંપ્યો, હવે ગુજરાત કોંગ્રેસમાં નવાજૂની થઈ શકે છે 

કોંગ્રેસમાંથી ગમે ત્યારે ગમે તેની વિકેટ પડી શકે છે! દિલ્હી દરબારમાં પહોંચ્યો ગુજરાતની હારનો રિપોર્ટ

Gujarat Congress : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી હતી. જેને હવે પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ત્યારે આ રિપોર્ટ હવે દિલ્હી પહોંચ્યો છે. ત્રણ સભ્યોની કમિટી પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કરશે. ત્યારે કોંગ્રેસમાં નવાજૂની થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, આ સમિતિએ જે રિપોર્ટ બનાવ્યો છે, તેમાં હારના કારણો શોધવાની સાથે ઉકેલ પણ સૂચવ્યા છે. જેથી કોંગ્રેસમાંથી ગમે ત્યારે ગમે તે સમયે કોઈની વિકેટ પડી શકે છે. 

ગુજરાતમાં સતત હાર ભાળી જતી કોંગ્રેસમાં અંદરોઅંદર ટાંટિયાખેંચ વધુ છે. આ મામલે પક્ષના ગદ્દારો વધી રહ્યાં છે. કોંગ્રેસની હારનું કારણ ખુદ કોંગ્રેસ છે એવુ અનેકવાર સાબિત થઈ ગયું છે. ત્યારે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલી ગુજરાત કોંગ્રેસ પર હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. તેથી જ હારના કારણો જાણવા માટે દિલ્હીથી એક ટીમ મોકલાઈ હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નીતિન રાઉતના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. આ ટીમે નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને લોકો સાથે વાતચીત કરીને મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે. હારના કારણો શોધવાની સાથે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ ઉકેલ પણ સૂચવ્યો છે. 

કોંગ્રેસમાં આંતરિક ચર્ચા છે કે, આ રિપોર્ટમાં કેન્દ્ર અને રાજ્યના સંગઠનમાં સંકલનનો અભાવ હારનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. જેમાં ચોંકાવનારા કારણો જણાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે વધુ સારા સંકલનના અભાવને કારણે, કોંગ્રેસ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી અને પાર્ટી 77 થી સીધા 17 પર આવી ગઈ હતી. જેના કારણે તેમને વિપક્ષના નેતાનું પદ ગુમાવવું પડ્યું હતું. પાર્ટીમાં એક તરફ કેન્દ્રીય ટીમ અને રાજ્ય વચ્ચે સંકલન ન હોવાથી રાજ્યની ટીમ અને જિલ્લાની ટીમો વચ્ચે પણ સમાન સ્થિતિ રહી હતી. આ રીત પાર્ટી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. પક્ષના ઉમેદવારો અનેક મોરચે એકલા પડી ગયા હતા. કમિટીએ આ તમામ તારણો તબક્કાવાર ક્ષેત્રીય મુલાકાતો બાદ કાઢ્યા છે.

પક્ષના ગદ્દારોને કારણે હાર્યું કોંગ્રેસ
વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો હતો કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જો કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં  પગલાં  ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી કરાયું. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં કોંગ્રેસની અંદરો અંદરની ટાંટિયા ખેંચને પગલે કોંગ્રેસ સતત તૂટતી જાય છે. ગુજરાતમાં સારા કહેવાતા ઘણા નેતાઓએ ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. એક સમયે 77 બેઠકો જીતીને ભાજપના નાકમાં દમ લાવી દેનાર કોંગ્રેસ ઘર સાચવી શકી નથી. આજે વિધાનસભામાં કેટલાક નેતાઓ આ બાબતે વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે, પણ જ્યાં સુધી કોંગ્રેસમાં જડમૂળથી ફેરફારો નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ફરી ગુજરાતીઓનો ભરોસો જીતવો એ અઘરો છે. કારણ કે હાલમાં સંતાકૂકડીની રમત ચાલતી હોય તેમ પદ પર એક બાદ એક નેતાઓ બદલાઈ રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડ આ સારી રીતે જાણે છે પણ એમની પાસે પણ કોઈ વિકલ્પ નથી. એટલે જ ગુજરાતની ચૂંટણીમાં હાઈકમાન સતત નિષ્ક્રીય રહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગહેલોત સહિતના નેતાઓના ધામા છતાં કોંગ્રેસ કંઈ ઉકાળી શકી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની અત્યંત કારમી હારના સાચાં કારણો શોધવા હાઈકમાન્ડે ત્રણ સભ્યોની કમિટી ગુજરાત મોકલી હતી, મોડે મોડે આ કમિટીએ ગુજરાતના ચારેય ઝોનના આગેવાનો-કાર્યકરો સાથે મસલતનો દોર શરૂ કર્યો હતો, જે હવે પૂરો કર્યો છે. આ કમિટી દિલ્હીમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરાયો છે, એ સાથે જ મરણ પથારીએ પડેલી કોંગ્રેસને બેઠી કરવા માટે શું કરવું તેની ભલામણ આ કમિટી સૂચવવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news