ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ ડ્રગ્સની રેલમછેલ... હવે તો ગુજરાતની ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનવા લાગ્યું

Gujarat Drugs : પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતુ હતું, પરંતું ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ ડ્રગ્સની રેલમછેલ... હવે તો ગુજરાતની ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનવા લાગ્યું

ગાંધીનગર :ગુજરાત ભલે દારૂબંધીના નામે ગર્વ લેતુ હોય, પરંતુ ગુજરાતમા જે રીતે દારૂ પકડાય છે, દારૂની મહેફિલો પકડાય છે અને દારૂ પીનારા પકડાય છે તેના પોલીસ ચોપડે પુરાવા બોલે છે. છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ આવ્યો છે તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહિ હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યુ છે. પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતુ હતું, પરંતું ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે. જે બતાવે છે કે ગુજરાતમાં ગુનાખોરી બેફામ બની રહી છે અને ગૃહમંત્રી પાકિસ્તાની આકાઓનો ઓડિયો જાહેર કરીને ખુશ થાય છે. પરંતુ ઘર આંગણે બનતી ડ્રગ્સની ફેક્ટરીઓનું શું! ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 

ભરૂચમાં બનતુ હતું ડ્રગ્સ 
ભરૂચ જિલ્લા SOGની ટીમે મંગળવારે પુનઃ પાનોલી GIDC સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ વખતે કંપનીમાંથી SOGની ટીમે અંદાજીત 90 કિલો MD ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રુ.1300 કરોડ જેટલી થાય છે. 

સાવલીમાં ફેક્ટરી ઝડપાઈ 
ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત ATSએ રેડ કરીને 200 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રુ. 1000 કરોડ જેટલી કિંમત થાય છે. ATSએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ગુજરાત ATS દ્વારા વડોદરાના મોકસી ગામની કંપનીમાંથી 13 જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું.

ચોંકાવનારી બાબત તો એ છે કે, ગુજરાત પોલીસના નાક નીચે ગુજરાતમાં ડ્રગ્સ બની રહ્યું છે, છતાં સરકાર ચૂપ બેસી છે. ગુજરાત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, અને બહારના રાજ્યની પોલીસ ગુજરાતમાં આવીને ડ્રગ્સની ફેક્ટીઓ પકડે છે. શું ગુજરાત પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી. ગુજરાતમાં જે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, તેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. તો શું ગુજરાત પોલીસ માત્ર દારૂડિયાઓને પકડીને ફોટા પાડવાથી ખુશ થઈ જાય છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂની બદી છે. ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે. સરકાર દારૂબંધી પર નક્કર પગલા લઈ શક્તી નથી, ત્યારે ડ્રગ્સનુ જે દૂષણ વધ્યુ તેમાં શું કરશે. સરકાર સમયસર પગલા નહિ લે તો ગુજરાતનુ યુવાધન દારૂની સાથે ડ્રગ્સના રવાડે જલ્દી ચઢી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news