ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ

Gujarat University Scam : ગુજરાત યુનિવર્સિટી કૌભાંડોનો અખાડો બની ગઈ છે... આ રહ્યો ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો ચોથો ધડાકો, જેમાં જુઓ 17 એસી ગાયબ કરાયા અને એસ્ટેટ વિભાગ શંકાના દાયરામાં આવ્યું, પરંતું સિક્યુરિટી પર આરોપ ઢોળી સૌએ હાથ ખંખેરી લીધા

ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ

Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીમાં જઈએ એટલે અલગ અલગ વિભાગમાં જુદા જુદા પ્રકારની અવનવી ચર્ચાઓ સાંભળવા મળતી રહે છે. જો હવે આધારભૂત સૂત્રો એવી પણ કહી રહ્યા છે કે, ગુજરાત યુનિવર્સીટીમાં ચાલતા કાંડ અંગે રાજ્ય સરકાર ગંભીર છે, અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે અને અનેક મુદાઓ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર ગુજરાત યુનિવર્સીટીમાં તપાસનો આદેશ આપી શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જ રહી. પરંતુ અગાઉ અમે ગુજરાત યુનિવર્સીટી અંગે 3 પાર્ટમાં કેટલીક શંકાસ્પદ ઘટનાઓ અંગે જણાવી ચુક્યા છીએ. એન્ટી ચેમ્બરમાં જઈ કબાટમાં બીલની ટકાવારી મુકાવવાની વાત હોય કે પછી ગુજરાત યુનિવર્સીટીના કન્વેનશન સેન્ટર અને મેદાનના ભાડા પેટે લલ્લુજી એન્ડ સન્સ પાસેથી બાકી નીકળતી અંદાજે 40 કરોડની રકમ જે માફ કરી દેવાયાની ચર્ચાઓ સાંભળવા મળે છે, તેના વિશેની વાત હોય, યા પછી CCC ની પરીક્ષામાં પાસ થવા થતા નાણાકીય વ્યવહારોની વાત હોય. આ તમામ વાતો લખાતા યુનિવર્સીટીના અનેક કર્મચારીઓમાં ખુશી જોવા મળે છે તો કેટલાક કર્મચારીમાં ફફડાટ. કર્મચારીઓ કહે છે કે કેટલાક અધિકારીઓના જો ફોનની ચકાસણી થઈ જાય તો અનેક મોટા કર્મચારીઓ સામે આવતા પણ ગભરાશે. 

કૌભાંડ નંબર-1
યુનિવર્સિટીમાં આવેલું અટલ કલામ બિલ્ડીંગ ખાનગી કંપનીને ભાડે આપવા મુદ્દે આજે પણ ચર્ચામાં 
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી અટલ કલામ બિલ્ડીંગ ખાનગી કંપનીઓને ભાડે આપવા મામલે ખૂબ ચર્ચામાં આવી. જેનો NSUI એ ગુજરાત યુનિવર્સીટી ખાતે ખૂબ વિરોધ કર્યો. જો કે આ અંગે તમામ પ્રક્રિયા નિયમ મુજબ થઈ હોવાનું તત્કાલીન કુલપતિ કહેતા રહ્યા હતા. પરંતુ આ કંપનીઓએ અટલ કલામ બિલ્ડિંગમાં રહેવા બદલ MoU મુજબ કેટલીક શરતોનું પાલન કરવાનું હતું. જે હજુ સુધી ન થયાનું ધ્યાને આવતા નવા કુલપતિએ કંપનીઓને નોટિસ ફટકારી છે અને MoU મુજબ કામગીરી થઈ છે કે નહીં એ અંગે ખુલાસો માગ્યો છે તેમજ જો કામગીરી ના થઇ હોય તો જગ્યા ખાલી કરાવવાની તૈયારી કરી છે. ખાનગી કંપનીઓ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ધમધતી થઈ હોવાની ચર્ચા ગુજરાત યુનિવર્સીટીના કર્મચારીઓ કરતા સાંભળવા મળે છે.

કૌભાંડ નંબર-2
IIS વિભાગ, જેની પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોવા છતાં પોતાની કોઈ જગ્યા જ નહિ 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટી. આ વિભાગ ગુજરાત યુનિવર્સીટીમાં 20 જેટલા કોર્ષ સેલ્ફ ફાઇનાન્સ પદ્ધતિથી ચલાવે છે. જેના માટે તત્કાલીન કુલપતિએ બોટની વિભાગના પહેલા માળે જગ્યા ફાળવી હતી. નવા કુલપતિ આવતા જ બોટની વિભાગ દ્વારા આ જગ્યા IIS વિભાગ પાસેથી પરત માંગી લેવાઈ છે. લાખો રૂપિયા ખર્ચીને અભ્યાસકર્તા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, એક સમયે તો ચાવી પણ પાછી લઈ લેવાઈ હતી. પરંતુ ત્યારબાદ મામલો ફૂલપતિ પાસે જતા આખરે નવી જગ્યા ફાળવવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. નવી જગ્યા ના મળે ત્યાં સુધી આ વિભાગ જાણે વેન્ટિલેટર પર હોય એવું વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે.

કૌભાંડ નંબર-3
બીએસસી નર્સિંગના પેપર ચોરી કાંડ મામલે એફઆઈઆર કરી સંતોષ માની લેવાયો, વિભાગીય તપાસની તસ્દી ન લેવાઈ

ગુજરાત યુનિવર્સીટી દ્વારા બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. NSUI એ આક્ષેપ કર્યો કે કેમ્પસમાં આવેલા બોટની વિભાગના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી કાઢી વિદ્યાર્થીઓને લખાવવામાં આવી છે અને પેપર પરત મૂકી દેવામાં આવે છે. વાત સાચી હતી, તપાસ કરતા 28 ઉત્તરવહી ગાયબ થઈ હતી, જેમાંથી 14 ઉત્તરવહીનો હજુય પત્તો નથી મળ્યો. આ અંગે NSUI આખી રાત રેકી કરીને પુરાવા ભેગા કરી સવારે કુલપતિને એસેસમેન્ટ સેન્ટર પર બોલાવ્યા હતા. કુલપતિએ તૂટેલું તાળું અને એસેસમેન્ટ સેન્ટરની હાલત જોઈ FIR કરી હતી. પોલીસે તપાસ કરી સની નામના આરોપીની શોધખોળ શરૂ કરી પરંતુ સની પોલીસ પકડથી બહાર છે તો બીજીતરફ કુલપતિએ FIR નોંધાવી સંતોષ માન્યો, કોઈપણ જાતની વિભાગીય તપાસ ના કરી અને પોતાના કર્મચારીઓને કોઈજાતનો સવાલ ના કર્યો હોય તેવી ચર્ચાઓ થઈ. કુલપતિએ સમગ્ર પેપર ચોરીકાંડ અંગે પોલીસ તપાસ પર નિર્ભર રહેવાનું પસંદ કર્યું. આરોપી સની વિશે ચર્ચાઓ સાંભળવા મળે છે કે, તે નાપાસ થતા વિદ્યાર્થીઓને ફોન કરતો, પૈસા લઈ પેપર લખવવાની જવાબદારી લેતો. પરંતુ કઈ કોલેજના કેટલા વિદ્યાર્થી નાપાસ છે તેમની માહિતી કોણ તેને આપતું એ સવાલ એક મોટા માથાની સંડોવણી તરફ ઈશારો કરતું રહ્યું છે.

કૌભાંડ નંબર-4
17 એસી ગાયબ, એસ્ટેટ વિભાગ શંકાના દાયરામાં, સિક્યુરિટી પર ઢોળી સૌએ હાથ ખંખેરી લીધા 

ગુજરાત યુનિવર્સીટીમાં આવેલ એનિમેશન વિભાગમાંથી 17 એસી ગાયબ થયા. આ 17 એસીનો બારોબાર વહીવટ કરાયાનો આક્ષેપ NSUI એ કર્યો હતો. રીનોવેશનની કામગીરી દરમિયાન 17 એસી સ્ટોરરૂમમાં મુકવામાં આવ્યા હતા, તેવી ચર્ચાઓ સમગ્ર યુનિવર્સીટીમાં થતી રહી છે. જ્યારે એસી ના મળ્યા ત્યારે ગુજરાત યુનિવર્સીટીના એસ્ટેટ વિભાગે આ ગાયબ થયેલા એસીની જવાબદારી સિક્યોરિટી કર્મચારીઓના શિરે નાખી હતી. એસી ગાયબ થવા પાછળ એસ્ટેટ વિભાગ અને તેના એક હંગામી કર્મચારી જવાબદાર હોવાનું જે તે સમયે ચર્ચાયું હતું. આ અંગે તત્કાલીન કુલપતિએ ટેલિફોનિક તપાસના આદેશ એસ્ટેટ અધિકારીને આપ્યા હતા. રજિસ્ટ્રારે પણ પત્ર લખી 17 એસી ગાયબ થવા અંગે કારણ માંગી સંતોષ માની લીધો હતો. 17 એસી ક્યાં ગયા એ રાઝ પરથી આજદિન સુધી પડદો ના ઉચકી શકાયો. સૌએ એકબીજાને સાચવી લીધાની ચર્ચાઓ ગુજરાત યુનિવર્સીટીમાં હજુય સાંભળવા મળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news