નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી
Nitin Patel : આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ
Trending Photos
BJP Maha Jansampark Abhiyan : ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનુ (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા 65 વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય. કારણ કે તેમને પાર્ટીએ એક મોટી જવાબદારી સોંપી છે. એ પાટીદાર નેતા જેઓ ત્રણવાર મુખ્યમંત્રી બનતા રહી ગયા તેવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે.
2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ એક્શનમાં આવી ગયુ છે. આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.
ઉત્તરાખંડ-યુપીમાં ભાજપનો પ્રચાર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાકંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ તથા ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે.
વિજય રૂપાણીને પણ સોંપાઈ જવાબદારી
ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે, તો બીજી તરફ તેમને AAPના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. પંજાબ બાદ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં પ્રવેશ્યા છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉના પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો, વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે. રૂપાણીને આમ આદમી પાર્ટીના ગઢમાં એવા સમયે આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં 10,000 કરોડના ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે