ગુજરાતના બસમથકો પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે: વિજય રૂપાણી

ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.

ગુજરાતના બસમથકો પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે: વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકો (Bus Station) ને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. 

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ (GPS System) સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્ય (Gujarat) ના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. 

મુખ્યમંત્રી (CM) એ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા. મુખ્યમંત્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યીક ગતિવિધિ નહિ પરંતુ લોકસેવાનું સાધન છે તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો. 

વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે. મુખ્યમંત્રી (CM) એ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે. 

એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.

ગુજરાત (Gujarat) માં ૯૯ ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. ૧૬ ડિવીઝન, ૧રપ બસ ડેપો, ૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ તેમજ ૮પ૦૦ બસીસ દ્વારા ૭પ૦૦ શેડયુલ ટ્રીપથી રોજના ૩પ લાખ કિ.મી. બસ સંચાલનથી રપ લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે. 

વિજય રૂપાણી (Vijay Rupani) એ કોરોના સંક્રમણ, વાવાઝોડુ, પૂર કે અન્ય કોઇ પણ કુદરતી આફતોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા કે પહોચાડવામાં એસ.ટી. નિગમ અને તેના કર્મયોગીઓની સેવા પરાયણતાને અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ કર્મયોગીઓએ કોરોના કાળમાં પણ એસ.ટી. સેવાઓ કે પ્રવૃત્તિઓ અટકવા દીધી નથી અને ઇનહાઉસ બસ બોડી નિર્માણ કરવાના તેમજ કરકસરયુકત ઇંધણ સંચાલન જેવા એવોર્ડઝ પણ મેળવ્યા છે તેની તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જે બસ મથકોના લોકાર્પણ કર્યા તેમાં સંબંધિત કાર્યક્રમ સ્થળે નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પણ જોડાયા હતા. તદઅનુસાર, દહેગામ બસમથક લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાણંદ ખાતે મંત્રી પ્રદીપસિંહ જાડેજા, લીમડીમાં બચુભાઇ ખાબડ, સંતરામપુરમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, પાલનપુરમાં મંત્રી દિલીપકુમાર ઠાકોર, પીપળાવમાં મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ વાઘોડીયામાં રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ અને અરવલ્લીના ડેમાઇમાં રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર તથા ભાવનગર ડેપો વર્કશોપ લોકાર્પણમાં મંત્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા. 
સમગ્રતયા મુખ્યમંત્રીએ રૂ. ર૮.ર૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બસ મથકોના ઇ-લોકાર્પણ કર્યા હતા. 

આ ઉપરાંત રૂ. ૧પ.પર કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા પાંચ એસ.ટી. ડેપો વર્કશોપના જે વર્ચ્યુઅલ ખાતમૂર્હત મુખ્યમંત્રીએ કર્યા તેમાં કાર્યક્રમ સ્થળોએ દ્વારકામાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબીમાં મંત્રી સૌરભભાઇ પટેલ, વાંકાનેરમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, વિરપુરમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને સરધારમાં મંત્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. 

વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ સરધારથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં કહ્યું કે મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં એસ.ટી. સુવિધાઓનો વ્યાપ સતત વધતો રહ્યો છે. એસ.ટી. નિગમે ૧ર૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પપ૦૦ બસીસ પ્રજાજીવનમાં યાતાયાત માટે મૂકેલી છે તથા ૮ હજાર બસો ગ્રામીણ ક્ષેત્રને આવરી લે છે.

તેમણે જણાવ્યું કે, એસ.ટી. નિગમના ૪૪ હજાર કર્મયોગીઓએ કોરોનાના કપરા કાળમાં પણ એસ.ટી. સેવાઓ કોરોના નિયંત્રણ ગાઇડ લાઇન્સના પાલન સાથે ચાલુ રાખીને પ્રજાવર્ગોની સેવાનું દાયિત્વ નિભાવ્યું છે. આર.સી.ફળદુએ કહ્યું કે રાજ્યમાં જે સ્થળોએ, તાલુકાઓમાં, જૂના અને જર્જરિત બસમથકો હતા ત્યાં સુવિધાસભર બસ મથકો બનાવવાની વ્યાપક કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી નિગમે ઉપાડી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news