ખેડૂતો માટે સો ટચ સોના જેવી છે કૃષિ વૈજ્ઞાનિકોની આ સલાહ, માનતો તો ખેતરમાં સોનુ પાકશે

Global Warming : સતત બદલાતું વાતાવરણ બદલી શકાય એ માણસના હાથમાં નથી, પરંતુ વાતાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવવી શક્ય છે. જેથી વાતાવરણની અસરથી ખેતીને બચાવવા ઘણા પાકો વહેલા અથવા ઘણા પાકો મોડા લેવાની સાથે જ પાકની તકનીક પણ બદલવા ઉપર કૃષિ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે

ખેડૂતો માટે સો ટચ સોના જેવી છે કૃષિ વૈજ્ઞાનિકોની આ સલાહ, માનતો તો ખેતરમાં સોનુ પાકશે

Navsari News ધવલ પારેખ/નવસારી : ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં તાપમાન સતત વધી રહ્યુ છે. તાપમાનમાં વધારો ખેત ઉત્પાદો પર સીધી અસર પહોંચાડે છે. જેને કારણે પાકની ગુણવત્તા નબળી રહેવા સાથે પાક વહેલો તૈયાર થવાની ઘટના સામે આવી રહી છે. જેની સાથે જ નવા નવા રોગ અને જીવતો પણ વધી રહી છે. જેથી ઋતુ અનુરૂપ નહીં, પણ વાતાવરણ અનુરૂપ પાક લેવામાં આવે એના ઉપર કૃષિ નિષ્ણાંતો સંશોધન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ પણ પોતાના વર્ષોના અનુભવને આધારે સૂઝબૂઝ થકી ખેતી કરવા પડે એવી સ્થિતિ બની રહી છે

ઋતુથી વિપરીત વાતાવરણમાં આવતો સતત બદલાવ માનવજાત માટે ચિંતાનો વિષય બન્યો છે. 1960 માં હરિત ક્રાંતિ થઈ અને ખેતીમાં રસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો, જેની સાથે ઔદ્યોગિક વિકાસને કારણે વાતાવરણમાં બનેલા વિભિન્ન રાસાયણિક ગેસના આવરણને કારણે તાપમાન ઉંચુ જઈ રહ્યુ છે. જેની સીધી અસર ખેતી પાક ઉપર પડી રહી છે. ખેત નિષ્ણાતો અનુસાર દરેક ખેત ઉત્પાદ માટે કેટલુ તાપમાન જોઈએ, એનું તાપમાન યુનિટ નક્કી છે. જેથી વધતા તાપમાનમાં ખેતી પાક વહેલા પરિપકવ થવા માંડ્યા છે. જેથી જે પાક 6 મહિનામાં તૈયાર થતો હતો, એ હવે ઓછા સમયમાં એટલે 4 કે 5 મહિનામાં તૈયાર થવા માંડ્યો છે. એટલે એવું કહી શકાય કે બદલાતા વાતાવરણની અસર ઋતુચક્ર પર થવાને કારણે ખેતી પાકોની પેટર્ન બદલાઈ રહી છે. ઉંચા તાપમાનને કારણે વહેલો તૈયાર થતો પાક ગુણવત્તાની દૃષ્ટિએ નબળો હોય શકે. જેમ કે, આ વર્ષે મબલખ કેરીનો પાક આવવાની સંભાવના વચ્ચે ફેબ્રુઆરીથી શરૂ થયેલી ગરમી 40 ડીગ્રી આસપાસ રહી, જેને કારણે કેરીના ફળ નાના રહી ગયા અને ઝાડ પર જ પાકવાની સંભાવના વધી, એટલે સુધી કે સીઝન કરતા બજારમાં વહેલી કેરી જોવા મળી. બીજી તરફ ડાંગર, ઘઉં સહિત કઠોળ પાકોમાં થયેલ સંશોધન ધાન્ય અને કઠોળના દાણા નાના રહેવા પામ્યાની સાબિતી આપે છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના વનિય કોલેજમાં મૂળ સંશોધન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. કીર્તિ બાધવાન ડાંગરના મૂળ ઉપર સંશોધન કરી રહ્યા છે. ડૉ. કીર્તિ અનુસાર વાતાવરણમાં તાપમાન ચોક્કસ વધ્યુ છે અને તેના કારણે ખેતી પાકો વહેલા તૈયાર થાય છે. પરંતુ વાતાવરણની આ અસરને રોકી શકાય છે અને તેના માટે પાકમાં પૂરતા પ્રમાણમાં પાણી સાથે ખાતર આપવામાં આવે. તો ગ્લોબલ વોર્મિગની અસરથી ખેતી બચાવી શકાય. પરંતુ ભારતની પાણીની પરિસ્થિતિને જોતા ખેતીમાં વધુ પાણી આપવું શક્ય નથી. જેથી ઓછા પાણીએ કેવી રીતે ખેત ઉત્પાદન લઈ શકાય એના ઉપર સંશોધન કરવા પડશે અને એવી જાતો વિકસાવવી પડશે. જે ઓછા પાણી સાથે જમીનમાંથી જરૂરી પોષક તત્વો લઇને વિકાસ કરી શકે. સાથે જ બદલાતી ઋતુને પણ ધ્યાને લેવા પડશે. એટલે એવું બની શકે કે આવનારા સમયમાં ઓછા પાણીએ પાક લેવાય, જે 6 મહિનાની જગ્યાએ 4 મહિને તૈયાર થાય એવી જાત તૈયાર કરવામાં આવે અથવા સપ્ટેમ્બરમાં થતી રોપણી પાછળ થાય અથવા કોઈ પાકની જુનને બદલે આગળ રોપણી કરવામાં આવે. જે ખેતીની પેટર્ન બદલાઈ રહી હોવા તરફ નિર્દેશ કરે છે. પરંતુ વૈજ્ઞાનિક અને વાતાવરણની દ્રષ્ટિએ પણ ખેડૂતને ફાયદાકારક સાબિત થઈ શકે.

કૃષિ વૈજ્ઞાનિક પથિક પટેલ જણાવે છે કે, બદલાતા વાતાવરણને કારણે ખેતીમાં રોગ અને જીવાત પણ વધી છે. જેની સાથે નવા રોગ અને જીવાત પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઉનાળુ પાકમાં જે રોગ હતા જ નહીં અથવા નહીવત રહેતા એમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતો સાથે વૈજ્ઞાનિકો પણ ચિંતા સાથે રોગ નિયંત્રણ કરવાના નવા સંશોધન કરી રહ્યા છે.

સતત બદલાતું વાતાવરણ બદલી શકાય એ માણસના હાથમાં નથી, પરંતુ વાતાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવવી શક્ય છે. જેથી વાતાવરણની અસરથી ખેતીને બચાવવા ઘણા પાકો વહેલા અથવા ઘણા પાકો મોડા લેવાની સાથે જ પાકની તકનીક પણ બદલવા ઉપર કૃષિ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. ત્યારે સરકારે પણ આ દિશામાં વિચારી ખેડૂતોને માર્ગદર્શિત કરવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news