ગુજરાતમાં પહેલા ફેઝમાં 89 બેઠકો પર મતદાન, 2017માં કોને કેટલી બેઠક મળી હતી, જુઓ રસપ્રદ આંકડા...

Gujarat Election Date 2022: ઘણા સમયથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનો ગુરુવારે બપોરે 12 કલાકે અંત આવ્યો. ચૂંટણી પંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી.

ગુજરાતમાં પહેલા ફેઝમાં 89 બેઠકો પર મતદાન, 2017માં કોને કેટલી બેઠક મળી હતી, જુઓ રસપ્રદ આંકડા...

Gujarat Election Date 2022: ચૂંટણી પંચે આખરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.

ઘણા સમયથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનો ગુરુવારે બપોરે 12 કલાકે અંત આવ્યો. ચૂંટણી પંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. ગુજરાતમાં 2017ની જેમ આ વખતે પણ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે તેની વચ્ચે તમારે એ જાણવું જોઈએ કે પહેલા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન થવાનું છે અને 2017માં આ બેઠકો પર કયા પક્ષે કેટલી બેઠકો જીતી હતી.

પહેલા તબક્કામાં ક્યાં મતદાન યોજાશે તેના પર નજર કરીએ તો...

  • કચ્છની 6 બેઠક
  • સુરેન્દ્રનગરની 5 બેઠક
  • મોરબીની 3 બેઠક
  • રાજકોટની 8 બેઠક
  • જામનગરની 5 બેઠક
  • દ્વારકાની 2 બેઠક
  • પોરબંદરની 2 બેઠક
  • જૂનાગઢની 5 બેઠક
  • ગીર સોમનાથની 4 બેઠક
  • અમરેલીની 5 બેઠક
  • ભાવનગરની 7 બેઠક
  • બોટાદની 2 બેઠક
  • નર્મદાની 2 બેઠક
  • ભરૂચની 5 બેઠક
  • સુરતની 16 બેઠક
  • તાપીની 2 બેઠક
  • ડાંગની 1 બેઠક
  • નવસારીની 4 બેઠક
  • વલસાડની 5 બેઠક પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

2017માં આ બેઠકો પર શું હતું પરિણામ:
1. કચ્છમાં વિધાનસભાની 6 બેઠકમાંથી ભાજપે માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ એમ 4 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસના ખાતામાં અબડાસા અને રાપર  એમ બે બેઠક આવી હતી.

2. સુરેન્દ્રનગરમાં વિધાનસભાની 5 બેઠકમાંથી ભાજપના ફાળે માત્ર એક વઢવાણ બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસે દસાડા, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક જીતી લીધી હતી.

3. મોરબીમાં વિધાનસભાની 3 બેઠકમાંથી ભાજપના ખાતામાં એકપણ બેઠક આવી ન હતી. જ્યારે કોંગ્રેસે મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક જીતી ક્લીન સ્વીપ કર્યુ હતું.

4. રાજકોટ શહેરમાં 2017ની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં 8માંથી 6 બેઠકો જીતી લીધી હતી. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ અને જેતપુર બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર જસદણ અને ધોરાજી બેઠક જ આવી હતી.

5. જામનગરમાં વિધાનસભાની 5માંથી 3 બેઠક કોંગ્રેસે જીતી લીધી હતી. જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામજોધપુર બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના ફાળે માત્ર જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ બેઠક આવી હતી.

6. દેવભૂમિ દ્વારકામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે એક-એક બેઠક જીતી હતી. દ્વારકા બેઠક પર પબુભા માણેકનો વિજય થયો હતો. જ્યારે ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ વિજયી બન્યા હતા.

7. પોરબંદરમાં વિધાનસભાની બે બેઠકમાં પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખીરિયા અને કુતિયાણા બેઠક પર  એનસીપીના કાંધલ જાાડેજાનો વિજય થયો હતો.

8. જૂનાગઢમાં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે વિજયી ચોગ્ગો લગાવતાં માણાવદર, જૂનાગઢ, વીસાવદર અને માંગરોળ બેઠક જીતી લીધી હતી. જ્યારે ભાજપ માત્ર કેશોદ બેઠક જ જીતી શક્યું હતું.

9. ગીર સોમનાથ બેઠક પર 2017નું પરિણામ કંઈક અલગ જ જોવા મળ્યું હતું. જિલ્લાની ચારેય બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠક પર પંજો લહેરાયો હતો.

10. અમરેલી બેઠક પર પણ 2017માં કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. અહીંયા કોંગ્રેસે પોતાના ચૂંટણી ચિન્હની જેમ પરિણામમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક જીતી હતી.

11. ભાવનગરની 7 બેઠક પર ભાજપે ઉત્તમ પ્રદર્શન કરતાં 6 બેઠકો જીતી હતી. મહુવા, ગારિયાધર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્વિમ બેઠક જીતી લીધી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર તળાજા બેઠક આવી હતી.

12. બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પર કોંગ્રેસના ફાળે એક અને બોટાદ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.

13. નર્મદા જિલ્લાની બે બેઠકો પર એક બેઠક કોંગ્રેસના ખાતામાં અને એક બેઠક ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ખાતામાં ગઈ હતી. અહીંયા ભાજપનું કમળ ખીલી શક્યું ન હતું.

14. ભરૂચ જિલ્લાની પાંચ બેઠક પર 3:1નો રેશિયો રહ્યો હતો. જેમાં 3 બેઠક વાગરા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક પર ભાજપ વિજયી બન્યું હતું. જ્યારે જંબુસર બેઠક કોંગ્રેસ અને ઝઘડિયા બેઠક બીટીપીના ફાળે ગઈ હતી.

15. સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો જીતીને ભાજપે રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર માંડવી બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

16. તાપી જિલ્લાની બંને બેઠક વ્યારા અને નિઝર કોંગ્રેસે ભાજપને હરાવીને જીતી લીધી હતી.

17. ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક પર કોંગ્રેસના મંગળભાઈ ગાાવિતે જીત મેળવી હતી.

18. નવસારીની 4 બેઠકમાંથી જલાલપોર, નવસારી અને ગણદેવી બેઠક જીતીને હેટ્રિક મારી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

19. વલસાડ જિલ્લાની 5 બેઠકમાંથી ભાજપે ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક જીતીને ભાજપે વિજયી ચોગ્ગો માર્યો. જ્યારે કોંગ્રેસને અહીંયા પણ માત્ર એક જ બેઠક કપરાડાની મળી.

2022માં 19 જિલ્લામાં મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. પરંતુ અહીંયા આપણે જોયું કે 2017માં પહેલા તબક્કાની 89માંથી 48 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 38 બેઠક અને બીટીપીના ફાળે 2 બેઠક આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news