વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાતની પાલિકાઓની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી
Gujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
Trending Photos
Gujarat Nagarpalika : જાણીને નવાઈ લાગશે પણ સુખી સંપન્ન કહેવાતા ગુજરાતમાં પણ સરકાર પર મોટું સંકટ આવ્યું છે. વિકાસના નામે દેવાળુ કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે, સરકાર પાસે કર્મચારીઓને આપવાના પણ રૂપિયા નથી. ગુજરાતની 107 નગરપાલિકાઓમાં 3 મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી. ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો અને કાયમી કર્મચારી પગારથી વંચિત થયા છે.
ગુજરાતની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. આ પહેલા નગરપાલિકાઓ લાખોનું લાઈટબિલ ન ચૂકવી શક્તા અંધારપટ છવાયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતની નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા નથી. આ બાબત ગુજરાત સરકારના અણઘડ વહીવટની સાબિતી આપે છે.
મોટા મોટા ઉદ્યોગોને લ્હાણી, વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ પાથરતી ગુજરાત સરકાર નગરપાલિકાઓનો વહીવટ કરવામાં પાછળ રહી ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે, નગરપાલિકાઓ પાસે રૂપિયા જ નથી. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકાઓ છે, જેમાંથી 107 નગરપાલિકાઓની તિજારીઓ ખાલી થઈ ગઈછે. આ નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે, તેમની પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા પણ નથી.
આ માટે કોણ જવાબદાર
હવે સવાલ એ છે કે આ માટે કોણ જવાબદાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વહીવટ સંભાળવામાં નિષ્ફળ રહ્યાં છે. પાલિકાની આર્થિક સ્થિતુ ડગુમગુ બની છે. મોટાભાગની પાલિકાઓની તિજોરીઓ ખાલીખમ થઈ ગઈ છે. તો કેટલીક પાલિકાઓ વીજબિલ ભરવામાં પણ સક્ષમ નથી. તો પિલાકના પાણીવેરા પણ બાકી છે. સ્થાનિક રાજનીતિને કારણે પાલિકાની કરવેરાની આવક ઘટી છે. હવે સ્થિતિ એવી છે કે, નગરપાલિકાઓ પાસે એટલું પણ ભંડોળ નથી કે તેઓ કર્મચારીઓનો પગાર ચૂકવી શકે. નગરપાલિકા નાણાંકીય સદ્ધરતા ગુમાવી રહી છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ કરવેરા વસૂલવામાં પણ પાછળ પડ્યા છે. પ્રજાના રોષનો ભોગ ન બને તે માટે નિયમિત રીતે કરવેરા વસૂલાતા નથી. હાલ સ્થિતિ એવી છે કે, નગરપાલિકાઓ પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.
ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી
બીજી તરફ, ગુજરાત સરાકરે ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ રોકી રાખી છે. આ કારણે પાલિકાના ચીફ ઓફિસથી માંડને 10 હજારથી વધુ રોજમદારોના કાયમી કર્મચારીઓને પગાર નથી મળ્યો. ત્યારે આ કર્મચારીઓ ભવિષ્યમા આંદોલનના રસ્તે ચઢે તો નવાઈ નહિ.
ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારીઓનો આંકડો 4.12 લાખ કરોડને પાર
આ વર્ષે વિધાનસભામાં નાણાકીય હિસાબનો ઓડિટ રિપોર્ટ રજૂ થયો હતો. કેગના આંકડા અનુસાર, ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35458 કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51647 કરોડ થઈ છે.
વિધાનસભામાં નાણાકીય હિસાબનો ઓડિટ રિપોર્ટ રજૂ થયો
ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે, જ્યારે 14700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 31મી માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 283057 કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 117751.56 કરોડનો વધારો કર્યો છે, જ્યારે 86170.83 કરોડ ભરપાઈ કરી છે. છેલ્લા બે વર્ષના તફાવતમાં જોઈએ તો 2021-22માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો જેમાં 2022-23ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વિગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળીને 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે