વિદ્યાર્થી-વાલીઓ અને શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે સરકારનો આ પ્રાજેક્ટ

Admission : જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સરકાર માટે ફાયદાકારક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે એવી સ્થિતિ સર્જાશે

વિદ્યાર્થી-વાલીઓ અને શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે સરકારનો આ પ્રાજેક્ટ

Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ : જ્ઞાનસેતુ પ્રોજેક્ટના કારણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વને લઈ શિક્ષણવિદોમાં ચિંતામાં મૂકાયા છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 1 થી 5 બાદ વિદ્યાર્થીઓને ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. મેરિટના આધારે શાળાઓમાં પ્રવેશ માટે કરવામાં આવેલ જોગવાઈ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ શાળાની પસંદગી આપવામાં આવશે. 

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંગે વાત કરતા આચાર્ય મહામંડળના મહામંત્રી વિષ્ણુ પટેલે કહ્યું કે, સરકારનો પ્રયાસ ખર્ચ ઘટાડવાનો હોય એવું લાગી રહ્યું છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સરકાર માટે ફાયદાકારક છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળા સંચાલકો માટે મુશ્કેલી પેદા કરશે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે એવી સ્થિતિ સર્જાશે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા વિદ્યાર્થીઓ નહીં મળે તો ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ મર્જ થશે અથવા બંધ કરવાની હાલત પેદા થશે. અધિકારીઓ તરફથી જ્ઞાનસેતુ પ્રોજેક્ટને સફળ બનાવવા શિક્ષકો પર દબાણ કરાઈ રહ્યું છે, જે અયોગ્ય છે.

તેમણે કહ્યું કે, વધુમાં વધુ બાળકો જ્ઞાનસેતુ અંતર્ગત પ્રવેશ પરીક્ષા આપે એ માટે બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવા શિક્ષકો પર દબાણ કરાઈ રહ્યું છે. આવા દબાણને કારણે સૌને સવાલ થઈ રહ્યો છે કે સરકારની શુ મંશા છે? જ્ઞાનસેતુ અંતર્ગત દરેક વિદ્યાર્થીદીઠ ખાનગી શાળાઓને સરકાર તરફથી 20 હજારની ગ્રાન્ટ આપવામાં આવશે. અત્યારે સરકારને એક વિદ્યાર્થીદીઠ 30 થી 40 હજારનો ખર્ચ થાય છે, જેમાં ઘટાડો થશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ જ્ઞાનસેતુ પ્રોજેકટ અંતર્ગત બાળકોને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે, જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની મુસીબત વધારશે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રિન્સિપલ અને શિક્ષકોની ઘટ સામે શિક્ષણ વ્યવસ્થા મુશ્કેલ બની છે ત્યારે સરકારનું આ પગલું સંચાલકો માટે મુશ્કેલભર્યું બનશે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં 50 જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ થનાર છે, જેમાં 300 વિદ્યાર્થીઓ મુજબ 15 હજાર બાળકોને પ્રવેશ આપવાનું આયોજન છે. આ સિવાય 25 જ્ઞાનશક્તિ ટ્રાયબલ સેસિડેન્શિયલ સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ મુજબ 7500 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત 32 હજાર તેમજ 10 રક્ષાશક્તિ સ્કૂલમાં 800 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આયોજન કરાયું છે. 

આ તમામ યોજનાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકો મહત્તમ જવાના હોવાનો અંદાજ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને માટે ટકી રહેવું મુશ્કેલ બનશે. ભવિષ્યમાં સરકારની આ યોજનાઓને કારણે હાલ ખાલી રહેલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની જગ્યાઓ ભર્યા વગર જ ઘટી જશે અથવા ભરવાની જરૂરિયાત જ નહીં રહે તેવો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news