પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના

Paperleak Latest Update : પેપર કૌંભાડમાં સરકારની આબરૂના ધજાગરા થતાં હોવાથી આ મામલે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક હાથે કામગીરી કરવા માગે છે. આ મામલે મુસદો તૈયાર થશે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈઓ સાથે આરોપીની સાધન સંપત્તિ પણ રાજ્યસાત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો બની શકે છે

પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના

Gujarat Paperleak : ગુજરાતમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનામાં સરકાર હવે સક્રિય થઈ છે. સતત 12 પેપર ફૂટતાં સરકારની નિષ્ફળતા સાબિત થતાં 23મી ફેબ્રુઆરીથી શરૂ થનારા નવા બજેટ સત્રમાં પ્રથમ દિવસે જ સરકાર નવો કાયદો પસાર કરાવવાની ફિરાકમાં છે. બિન સચિવાલય ક્લાર્ક, LRD, મહેસૂલી પંચાયતનાં તલાટી, હેડ ક્લાર્ક અને વન સંરક્ષક જેવી અસંખ્ય ભરતી કૌભાંડોમાં સંડોવાયેલા આરોપીઓ હાલમાં જામીન પર બહાર ફરી રહ્યાં છે. જેઓ ફરી પેપર લીક કૌભાંડમાં જોડાય છે અને સરકારના હાથ બંધાયેલા રહે છે. આ કેસમાં હવે સરકાર રાજસ્થાન અને યુપી સરકારના કાયદાનો અભ્યાસ કરી શકે છે. સૂત્રો જણાવી રહ્યાં છે કે, 2 રાજ્યોના કાયદાનો અભ્યાસ કરવા માટે ટાસ્ક ફોર્સને સૂચનાઓ અપાઈ છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ મામલે કડક કાર્યવાહી થાય છે. 

નવા કાયદા માટે સરવે શરુ 
વર્ષ 2018 માં LRD, બાદમાં ૨૦૧૯માં બિન સચિવાલય ક્લાર્કનું પપેર લીક થયુ ત્યારે GPSC, પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત સેવા પસંદગી મંડળ અને વિભાગીય ભરતી માટે રચાતા ટૂંકી મુદ્દતની કમિટી, મંડળોમાં સરકારી અધિકારીઓ, સરકાર દ્વારા રાજકીય સ્તરે નિયુક્ત થતા પદાધિકારીની જવાબદારી નક્કી કરી ફરજમાં બેદરકારી, સામેલગીરી સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠતી રહી છે. નવા કાયદામાં ભરતીની પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી, બિન સરકારી સભ્યોની બેપરવાહી સામે આકરી શિક્ષાની જોગવાઈ દાખલ થશે એમ જાણવા મળ્યું છે. આમ પેપર લીક કૌભાંડમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અત્યારસુધીના પ્રકરણમાં રેલો ફક્ત પેપર ફોડનારા સુધી અટકી જાય છે અને મોટા માથાઓ બચી જાય છે. એટલે નવા કાયદામાં આ પ્રક્રિયા સાથે સામેલ અને સંડોવાયેલા સામે પણ કાયદેસરની તપાસ થશે. 

આ પણ વાંચો : 

કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો
વૈધાનિક અને સંસદિય બાબતો, ગૃહ, કાયદા, સામાન્ય વહિવટ વિભાગના તજજ્ઞોને ટીમને સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં થતી ભરતીઓ માટેના પ્રશ્નપત્રમાં ગુપ્તતા જાળવવા તેના ભંગ સબબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો છે. જે વિધેયક સરકાર વિધાનસભાના સત્રમાં રજૂ કરે તેવી સંભાવના છે. પેપર કૌંભાડમાં સરકારની આબરૂના ધજાગરા થતાં હોવાથી આ મામલે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક હાથે કામગીરી કરવા માગે છે. આ મામલે મુસદો તૈયાર થશે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈઓ સાથે આરોપીની સાધન સંપત્તિ પણ રાજ્યસાત કરવા જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો બની શકે છે.  

પેપરલીક કૌંભાંડ સરકાર માટે પણ માથાનો દુખાવો
ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨૯મી જાન્યુઆરીએ જૂનિયર ક્લાર્ક (વર્ગ ૩)ની પરીક્ષાનું પેપર ફૂટવાના કૌભાંડમાં અમદાવાદ એટીએસએ આંતરરાજ્ય ગેંગના ૧૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં એવા એવા ખૂલાસાઓ થઈ રહ્યાં છે કે પોલીસ પણ ચોંકી ગઈ છે. પેપર એક બાદ એક આરોપીઓના હાથમાં પહોંચતાં તેનો ભાવ વધવાનો હતો. આ વ્યકિતઓએ અત્યાર સુધીમાં કોને, કેટલી કિંમતમાં પેપરો આપ્યા ? એ પ્રશ્ન સૌથી મોટો છે. આ કેસમાં પોલીસે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવાના ફિરાકમાં છે. અત્યારસુધી 20 વર્ષમાં 21 પેપર ફૂટ્યા છે. જેમાં લાખો બેરોજગારોનાં સપનાં ડૂબી ગયાં છે. આ પેપર સિવાય અગાઉ અન્ય કોઇ સરકારી નોકરી અંગેના ગુજરાત કે અન્ય રાજ્યોમાં પેપર લીક કૌભાંડ આચરેલું છે કે નહી ? અગાઉ પેપર લીક ઉપરાંત અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે નહી ? તેની તપાસ કરવાની છે. આ કેસમાં હજુ મોટામાથાઓ સંડોવાયેલા છે. જેઓની ધરપકડ પોલીસ કેવી રીતે કરે છે એ તો આગામી સમયજ બતાવશે પણ આ કેસ હાલમાં ગુજરાતમાં અતિ ચર્ચાસ્પદ બની ગયો છે. આ કૌંભાંડ સરકાર માટે પણ માથાનો દુખાવો બની જતાં સરકાર કાયદો લાવે તેવી હાલમાં સંભાવનાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news