થાઈલેન્ડના આઈલેન્ડ જેવા બનશે ગુજરાતના 13 ટાપુ, ગુજરાતનો છુપો ખજાનો હવે દુનિયા જોશે

Gujarat Tourism : ગુજરાતના સમુદ્રી પ્રવાસન વિકસાવવા સરકારનું આયોજન....રાજ્યના 13 ટાપુઓ પર પર્યટકો માટે ઊભા કરાશે વિવિધ આકર્ષણો ....50 હેક્ટર જમીન છે તેવા શિયાળ સવાઈ, પીરોટન, પીરમબેટ અને વાવલોદ સહિતના ટાપુઓ વિકસાવાશે....
 

થાઈલેન્ડના આઈલેન્ડ જેવા બનશે ગુજરાતના 13 ટાપુ, ગુજરાતનો છુપો ખજાનો હવે દુનિયા જોશે

Gujarat Island Tourism : છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના ટુરિઝમમમાં હરણફાળ છલાંગ આવી છે, જેને કારણે વિદેશના નાગરિકો પણ ગુજરાત ખેંચાઈને આવે છે. ત્યારે હવે ગુજરાતની ધરતી પર છુપાયેલા નવા ટુરિઝમ સ્પોટને વિકસાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળો વિકસાવવા સરકારનું આયોજન છે. રાજ્યના 32માંથી 13 ટાપુઓને વિકસાવવાનું નક્કી કરાયું છે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા જામનગરનો પીરોટન, અમરેલીનો શિયાળ સવાઈ ટાપુ વિકસાવાશે. પીરોટન ટાપુ પર પક્ષીઓની વિવિધ પ્રજાઓનું આકર્ષણ છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન સુવિધાઓ ઉભી કરાશે. ભાવનગરના પીરમબેટ, આણંદના વાવલોદ સહિત 13 ટાપુ વિકસાવાશે. 

ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયો છે. છતા ગુજરાતમાં આઈલેન્ડ ટુરિઝમ વિકસ્યુ જ ન હતું. તેથી સરકારે ગુજરાતના ટાપુઓ પર ફોકસ કર્યું છે. ગુજરાતમાં નાના મોટા મળીને કુલ 144 ટાપુ આવેલા છે. જેમાંના મોટાભાગના ટાપુઓ પર કોઈ વસ્તી નથી. ગુજરાતના 32 માંથી 13 આયલેન્ડને પર્યટક સ્થળ તરીકે વિકસાવાશે. આ ટાપુ પર પ્રવાસીઓને ગમે તેવી તમામ સુવિધાઓ વિકસાવવામાં આવશે. પ્રથમ ફેઝમાં 50 હેક્ટરથી વધુ જમીનવાળા પીરોટન અને શિયાળ સવાઈ ટાપુ વિકસાવવામાં આવશે. 50 હેક્ટર જમીનવાળા એટલા માટે કે, દરિયાની ભરતીની અંદર ટાપુઓ પર ઉભી કરાયેલી સુવિધાઓ ધોવાઈ ન જાય. ઓછી જમીનમાં સુવિધા વિકસાવવાનું પણ અઘરું બને છે. 

આ 13 ટાપુ વિકસાવાશે
દ્વારકા જિલ્લાના કાળુભર, પાનેરો, અજાડ એટલે આઝાદ, ભાયદળ, ગાંધીયોકાડો, રોઝી, નોરા ટાપુઓને વિકસાવાશે. તેમજ ભાવનગરક જિલ્લાના પીરમબેટ, આણંદના વાવલોદ સહિત 13 ટાપુઓને વિકસાવાશે. 

ટાપુઓ પર શું શું બનશે
આ ટાપુઓ પર મરીન પાર્ક, આર્કિયોલોજીકલ મ્યૂઝિયમ, પેડેસ્ટ્રલ બ્રિજ, ઝીપ લાઈન બનશે. પહેલા તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરાશે. તેના બાદ ત્યાં પ્રાથમિક સુવિધાઓ પ્રવાસીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. ટાપુઓ પર વિવિધ પક્ષીઓની જાતિ અને દરિયાઈ વનસ્પતિઓનું આકર્ષણ હોવાથી તેને વિકસાવાશે.

પિરોટન ટાપુ સૌથી વધુ જોવાલાયક છે 
પિરોટન ટાપુનું નામ પુરાતન શબ્દ પરથી અપભ્રંશ થઈને પડ્યું છે. એક અન્ય મત પ્રમાણે અહીં એક પીરની દરગાહ આવેલી છે, જેના પરથી આ ટાપુનું નામ પિરોટન ટાપુ પડ્યું હોવાનું કહેવાય છે. જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલ પિરોટન ટાપુમાં અદ્ભુત દરિયાઈ જીવોના સામ્રાજ્ય અને મેન્ગ્રોવના જંગલો તથા દીવાડાંડી જોવાલાયક છે. અહીં તમે કરચલાની વિવિધ જાતો, દરિયાઈ વીંછી, દરિયાઈ સાપ, દરિયાઈ અળસિયા, ખૂંધવાળી ભારતીય ડોલ્ફિન, જીંગા, ઓક્ટોપસ જોવા મળશે. જામનગરથી બેડીબંદરથી અંદાજે 22 નોટિકલ માઇકના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. અહીં જવા માટે સિક્કા, રોઝીબંદર, નવાબંદર, બેડીબંદરથી યાત્રિક બોટ ભાડે લેવી પડે છે. અહીં જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. જો દરિયામાં ભરતી હોય તો તમે બોટની મજા પણ માણી શકો છો. 

પીરોટન ટાપુની ખાસિયત
પિરોટન ટાપુ દરિયાઈ અજાયબીઓથી ભરપૂર છે. અહીં તમને ક્રિકની બંને તરફ ચેરના જંગલો જોવા મળશે. આ સિવાય જાતજાતની દરિયાઈ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઈ વાદળીઓ, દરિયાઈ પરવાળાઓ, 27 જાતના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય પ્રાણીઓ, અનેક પ્રકારની માછલીઓ, દરિયાઈ કાચબા, દરિયાઈ સાપ, આ સિવાય અન્ય દરિયાઈ જીવો તમને જોવા મળશે. 

ગુજરાતમાં હાલ દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ટુરિઝમ વિકસ્યું છે. પરંતું અહી કેટલાક એવા ટાપુ આવેલા છે, જે હીડન ટાપુ છે અને સુંદરતાથી ભરેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news