14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 31 જણા મોતને ભેટ્યા, 40 રૂપિયાની પોટલીમાં વેચ્યુ મોત

Gujarat Hooch Tragedy : 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. 14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે, 31 જણા મોતને ભેટ્યા

14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 31 જણા મોતને ભેટ્યા, 40 રૂપિયાની પોટલીમાં વેચ્યુ મોત

ઉદય રંજન/અમદાવાદ :બરવાળા પોલીસે લઠ્ઠાકાંડ કેસમાં 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ દાખલ કરી છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSI એ ફરિયાદ દાખલ કરી છે. બરવાળા ઇન્ચાર્જ પીએસઆઇ બીજી વાળા આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમાં સામે આવ્યુ કે, આરોપીઓ 40 રૂપિયામાં એક પોટલી વેચતા હતા. પિન્ટુએ આ માલ બુટલેગરોને આપ્યો હતો. 

આરોપીઓના નામ

  • ગજુ બહેન વડદરિયા
  • પિન્ટુ દેવીપૂજક
  • વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા
  • સંજય કુમારખાણીયા
  • હરેશ આંબલિયા
  • જટુભા લાલુભા
  • વિજય ઉર્ફે લાલો પઢીયાર
  • ભવાન નારાયણ
  • સન્ની રતિલાલ
  • નસીબ છના
  • રાજુ
  • અજિત કુમારખાણીયા
  • ભવાન રામુ
  • ચમન રસિક

સ્ટેટ મોનીટરીંગ સેલ બરવાળામાં પહોંચી ગયુ છે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. એસપી નીરલિપ્ત રાય, ડીવાયએસપી કેટી કામરીયા બૂટલેગરોનું લિસ્ટ મેળવીને તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તમામ આરોપીઓમાંથી કોણ લિસ્ટેડ બુટલેગર છે કેટલા ગુના તે લોકો પર છે તેની તપાસ ચાલુ કરી છે. તેમજ આ સમગ્ર કાંડમાં સ્થાનિક પોલીસની કેવી રીતની સંડોવણી હતી એ બાબતે પણ તપાસ કરાશે. તમામ બુટલેગરો પર કેટલા કેસ થયા તેની વિગત એકઠી કરાઈ રહી છે. આ બુટલેગરોની તપાસ અને સ્થાનિક જિલ્લા પોલીસની સંડોવણી બાબતે તપાસ કરી રિપોર્ટ ડીજીપીને સોંપાશે. 

25 જુલાઈની કથિત લઠ્ઠાકાંડની ટાઈમલાઈન 

  • સમય બપોરે 3:54 કલાકે - અમદાવાદ જિલ્લામાં 4 વ્યક્તિઓના ભેદી મોત
  • સમય સાંજે 4:35 કલાકે - રોજીદ ગામનો શખ્સ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
  • સમય સાંજે 6:56 કલાકે - ભાવનગરથી સ્પેશિયલ ટીમ બોટાદ જવા રવાના
  • સમય સાંજે 7:08 કલાકે - પોલીસે SITની રચના કરી
  • સમય સાંજે 7:38 કલાકે - અણિયારી, આકરુ અને રોજીદ ગામના 2-2 લોકોના મોત, 3 લોકોને અમદાવાદ, 4 લોકોને ભાવનગર ખસેડાયા
  • સમય રાત્રે 8:26 કલાકે - શંકાસ્પદ મોત મામલે FSLની મદદ લેવાનો કરાયો નિર્ણય
  • સમય રાત્રે 8:38 કલાકે - ભાવનગર જિલ્લા પોલીસ અધિકારી રવિન્દ્ર પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી
  • સમય રાત્રે 8: 53 કલાકે - અણિયાળીમાં મૃતકના પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
  • સમય રાત્રે 9:01 કલાકે - ગુજરાત એટીએસની ટીમ બરવાળા પહોંચી
  • સમય રાત્રે 9: 30 કલાકે - અમિત ચાવડાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી
  • સમય રાત્રે 9: 37 કલાકે - ભાવનગરમાં વધુ 2 લોકોને રિફર કરાયા, 3ની સ્થિતિ ગંભીર
  • સમય રાત્રે 9:39 કલાકે - પોલીસે અમદાવાદ અને બોટાદથી પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા
  • સમય રાત્રે 9: 43 કલાકે - વધુ 6 દર્દીઓ દાખલ થતાં ભાવનગરમાં કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ
  • સમય રાત્રે 9: 44 કલાકે - કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ જોડાઈ
  • સમય રાત્રે 10:11 કલાકે - બોટાદમાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો
  • સમય રાત્રે 10: 14 કલાકે - કથિત લઠ્ઠાકાંડમાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાની મળી માહિતી
  • સમય રાત્રે 10: 19 કલાકે - કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને 15 પર પહોંચ્યો
  • સમય રાત્રે 10: 25 કલાકે - બોટાદના એસપી કરણરાજ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી
  • સમય રાત્રે 10: 28 કલાકે - શક્તિસિંહ ગોહિલે કથિત લઠ્ઠાકાંડ મામલે દુ:ખ વ્યક્ત કર્યુ
  • સમય રાત્રે 10: 48 કલાકે - કથિત લઠ્ઠાકાંડની વચ્ચે બરવાળા પોલીસ સ્ટેશનના ASI આસમીનબાનુ ઝડકીલાનો ઓડિયો વાયરલ
  • સમય રાત્રે 11:00 કલાકે - કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 18 પર પહોંચ્યો
  • સમય રાત્રે 11: 47 કલાકે - ગુજરાત ATSએ લાંબા પાસેથી રાજુ નામની વ્યક્તિની ધરપકડ કરી

26 જુલાઈની કથિત લઠ્ઠાકાંડની ટાઈમલાઈન 

  • સમય સવારે 6: 36 કલાકે - પીપળજથી જયેશ નામના વ્યક્તિની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
  • સમય સવારે 7:44 કલાકે - કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 24 પર પહોંચ્યો
  • સમય સવારે 8: 32 કલાકે - આરોપી જયેશે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોટો ખુલાસો કર્યો. 200 લિટરના કેમિકલ કન્ટેનરમાંથી થોડું કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો
  • સમય સવારે 8: 36 કલાકે - બોટાદ પોલીસે તમામ બુટલેગરો પર 302 સહિતની કલમ મુજબ ગુનો નોંધ્યો
  • સમય સવારે 8: 37 કલાકે - મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધુ કેમિકલ પીધું હોવાનો પોલીસનો દાવો
  • સમય સવારે 8: 37 કલાકે - સંજય, પિન્ટુ અને તેના સાગરિતો કોથળીમાં કેમિકલ વેચતા હોવાનો થયો ખુલાસો
  • સમય સવારે 9: 11 કલાકે - અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓને ખસેડવામાં આવ્યા
  • સમય સવારે 9:19 કલાકે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ વડા સાથે કરી વાતચીત. તાત્કાલિક ધોરણે તપાસના આદેશના કર્યા
  • સમય સવારે 9: 28 કલાકે - કથિત લઠ્ઠાકાંડમાં વધુ 3ના મોત સાથે મૃત્યુઆંક 27 પર પહોંચ્યો
  • સમય સવારે 9: 31 કલાકે - બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ થઈ
  • સમય સવારે 9: 35 કલાકે - બન્ટી રાજપૂત ઉર્ફે દિનેશ રાજપૂત રીક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું ખૂલ્યું
  • સમય સવારે 9: 40 કલાકે - કથિત લઠ્ઠાકાંડ મામલે FSLએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો
  • સમય સવારે 9: 41 કલાકે - રિપોર્ટમાં ઝેરી દ્રવ્યમાં 80 ટકા કેમિકલ હોવાનો દાવો કરવામાં આવ્યો
  • સમય સવારે 9: 43 કલાકે - સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટની દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની સૂચના
  • સમય સવારે 9:44 કલાકે - 100 લિટર મિથેનોલ કેમિકલ લોકોએ પીધું હોવાનું સામે આવ્યું
  • સમય સવારે 9: 55 કલાકે - બાવળા પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધી
  • સમય સવારે 10: 21 કલાકે - બરવાળાના મહિલા ASI આસમીનબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ
  • સમય સવારે 10: 35 કલાકે - અલ્પેશ ઠાકોરે દારૂનું વેચાણ કરનારા સામે કાર્યવાહીની માગણી કરી
  • સમય સવારે 10: 48 કલાકે - સામાજિક કાર્યકર લગધિરસિંહ ઝાલાએ કથિત લઠ્ઠાકાંડ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા

24 કલાકથી ઓછા સમયમાં ઈન્વેસ્ટીગેશન કર્યું - ડીજીપી
આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ કે, સમગ્ર ઘટનામાં અનેક લોકોની રાઉન્ડ અપ કર્યાં છે. હવે ઈન્વેસ્ટીગેશનની લાઈન સ્પષ્ટ થઈ ગઈ છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. લાઈનમાં કેમિકલ સપ્લાય કરનારાઓથી લઈને તેને આગળ વેચનાર, ડિસ્ટ્રીબ્યુટ કરનાર, દારૂ બનાવનાર અને વેચનાર તમામને ઓળખી લેવાયા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરાશે. મોડી રાતે જ કેમિકલ રિકવર કરીને FSL માં મોકલી દેવાયુ હતું. રિપોર્ટ મેળવી લેવાયો છે. એફઆઈઆર, ઈન્વેસ્ટીગેશન, રિપોર્ટ, તપાસ બધુ જ 24 કલાકથી ઓછા સમયમાં પૂરુ કરાયુ છે. હુ જલ્દી જ પ્રેસ બ્રીફ કરીશ.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news