એસટી બસ મુસાફરીમાં સેવા પૂરી પાડતી 40 મહિલાકર્મીઓ તથા મહિલા ડેપો મેનેજરની સંઘર્ષ ગાથા
અત્યાર સુધી પુરૂષોનુ પ્રભુત્વ ધરાવતા વિવિધ વિભાગો મા પણ મહિલાઓ પુરૂષ સમોવડી બની તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરિત પરિસ્થિતીમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે. સરકારનો આવોજ એક વિભાગ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ. આજે વાત કરવી છે આણંદ જિલ્લામાં કંડક્ટરની પોસ્ટ પર કાર્યરત મહિલાકર્મીઓની.
Trending Photos
બુરહાન પઠાણ, આણંદઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓના વિકાસને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવતી મહિલા દિવસની ઉજવણીમાં ભારત અને ગુજરાતની મહિલાઓ પણ સહભાગી બની છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મહિલા વિકાસમાં અનેક આયામો સર કરાયા છે. મહિલા સશક્તિકરણ માટે કાર્યરત રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તકો પૂરી પાડવામાં કટીબદ્ધ રહી છે. જેના પરીણામે આજે સરકારના વિવિધ વિભાગોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે. સરકારના મહિલા સશક્તિકરણના કાર્યોના પરીણામે ગુજરાતની મહિલાઓ આજે તેમની પારિવારીક અને સામાજિક ફરજની સાથે સરકારી ફરજ પણ સુપેરે નિભાવી રહી છે.
અત્યાર સુધી પુરૂષોનુ પ્રભુત્વ ધરાવતા વિવિધ વિભાગો મા પણ મહિલાઓ પુરૂષ સમોવડી બની તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરિત પરિસ્થિતીમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે. સરકારનો આવોજ એક વિભાગ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ. આજે વાત કરવી છે આણંદ જિલ્લામાં કંડક્ટરની પોસ્ટ પર કાર્યરત મહિલાકર્મીઓની. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના નડિયાદ વિભાગ હેઠળ કાર્યરત આણંદ એસટી ડેપોમાં આજે ૪૦ મહિલા કંડક્ટર અને એક ડેપો મેનેજર સહિત કુલ ૪૧ મહિલાઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને કોઇ પણ અગવડતા ન પડે તે માટેની પોતાની જવાબદારીઓ બખૂબી નિભાવી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડી રહી છે.
આણંદ એસટી ડેપોમાં છેલ્લા ૫ વર્ષથી પોતાની ફરજ નિભાવતા મહિલા કંડક્ટર હિરલબેન પટેલ જણાવે છે કે મેં માસ્ટર ઓફ આર્ટ્સ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ ૨૦૧૫માં કંડ્ક્ટર તરીકે ફરજ પર હાજર થઈ ત્યારે મનમાં એક ડર હતો કે શું હું આ કાર્યને ન્યાય આપી શકિશ કે નહિ! તેમજ શરૂઆતમાં મારા ઘરના લોકોને પણ થોડો સંકોચ થયો હતો કે હું એક છોકરી થઈને કંડ્ક્ટરની જવાબદારી કેવી રીતે નિભાવી શકિશ પરંતુ આજે મારા પરિવારના સૌને મારી પર ગર્વ છે. વધુમાં હિરલબેન કહે છે કે જ્યારે સવારે પોતાની સાત વર્ષની દીકરીને ઘરે મૂકી ફરજ પર નિકળે છે ત્યારે એક મા તરીકે એ બિલકુલ સહજ નથી હોતું પણ દરેક જવાબદારીને નિભાવવી એજ સૌથી મોટી જરૂરીયાત છે. આજે પણ કામમાં ઘણી વખત એવુ થઈ જાય જ્યારે કેટલીક મૂંઝવણ ઉભી થાય ત્યારે વિભાગનો સહકાર મળતાં મૂંઝવણ ઉકલી જાય છે. હું દરેકને એટલું જ કહેવા માંગુ છુ કે મને સમય જતાં સમજાયું કે એક સ્ત્રી જો પોતાના મનોબળને મજબૂત રાખે તો તેને હમેશા દરેક કાર્યમાં સફળતા મળે જ છે.
આવી જ રીતે આણંદ ડેપોમાં ફરજ બજાવતાં અન્ય એક મહિલા કંડક્ટર સંગીતાબેન ઝાલા કહે છે કે હું એસટી બસ સેવામાં સાત વર્ષથી કંડક્ટર તરીકે કાર્યરત છું જે પૈકી છેલ્લા ચાર વર્ષથી હું આણંદ ડેપોમાં ફરજ બજાવું છું. મારા પરિવારમાં હું મારા પતિ અને અમારી દીકરી અમે ત્રણ છીએ. ઘણીવાર ફરજના સમયની સાથે પારિવારીક જવાબદારીઓ નિભાવવી થોડુ મુશ્કેલ હોય પરંતુ મારા પતિના સપોર્ટના લીધે હું દરેક જવાબદારી નિભાવવામાં સંતુલન જાળવી લઉ છું. વધુમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાત કરતા સંગીતાબેને કહ્યુ કે એવી દરેક મહિલા કે જે ઘરની જવાબદારીઓની સાથે જોબ પણ કરે છે અને પોતાના બાળક-પરિવારની સંભાળ રાખે છે એ બધી જ મહિલાઓ મહિલા સશક્તિકરણનુ ઉદાહરણ છે અને હું તમામ માતાપિતા ને સૂચન કરૂ છું કે તેઓએ તેમની દીકરીઓને ભણાવવી જોઇએ અને તેમને પગભર થવામાં સહકાર આપવો જોઇએ.
આવી જ કઈક વાત છે આશાબેન બારીઆની. આશાબેન કુલ સાડા પાંચ વર્ષથી મહિલા કંડ્કટરની કારકિર્દી પૈકી આઠ મહિનાથી આણંદ ડેપોમાં જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે મહિલા કંડ્કટર તરીકે જવાબદારી નિભાવતા સમયે મને જે પણ નાની મોટી તકલીફ આવે તેને દૂર કરવામાં ડેપોના અધિકારી અને સ્ટાફ ખૂબજ સહકાર આપે છે. અહિયા દરેક મહિલા કંડ્ક્ટરના સમય અને સંજોગોને ધ્યાનમાં લઈને શિફ્ટનુ સમયપત્રક બનાવવામાં આવે છે જેથી દરેક મહિલા કંડ્કટર વિભાગ માટે આભારની લાગણી અનુભવે છે. હું સાડા ત્રણ વર્ષની એક દીકરીની મા છું અને મારી દીકરીને હું ફરજ પર હોઉ ત્યારે મારી સાસુમા અને પતિ સાચવે છે. મારી દીકરી હું સાથે ના હોઉ તો એ સરખુ જમતી અને સૂતી નથી ત્યારે મને એની સતત ચિંતા રહે છે પરંતુ કામને પ્રાધાન્ય આપીને હું મારી ફરજ બજાવુ છું.વિશ્વ મહિલા દિવસે હું એટ્લુ જ કહીશ કે જો દીકરીને યોગ્ય શિક્ષણ આપવામા આવે અને તેની આવડત પર વિશ્વાસ કરવામા આવે તો દીકરી ચોક્કસ પોતાના પરિવારને જ નહિ પણ આખા સમાજને ગૌરવ અપાવવાનુ કાર્ય કરી શકે છે.
આણંદમાં ડેપોમાથી ઉપડતી તમામ બસોના સરળ સંચાલનની જવાબદારી સંભાળતા ડેપો મેનેજર રીનાબેન દરજીએ પોતાના એક મહિલા ડેપો મેનેજર તરીકે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં જણાવે છે કે હું અભ્યાસે એક ઓટોમોબાઇલ એન્જીનીઅર છું. વર્ષ ૨૦૧૧ થી ગુજરાત રાજ્ય માર્ગ પરીવહન નિગમમાં ડેપો મેનેજરની પોસ્ટ પર જોડાયા બાદ મેં અત્યાર સુધીમાં અનુભવ્યું છે કે છેલ્લા ૧૨ વર્ષમાં મહિલાઓ માટે ઘણા બધા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. એક મહિલા તરીકે એવા ક્ષેત્રમાં આવવું કે જ્યાં પહેલાથી પુરૂષોનું પ્રભુત્વ રહ્યુ હોય એ થોડુક મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ શક્ય અવશ્ય છે.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારે તમામ મહિલાઓને અને દીકરીઓને કહેવુ છે કે તેઓએ હમેશા પોતાની પર અટૂટ વિશ્વાસ કેળવવો પડશે અને પોતે દરેક કાર્ય કરવા માટે સશક્ત છે તેમ માનવુ પડશે. કારણ કે જ્યારે તમે પોતાના સપનાઓ અને પોતાની જાત પર વિશ્વાસ કરો છો ત્યારે તમે પોતાની માટે સંભાવનાઓના નવા દ્વાર ખોલી લ્યો છો. વધુમાં હું દરેક મા-બાપ ને એટલું જ કહીશ કે તમારી દીકરીને ભણાવો અને એને આત્મનિર્ભર બનવામાં સહકારરૂપ બનો. નોંધનીય છે કે મહિલાઓને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગવી કેડી કંડારવામાં આવી છે જેની પર ચાલીને આજે દરેક ક્ષેત્રે મહિલાઓ સંપૂર્ણ નિષ્ઠાથી પોતાના ફરજરૂપી કર્મયજ્ઞ દ્વારા અનેક મહિલાઓને પ્રેરણારૂપ બની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે