ડેમોલિશનની બબાલ ટળી! નારાણપુરાના રહીશોને મોટી રાહત, કપાતનો નિર્ણય હાલ મોકૂફ

નારણપુરામાં કપાતનો અમલ મોકૂફ રાખવા માટે દિલ્હીથી આદેશ છૂટ્યો હતો. સ્થાનિક ધારાસભ્યે મ્યુનિ.ના અધિકારીઓને આગળ નહીં વધવા કહ્યું હતું. શહેરના વહીવટમાં દિલ્હીથી હસ્તક્ષેપ કરવો પડ્યો હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ બોપલમાં સફાઈ કામદારો આંદોલન ચલાવી રહ્યા હતા અને બોપલમાં કચરાના ઢગલાં થઈ જતાં લોકો પરેશાન થયા હતા. તે સમયે પણ દિલ્હીથી દરમિયાનગીરી કરવી પડી હતી.

ડેમોલિશનની બબાલ ટળી! નારાણપુરાના રહીશોને મોટી રાહત, કપાતનો નિર્ણય હાલ મોકૂફ

ઝી બ્યૂરો, અમદાવાદઃ છેલ્લાં કેટલાંક દિવસોથી અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારામાં રહીશો રોજ રસ્તા પર ઉતરીને તંત્રનો વિરોધ કરતા જોવા મળતા હતા. તેનું કારણ હતું તંત્ર દ્રારા આપવામાં આવેલાં ડિમોલેશનના આદેશ. શહેરના વિકાસને વેગ આપવા માટે રસ્તાઓ પહોળા કરવા તંત્ર દ્વારા રસ્તા પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત નારાણપુરાના આ રૂટમાં આવતી સંખ્યાબંધ દૂકાનો અને મકાનોને દૂર કરવા તંત્રએ તે સમયે તૈયારીઓ કરી લીઘી હતી. ત્યાંના રહીશો અને વેપારીઓને આ અંગેની નોટીસ પણ આપવામાં આવી હતી. જોકે, સ્થાનિકોની રજૂઆતને પગલે તંત્ર દ્વારા હાલ પુરતો ડેમોલેશનનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સૂત્રોની માનીએ તો,  ડેમોલિશન માટે તૈયારી થઈ ચૂકી હતી અને ચિત્ર બદલાયું:દિલ્હીથી ધારાસભ્ય પર વહેલી સવારે ફોન આવ્યો અને નારણપુરામાં કપાતનો અમલ અટકાવી દેવાયો હતો. અધિકારીએ પૂછ્યું, કપાત હાલ પૂરતી મોકૂફ રાખવાની છે કે કાયમી? ધારાસભ્યે કહ્યું, એક-બે દિવસમાં ચર્ચા પછી નિર્ણય લેવામાં આવશે. ત્યાર બાદ દિલ્હીથી કપાતનો નિર્ણય હાલ મોકૂફ રાખવાનો આદેશ કરાયો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. સૂત્રોના કહેવા મુજબ આ પ્લાનિંગમાં ભૂલ કરવામાં આવી છે તે કોઈના ઇશારે અથવા તો મ્યુનિ. પર નાણાકીય ભારણ કરોડોમાં ન જાય તે માટે કરવામાં આવી છે. નારણપુરા ફાટકથી જો કપાતનો અમલ કરવામાં આવે તો 300થી વધુ ફ્લેટ અને રહેણાક પ્રોપર્ટીનો ખુરદો બોલી શકે તેમ હતો. જોકે નારણપુરા ગામથી નારણપુરા ફાટક વચ્ચે પણ ટ્રાફિકની સમસ્યા નહીં હોવાનો સરવે ખુદ લોકોએ કરાવ્યો છે.

નારણપુરા ગામથી નારણપુરા ફાટક સુધીનો 80 ફૂટનો રોડ 100 ફૂટનો કરવા ગુરુવારે ટીપી કપાતનો અમલ કરવાનો નિર્ણય વહેલી સવારે એકાએક મોકૂફ રખાયો હતો. દિલ્હીથી સ્થાનિક ધારાસભ્યને સીધો ફોન આવ્યો હતો અને હાલ તોડવા પર બ્રેક મારવા કહ્યું હતું. ધારાસભ્યએ અધિકારીને ફોન કરી અમલ અટકાવ્યો હતો. ઘટના સ્થળે બંદોબસ્તમાં પહોંચેલી પોલીસને પણ પાછી મોકલી દેવાઈ હતી. મ્યુનિ.એ આ અંગે ધારાસભ્યને પૂછ્યું હતું કે, શું આ નિર્ણય એક દિવસ પૂરતો જ મોકૂફ કરવાનો છે કે નિર્ણયને કાયમ માટે કેન્સલ કરવાનો છે. જવાબમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, એકાદ બે દિવસ ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લઈશું.

બીજી તરફ કપાતને પગલે વહેલી સવારથી જ સ્થાનિક રહીશો રોડ પર ઉતરી પડ્યા હતા. મ્યુનિ.એ જેસીબી અને ટ્રક પણ બોલાવી લીધા હતા. રોડ પર આવેલી કેટલીક મહિલાઓએ ચોધાર આસુંએ વલોપાત કર્યો હતો. મ્યુનિ.ના નિર્ણયના વિરોધમાં નારણપુરા હિતરક્ષક સમિતિએ સ્થાનિક લોકોને તેમની સાથે આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી. સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે ડ્રામા બાદ કેટલીક દુકાનોએ પોતાની જાતે જ દબાણો હટાવી દીધા હતા.

દિલ્હીથી કપાત રોકવા થયા આદેશઃ
નારણપુરામાં કપાતનો અમલ મોકૂફ રાખવા માટે દિલ્હીથી આદેશ છૂટ્યો હતો. સ્થાનિક ધારાસભ્યે મ્યુનિ.ના અધિકારીઓને આગળ નહીં વધવા કહ્યું હતું. શહેરના વહીવટમાં દિલ્હીથી હસ્તક્ષેપ કરવો પડ્યો હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ બોપલમાં સફાઈ કામદારો આંદોલન ચલાવી રહ્યા હતા અને બોપલમાં કચરાના ઢગલાં થઈ જતાં લોકો પરેશાન થયા હતા. તે સમયે પણ દિલ્હીથી દરમિયાનગીરી કરવી પડી હતી.

કોર્પોરેશનની મોટી ભૂલ સામે આવીઃ
રિ-ડીપીમાં મ્યુનિ.ની ભૂલ, ફાટક પછીના 50 ફૂટના રોડ પર કપાત નહીં, 80 ફૂટના રોડ પરની મિલકત તોડવા દોડ્યા. નારણપુરાથી ઉસ્માનપુરા થઈ આશ્રમ રોડ જતાં રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનું કારણ આગળ ધરી મ્યુનિ.એ નારણપુરા ગામથી નારણપુરા ફાટક વચ્ચે 80 ફૂટનો રોડ 100 ફૂટ કરવા માટે બંને તરફ 10-10 ફૂટ કપાત માટે નિર્ણય કર્યો હતો. આ નિર્ણયમાં અંદાજે 150 જેટલી મિલકતો કપાતમાં જવાનો અંદાજ હતાે. જેના વળતર પેટે મ્યુનિ.ને 15 કરોડનો બોજ પડતો હોવાનું અધિકારીનું કહેવું છે. જોકે ટીપીના અમલમાં રિ-ડીપીના આયોજનમાં મ્યુનિ.એ મોટી ભૂલ કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

નારણપુરા ગામથી નારણપુરા ફાટક વચ્ચેનો રોડ 80 ફૂટનો છે જ્યારે નારણપુરા ફાટકથી ઉસ્માનપુરા થઈ આશ્રમ રોડ સુધીનો રોડ માંડ 50 ફૂટનો છે. જો કપાતનો અમલ થાય તો ગામથી નારણપુરા ફાટક વચ્ચે 100 ફૂટનો રોડ બની શકે પરંતુ ફાટકથી આશ્રમ રોડને જોડતો રોડ માંડ 50 ફૂટનો જ રહે જેને કારણે ટ્રાફિકની સમસ્યા હાલ કરતાં વધુ કપરી બની જાય તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news