વિધાનસભાની વાતઃ ઉમરેઠમાં આ વખતે કોનો હાથ રહેશે ઉપર? જાણો કેવા છે રાજકીય સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાત: ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. ઉમરેઠ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર કપિલાબેન ચાવડાને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. 

વિધાનસભાની વાતઃ ઉમરેઠમાં આ વખતે કોનો હાથ રહેશે ઉપર? જાણો કેવા છે રાજકીય સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ઉમરેઠ વિધાનસભાની વાત...

ગુજરાતના આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠક છે જે માત્ર 3 પરિવારોની સાથે વસ્યું હતું. આ ગામ આજે તાલુકાનું મુખ્ય ગામ છે.ગામની ચારેબાજુ એક કિલ્લો, ચારે દિશામાં દરવાજા, દરેક દિશામાં ખૂબસૂરત તળાવ છે. હર્યા-ભર્યા જંગલોથી ભરેલા આ શહેરોને સમૃદ્ધિનું દ્વાર પણ કહેવામાં આવે છે. ગામની ચારેબાજુ ચાર ખૂબસૂરત સરોવર માલવ તળાવ, પિપળીયા તળાવ, રામ તળાવ અને વડુ સરોવર જે ગામની સુંદરતાને વધારે છે. 

ઉમરેઠ બેઠક વિશે જાણો:
ઉમરેઠ આણંદ જિલ્લાનો તાલુકો છે અને તે રાજ્યના ચરોત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો છે. સાડીઓની દુકાનોથી પ્રચલિત ઉમરેઠને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મમરા અને પૌઆની બહોળી માત્રામાં ફેક્ટરીઓ આવેલી છે. ઉમરેઠમાં મૂળેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે. ઉપરાંત વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે તથા સંતરામ મંદિર, ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. 

ઉમરેઠ બેઠકનું રાજકીય સમીકરણ: 
ઉમરેઠ વિધાનસભામાં અત્યારસુધી 13 વખત અને સારસા વિધાનસભામાં 9 વખત ચૂંટણી યોજાઈ છે. વર્ષ 2012માં નવા સીમાંકન પછી સારસા વિધાનસભાનો ઉમરેઠમાં વિલય કરી દેવામાં આવ્યો. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની આ બેઠક પર ક્ષત્રિય-ઓબીસી મતદારોનો દબદબો છે. જેના કારણે ક્રમશ 1962,1967 અને 1972માં ઉમેદવાર અને આણંદ જિલ્લાના વર્તમાન રાજ્યસભા સાંસદ લાલ સિંહ વિજેતા બન્યા હતા.
 

ઉમરેઠમાં મતદારોની સંખ્યા:
ઉમરેઠમાં 1 લાખ 39 હજાર 389 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 32 હજાર 994 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 2 લાખ 72 હજાર 388 છે. 2017માં યોજાયેલી ચૂંટણીમાં 1883 મતથી જીત હાંસલ કરી હતી. બીજેપી ઉમેદવાર ગોવિંદ પરમારને 68,326 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કપિલ ચાવડાને 66,443 મત મળ્યા હતા. 

વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ        વિજેતા ઉમેદવાર                    પક્ષ 

1962      ઉદેસિંહ વડોદીયા                સ્વતંત્ર 

1967      ઉદેસિંહ વડોદીયા                સ્વતંત્ર 

1972      ઉદેસિંહ વડોદીયા               કોંગ્રેસ 

1975      હરિહરભાઈ ખંભોળજા         કોંગ્રેસ 

1980      હરિહરભાઈ ખંભોળજા         કોંગ્રેસ 

1985      કુસુમબેન ખંભોળજા           કોંગ્રેસ 

1990      સુભાષચંદ્ર શેલત                જનતા દળ 

1995      સુભાષચંદ્ર શેલત               કોંગ્રેસ 

1998      સુભાષચંદ્ર શેલત               કોંગ્રેસ 

2002     વિષ્ણુભાઈ પટેલ                ભાજપ 

2007     લાલસિંહ વડોદીયા            કોંગ્રેસ 

2012      જયંતીભાઈ બોસ્કી          એનસીપી 

2017      ગોવિંદભાઈ પરમાર          ભાજપ 

ઉમરેઠ બેઠકની સમસ્યાઓ:
ઉમરેઠનો આર્થિક વિકાસ છેલ્લા 10 વર્ષથી જાણે અટકી ગયો છે. ઉમરેઠમાં શિક્ષણ સંસ્થાનોની અછત છે. લોકોને પોતાના બાળકોને 10મા ધોરણ પછી સારા અભ્યાસ માટે આણંદ મોકલવા પડે છે. અહીંયા સિલ્ક સાડીઓનો બિઝનેસ પહેલાની જેમ ચાલતો નથી. રોજગાર, શિક્ષણ, સહિતની સુવિધાઓનો ઉમરેઠમાં અભાવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news