વર-વધૂ, જેઠ-જેઠાણી, સાસુ-સસરાં ઘરમાં બધા જ ટીચર, ગુજરાતના આ ગામમાં બધા જ શિક્ષક છે!
પહેલાંના સમયમાં અહીં પાંચમી પાસ પણ શિક્ષક બની જતા હતાં. આ ગામમાં દિકરો કે દિકરી નાનપણમાં જ્યારે શાળાએ જાય ત્યારે જ નક્કી થઈ જાય છેકે, તેને આગળ જઈને શિક્ષક બનવાનું છે. સંતાનો મોટા થતાં જ ગોઠવાઈ જાય છે ગામમાં પિયરીયું અને ગામમાં સાસરિયું!
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અહીં કોઈએ હોશિયારી કરવી નહીં, કારણકે, અહીં બધા જ હોશિયાર છે. ગુજરાતમાં આમ તો અનેક ગામો આવેલાં છે પણ તેમ છતાંય એક ગામ એવું છે જે રાજ્યના બીજા 18000 ગામડાંઓ કરતા અલગ છે. એક એવું ગામ છે કે જ્યાં બહારથી આવીને કોઈપણ હોશિયારી કરી શકતું નથી. બહારથી આ ગામમાં આવીને કોઈપણ વ્યક્તિ ગામ લોકોને ઉલ્લુ બનાવી શકતું નથી. આ ગામમાં મોટોભાગે બધા જ લોકો હોશિયાર છે. એટલાં હોશિયાર કે આ ગામના બધા જ લોકો ઘરે ઘરે એક સ્કૂલ ચલાવી શકે છે. શું છે એની પાછળનું કારણ એ જાણવું હોય તો તમે એકવાર આ ગામની મુલાકાત લેજો તમને એનું તાજું ઉહારણ મળી રહેશે.
અમે વાત કરી રહ્યાં છીએ રાજ્યના એક એવા અનોખા ગામની જ્યાં શિક્ષકોનું સામ્રાજ્ય છે. અહીં મોટાભાગના પરિવારોમાં મોટાભાગના લોકો શિક્ષક જ છે. આ કહાની છે ગુજરાતના નવસારી જિલ્લાની. આદિવાસી બહુલ ધરાવતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની આ વાત છે. વાંસદા તાલુકામાં આવેલું ચાપલધરા ગામ ગુજરાતના 18000 ગામડાઓથી અનોખુ છે. ગુજરાતનું આ ગામ આજકાલથી નહીં પણ વર્ષોથી શિક્ષકોના ગામ તરીકે જ ઓળખાય છે.
ગામના લોકો શિક્ષક જ બનવાનું પસંદ કરે છે
અહીં નાનપણમાં જ નક્કી થઈ જાય છે બાળકોનું ભાવિ. અહીં જે પણ બાળક સ્કૂલે જાય છે તેનું એક જ લક્ષ્ય હોય છે અને એ છે શિક્ષક બનવું. વર્ષો પહેલાં જ્યારે કોઈ ભણતું નહોતું ત્યારે અહીં પાંચમી ચોપડી પાસ થયેલાં લોકો પણ શિક્ષક બનતા હતાં. સમયાંતરે પાંચમાંથી 7મું ધોરણ અને 10મી ધોરણ પાસ થનારા શિક્ષક બન્યાં. ત્યાર બાદ પીટીસી અને બીએડનો જમાનો આવ્યો એમાં પણ આ ગામે પાછી પાની કરી નહીં. આ ગામના લોકો શિક્ષક જ બનવાનું પસંદ કરે છે.
"શિક્ષક કભી સાધારણ નહી હોતા
શિક્ષક વિશે કહેવાય છેકે, "શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં ખેલતે હૈ" આ ઉક્તિ નવસારીના 6500ની વસ્તી ધરાવતા ચાપલધરા ગામમાં રહેતા લોકોએ સાચી કરી દેખાડી છે. કારણ આ ગામમાં સૌથી વધુ શિક્ષકો છે. જેમાં પણ જાતિ આધારિત નહીં પરંતુ પ્રતિભા અને કૌશલ્યના દમ પર અહીંના લોકો ત્રણ ત્રણ પેઢીથી શિક્ષકના વ્યવસાય સાથે જોડાયા છે.
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાનું ચાપલધરા ગામ શિક્ષકોના ગામ તરીકે ઓળખાય છે વર્ષો અગાઉ ધોરણ 5 ભણેલા બાળકો શિક્ષક બન્યા, ત્યારબાદ ધોરણ 7 પછી, ધોરણ 10 પછી અને ત્યારબાદ PTC અને હવે Bed પછી પણ અહીંના યુવાનો શિક્ષકની નોકરી જ સ્વિકારે છે. દાદા અને પિતા પાસેથી પ્રેરણા મેળવીને આજે પણ ચાપલધરાના યુવાનો શિક્ષક બનવાના જ સપના સેવે છે. જેને કારણે અહીંના દરેક ઘરમાંથી શિક્ષક મળે છે. ઘણા પરિવારો એવા છે કે જેમાં 10/15 કે તેથી વધુ સભ્યો શિક્ષકો જ છે. જેથી ચાપલધરા ગામનો સાક્ષરતા દર પણ સૌથી વધુ છે. એટલું જ નહી આસપાસના ગામડાઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃકતા વધી છે.
ગામમાં શિક્ષક દંપતીઓની સંખ્યામાં પણ વધુ
ચાપલધરા ગામના શિક્ષકો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ સુધી પોતાની સેવા આપી રહ્યા છે. ગામની વસ્તીમાં આદિવાસી, મુસ્લિમ અને રાજપૂતની વસ્તી નોંધપાત્ર છે. જેમાં સામાન્ય કેટેગરીમાં આવતા રાજપૂતો પણ શિક્ષકના વ્યવસાયમાં છે. જેનું કારણ મેરીટ કરતા પણ રાજ્ય સરકાર દ્વારા ટેટની પરીક્ષા પાસ કરતા ક્ષમતા અને કુશળતાને કારણે રાજપૂતો પણ શિક્ષક છે. બીજુ ગામની દીકરી ગામમાં જ એ ઉકિત પ્રમાણે શિક્ષિકા દીકરીને ગામમાં જ શિક્ષક પતિ મળી જાય છે. જેથી ગામમાં શિક્ષક દંપતીઓની સંખ્યામાં પણ વધુ છે. અહીં ઘણાં બધા ઘરો એવા પણ છે જ્યાં વર-વધુ, જેઠ-જેઠાણી અને સાસુ-સસરાં સહિત ઘર પરિવારમાં બધા જ લોકો શિક્ષક છે. પેઢીઓથી શિક્ષકના પવિત્ર વ્યવસાયને જ પસંદ કરતા ચાપલધરાના યુવાનો ભારતના નિર્માણમાં શિક્ષક જ મહત્વનો ભાગ ભજવી શકે એવું માની રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે