આઝાદી બાદ પહેલીવાર બદલાઈ ગુજરાત પોલીસની ચોપડા સિસ્ટમ

Updated By: Sep 22, 2021, 04:09 PM IST
આઝાદી બાદ પહેલીવાર બદલાઈ ગુજરાત પોલીસની ચોપડા સિસ્ટમ
  • આ રજિસ્ટર અત્યાર સુધી હાથથી જાળવવા પડતા હતા. હવેથી આ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ કરાઈ છે
  • ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશનના સંકલન માટે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ E-GUJCOP દ્વારા કાર્ય કરી રહ્યાં છે

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત પોલીસ દિવસેને દિવસે પોતાની કાર્યશૈલીમાં સુધારા લાવી રહી છે. ત્યારે ગુજરાત પોલીસે (Gujarat Police) હવે ટેક્નોલીજી પર પોતાની કમર કસી છે. ગુજરાત પોલીસના E-GUJCOP એપ્લિકેશન અને પ્રોજેક્ટ પર  વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે ગુજરાત પોલીસનો આ E-GUJCOP પ્રોજેક્ટ તમારા બહુ જ કામનો છે.  

જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી જે પદ્ધતિ ગુજરાત પોલીસ માટે બનવામાં આવી હતી, એ જ અત્યાર સુધી ચાલતી આવી છે. જેમાંની એક છે પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર્સ મેઈનટેઈન કરવાની. જેમાં કુલ 4  ભાગોમાં 37 રજિસ્ટર આવતા હોય છે. જેમાં ચાર ભાગોની વાત કરવામાં આવે તો 1 પીએસઓના રજિસ્ટર, 2 એકાઉન્ટના રજિસ્ટર, 3 બારનીશીના રજિસ્ટર, 4 એમઓબીના રજિસ્ટર હોય છે. આ ચાર મુખ્ય રજિસ્ટરથી આખા પોલીસ સ્ટેશનનું સંચાલન થતું હોય છે. ત્યારે આ રજિસ્ટર અત્યાર સુધી હાથથી જાળવવા પડતા હતા. હવેથી આ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ કરાઈ છે. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ કોઈ પણ આરોપી કે કોઈ પણ કેસની માહિતી ભલે તે વર્ષો જૂની હોય તો પણ ગણતરીની સેકન્ડમાં મળવા લાગી છે. 

આ પણ વાંચો : રાજકોટમાં ઊલટી ગંગા વહી, દેવાદારોના ત્રાસથી વ્યાજે રૂપિયા આપનાર શખ્સે કરી આત્મહત્યા 

પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનના વિસ્તારની માહિતી મેળવા માટે અત્યાર સુધી ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને પત્ર લખીને લેખિતમાં માહિતી માંગવામાં આવતી હતી. જેને દિવસોના દિવસ લાગી જતા હતા. ત્યારે હવે માહિતી માંગવાની આવતાની સાથે જ ગણતરીના સેકન્ડ્સમાં મળી મળવા લાગી છે. E-GUJCOP માં પોલીસ કામ કરવા લાગી છે. જેનાથી પોલીસ કર્મીના માનવ કલાકો ઓછા થવા લાગ્યા છે. જેનાથી પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશનના ઉપયોગી કામમાં લગાડી શકાય છે.  

ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશનના સંકલન માટે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ E-GUJCOP દ્વારા કાર્ય કરી રહ્યાં છે. ત્યારે પ્રજા માટે પણ પોલીસ વિભાગે આવી જ એક અલાયદી સગવડ ઉભી કરી છે. જેમાં લોકો માટે સિટીઝન પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને અત્યાર સુધી નાની બાબતોને લઇ ને પોલીસ સ્ટેશન સુધી ધક્કો ખાવો પડતો હતો. હવે લોકો પોતાના પોલીસ સ્ટેશનની માહિતી આંગળીના ટેરવે જ મેળવી શકશે. જેમાં મુખ્યત્વે અરજી કરવી, ઘરઘાટીની માહિતી આપવી, ભાડુઆતની માહિતી આપવી, પાસપોર્ટને લાગીતી માહિતી આપવી વગેરે સહિતની વિગતો લોકો સિટીઝન પોર્ટલ પરથી નોંધાવી શકશે.  

આ પણ વાંચો : રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આવી ગઈ, છતાં વડોદરાના સૂરસાગર તળાવને હજી પણ તાળા વાગેલા છે

ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી અટકાવી અને ગુના શોધી કાઢવા માટે ફિલ્ડમાં કામ કરતા પોલીસ કર્મીઓ માટે પણ એક અલાયદી સગવડ ઉભી કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મીઓના મોબાઈલમાં પોકેટકોપ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારોની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે. જેનાથી પોલીસ કર્મી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગાર પર નજર રાખી શકે છે. ત્યારે ગુજરાત પોલીસ પણ હવે ટેક્નોલાજી સાથે કદમથી કદમ મેળવીને ચાલતી થઇ છે તેવું અમદાવાદ શહેર પોલીસના સેક્ટર-2ના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું.