Gujart Rain: વરસાદમાં તરબોળ ગુજરાત, રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો, રાજ્યના 30 ડેમ હાઈ એલર્ટ પર

Gujarat Rain Update: નાનકડાં વિરામ બાદ શ્રાવણ પહેલાં જ ચોમાસાની વધુ એક ઈનિંગ શરૂ થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે 15થી 23 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે ઓગષ્ટ પહેલાં જ ગુજરાતમાં મોટાભાગનો વરસાદ પડી જશે.

Gujart Rain: વરસાદમાં તરબોળ ગુજરાત, રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો, રાજ્યના 30 ડેમ હાઈ એલર્ટ પર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ બરાબર જામી છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જળાશયો 50 ટકા જેટલા ભરાયા છે. હજુ 24 કલાક ભારે હોવાની આગાહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદ વચ્ચે તરબોળ થઈ ગયા છે. રવિવારે સૌરાષ્ટ્ર બાદ સોમવારે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો હતો. જ્યાં વરસાદ મન મૂકીને વરસ્યો.

સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘણા ભાગોને પાણી ઘેરી વળ્યા છે. આ દ્રશ્યો તલોદના લાવારી ગામના છે, ત્યાં તળાવ ઓવરફ્લો થયા પાણી ગામમાં ફરી વળ્યા..થોડા સમય માટે ગામ બેટમાં ફેરવાઈ ગયું. અરવલ્લીને મેઘરાજાએ ફરી ધમરોળી નાંખ્યું, આ દ્રશ્યો બાયડના છે ,જ્યાં કોઝવે પરથી ઘૂઘવાતા દરિયાની જેમ પાણી પસાર થઈ રહ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા પાંચ ગામોનો સંપર્ક કપાઈ ગયો. આ સ્થિતિમાં રસ્તો પસાર કરવો જોખમી સાબિત થઈ શકે છે.

મોડાસામાં મોડાસામાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડતાં શહેર તળાવમાં ફેરવાઈ ગયું. વરસાદ ચાલુ રહેતા પાણીનો નિકાલ ન થઈ શક્યો. બાયડના રાયણના મુવાડા ગામે પૂરના પાણીમાં 10 જેટલા પશુઓ તણાઈ ગયા હતા. જેમનું ગામના લોકોએ દોરડાં વડે રેસ્ક્યૂ કર્યું. ઉપરવાસમાંથી અચાનક આવેલા ધસમસતા પાણીથી આ સ્થિતિનું સર્જન થયું હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023

પાટણમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા. પાટણમાં છેલ્લા ચારેક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે.
ગાંધીનગરના માણસામાં સતત વરસાદથી કફોડી સ્થિતિ સર્જાઈ છે. ઈટાદરા ગામ  બેટમાં ફેરવાયું છે. ગામમાં રોડ રસ્તા કે ખેતરો જળમગ્ન  છે. પાણીને કારણે ગામમાં કરફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે ઘરની બહાર નીકળી શકાય તેમ જ નથી.

મહેસાણામાં પણ વરસાદે જમાવટ કરી છે. ઊંઝા અને વિસનગરમાં ધોધમાર વરસાદ પડ્યો. ઊંઝા શહેર તેમજ APMCમાં પાણી ફરી વળ્યા. વિસનગરમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે..તાલુકામાં સવારથી સાડા 3 ઈંચ વરસાદ પડતાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. રસ્તા અને ખેતરો પાણીને કારણે સમતળ થઈ ગયા છે. આ પાણી ક્યારે ઓસરશે, ક્યાં તેનો નિકાલ થશે, તે એક સવાલ છે.

બનાસકાંઠામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે નુકસાન પણ થયું છે. ડીસા પંથકના ઘણા ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક ધોવાયા છે. મગફળી અને બાજરી સહિતના પાક સામે સવાલ ઉભા થયા છે. પહેલા વાવાઝોડાને કારણે પાણી ભરાયા હવે ચોમાસાને કારણે ખેતરોમાં ભરાયેલા છે, એવામાં ખેડૂતો નવેસરથી વાવણી ક્યારે કરશે, તે એક સવાલ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023

અંબાજી પંથકમાં ધોધમાર વરસાદથી કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું છે. કોટેશ્વરમાં ગૌરી કુંડ નવા નીરથી છલકાતા વહેતા ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા છે. ગૌમુખ પણ ઓવરફ્લો થયું છે. પહાડો અને જંગલોની લીલોતરીએ અનોખું રૂપ ધારણ કર્યુ છે.

જૂનાગઢમાં ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઓઝત, સાબલી અને ભાદર નદીના પાણી ફરી વળતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તા પર 5 ફુટથી વધુ પાણી ભરાયેલા હોવાથી વાહનોની અવસરજવર બંધ છે. પાણીમાં ફસાયેલા લોકોને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ખેતરો પાણીમાં ડૂબેલા છે,ત્યારે ખેડૂતોના નુકસાનનો હજુ કોઈ અંદાજ નથી. ઘેડ પંથક માટે આ દ્રશ્યો ચોમાસામાં કાયમી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2023

મુશળધાર વરસાદથી ગુજરાતના જળાશયોની જળ સપાટી વધી છે. રાજ્યના 30 ડેમ હાઈ એલર્ટ પર અને 12 ડેમ એલર્ટ પર છે. 207 જળાશયો 47 ટકા જેટલા ભરાયા છે. જે 22 ડેમ ઓવરફ્લો થયા છે,તેમાં સૌરાષ્ટ્રના 15 અને કચ્છના 6 ડેમનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news