ગુજરાતના 19 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, રાજકોટ યાર્ડમાં વરસાદથી નવી જણસીની આવક પર રોક લાગી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં ભર શિયાળે માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભરશિયાળે કમોસમી વરસાદથી ચિંતા વધી છે. અચાનાક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. તો માવઠાથી ખેતરમાં તૈયાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય છે. એક તરફ ચોમાસું પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો છે. તો બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે. ત્યારે માવઠાથી ખેડૂતો મુસીબત વધી ગઈ છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સવારથી 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.
રાજકોટ યાર્ડમાં નવી જણસીની આવક પર રોક
તો બીજી તરફ, રાજકોટ કમોસમી વરસાદની આગાહીને પગલે માર્કેટ યાર્ડમાં નવી જણસીની નવી આવક પર બંધ કરવામાં આવી છે. મગફળી, સોયાબીન અને કપાસની આવક પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ખુલ્લામાં ઉતારવામાં આવતી જણસીની આવક પણ બંધ કરવામાં આવી છે. કારણ કે, યાર્ડમાં પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા ન હોવાથી વારંવાર ખેડૂતો પરેશાન થયા છે. યાર્ડની બહાર વાહનોની લાઇનો લાગી છે. કલાકોથી ખેડૂતો યાર્ડની બહાર ઉભા રહેવાની ફરજ પડી છે. કમોસમી વરસાદના કારણે ખુલ્લામાં રાખવામાં આવેલી જણસી પલળી ન જાય તે માટે યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વાતાવરણ પહેલાની માફક ન થાય ત્યાં સુધી નવી જણસીની આવક કરવા દેવામાં નહિ આવે તેવી જાહેરાત કરાઈ છે. બેડી માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક પર રોક લગાવવામાં આવી છે.
અમરેલીમાં તંત્રએ ખેડૂતને પાક બચાવવા કહ્યું
અમરેલી જિલ્લામાં માવઠાની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોનો પોતાનો પાકને સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ખેતરમાં પડેલા પાકને ઢાંકવા અથવા સલામત જગ્યાએ ફેરવવા અપીલ કરાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસી વેચવા આવે ત્યારે તાડપત્રી સાથે લાવવી અથવા આગાહીને પગલે જણસી વેચવા મોકૂફ રાખવામાં આવે તેવી જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.
તો બીજી તરફ, પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે પાલનપુર માર્કેટયાર્ડમાં ખેડુતોનો માલ પલળવાની ઘટના બની છે. માટકેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી સહિતનો માલ પલળી ગયો છે. તંત્રએ વરસાદની આગાહીની સૂચના આપવા છતાં માલ વ્યવસ્થિત જગ્યાએ ન ખસેડતાં માલ પલળી જવાની નોબત આવી છે. હવે વેપારીઓ મગફળીનો માલ સુરક્ષિત કરવામાં લાગ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે