મોરબીમાં છેડતીની ઘટના મામલે ભરત બોધરાનું મોટું નિવેદન, 'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડાશે નહીં'
ગુજરાત અને દેશભરમાં ગુંડાઓનું સફાઈ અભિયાન ચાલી રહ્યું હોવાનુ કહીને કોઈને છોડવામાં નહિ આવે તેવું નિવેદન આપ્યું હતું. જોકે આ નિવેદન આડકતરી રીતે અતિક અહેમદ તરફ ઈસારો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: આજે સૌરાષ્ટ્રના કમલમ્ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ યાત્રાધામ સ્વચ્છતા અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટના બાલાજી મંદિર ખાતે સફાઈ કરવાના હોવાની માહિતી આપી હતી.
જોકે પત્રકરોએ મોરબીમાં કલાસીસ માંથી બહાર નીકળતી યુવતીની છેડતી કેટલાક અસામાજિક તત્વો કરતા હોવાનો પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ હળવા મૂડમાં કહ્યું હતું કે, ગુજરાત અને દેશભરમાં ગુંડાઓનું સફાઈ અભિયાન ચાલી રહ્યું હોવાનુ કહીને કોઈને છોડવામાં નહિ આવે તેવું નિવેદન આપ્યું હતું. જોકે આ નિવેદન આડકતરી રીતે અતિક અહેમદ તરફ ઈસારો હતો.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા શરૂ કરવામાં આવેલા યાત્રાધામ સ્વચ્છતા અભિયાનની માહિતી આપી હતી. ગુજરાતભરમાં આવતીકાલે ભાજપ દ્વારા અલગ અલગ ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટના કરણસિંહ બાલાજી મંદિર ખાતે સફાઈ કરશે. જ્યારે સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે અમદાવાદના ભદ્રકાલી મંદિરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સફાઈ કરશે. સરકારના તમામ મંત્રીઓ અલગ અલગ તીર્થસ્થાનો ખાતે સફાઈ કરશે.
રામનાથ મંદિરમાં સફાઈ ક્યારે?
રાજકોટના સ્વયંભૂ રામનાથ દાદાનું મંદિર આજીનદીના પટ્ટમાં આવેલું છે. અહીં બ્યુટીફીકેશન અને આજી રિવરફ્રન્ટની જાહેરાત ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી રામનાથ મંદિર ખાતે આજીનદીની શુદ્ધિકરણ પણ થયું નથી. રાજકોટવાસીઓનું અસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવ મંદિર હોવા છતાં મુખ્યમંત્રીને બાલાજી હનુમાન મંદિર ખાતે સફાઈ માટે શા માટે લઈ જવાય રહ્યા છે? શું મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ ભાજપની છાપ છતી ન થઈ જાય તે માટે આવો નિર્ણય લેવાયો તે મોટો સવાલ છે. આ અંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાને પ્રશ્ન પૂછવામાં આવતા તેને કહ્યું દર મહિનાના ત્રીજા રવિવારે સફાઈ અભિયાન કરવામાં આવશે. જેમાં રામનાથ મહાદેવ મંદિરની પણ સફાઈ કરીશું.
પ્રદુષિત નદી કરનાર કારખાનેદાર સામે લેવાશે પગલાં
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પ્રદુષિત નદીઓ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, માત્ર મોજ કે ભાદર નદી જ નહીં પરંતુ ગુજરાતની કોઈ પણ નદીમાં કારખાનેદારો પ્રદુષણ ફેલાવતા કેમિકલ છોડવામાં આવતું હશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. આવનારા દિવસોમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે