ગુજરાત ભાજપનું આ કમલમ જ ગેરકાયદેસર, સરકાર કહે તો પૂરાવા આપવા તૈયાર

BJP Kamalm Office Illegal : ગુજરાત વિધાનસભામા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉછળ્યો હતો... જેમાં કોંગ્રેસે પોરબંદરની કમલમની ઓફિસ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ લગાવ્યો
 

ગુજરાત ભાજપનું આ કમલમ જ ગેરકાયદેસર, સરકાર કહે તો પૂરાવા આપવા તૈયાર

Gujarat Vidhansabha : બહુમતિને જોરે ઈમ્પેક્ટ ફી કાયદો વિધાનસભામાં પસાર થઈ ગયો છે. 1 ઓક્ટોબર 2022 પહેલાંની બિન અધિકૃત હોય અને વપરાશમાં આવેલી મિલકતોને સરકાર હવે ફી લઈને કાયદેસર કરી દેશે. આ મામલે હવે કાયદો બની ગયો છે. સરકારે પહેલાં પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. હવે સરકારે આ કાયદો બનાવી દીધો છે. સરકારે કટ ઓફ ડેટનો અસ્વીકાર કર્યો છે અને વધુ 4 મહિનાનો સમય ફાળવ્યો છે. ગુજરાતીઓમાં એ પણ રોષ છે કે, સામાન્ય કોમનમેન કરતાં આ બિલથી વધારે ફાયદો બિલ્ડર લોબીને થવાનો છે. કોંગ્રેસના ધારાસભ્યે ગઈકાલે ગૃહમાં એક પ્રશ્ન એવો ઉઠાવ્યો હતો કે, તમામની બોલતી બંધ થઈ ગઈ હતી. 

પોરબંદરનું કમલમ ગેરકાયદેસર
ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી અંગે સુધારા વિધેયક રજૂ થતા વિપક્ષે તડાપીટ બોલાવી હતી. ગૃહની સભામાં વિપક્ષના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયેદસર બાંધકામો રોકવા જરૂરી છે, પણ જો આ રીતે ચાલુ રહેશે તો ગેરકાયદેસર બાંધકામો કરનારામાં ડર ઉભો નહી થાય. લોકો ગેરકાયદે બાંધકામો કરતા જશે અને કાયદાનો લાભ લઈને બાંધકામો રેગ્યુલર કરતા જશે. અર્જુંન મોઢવાડીયાએ તો એટલા સુધી આક્ષેપ કર્યો હતો કે, પોરબંદરમાં તો ભાજપ કાર્યાલય કમલમ જ ગેરકાયદેસર રીતે બંધાયેલું છે. કોઇની મંજૂરી લેવાઇ નથી કોઈ ના પાડે તો મારી પાસે પુરાવા છે. 

વિધાનસભામા ચૂપ બેસી રહ્યાં ભાજપના નેતાઓ
આ આક્ષેપ બાદ પણ ઋષિકેશ પટેલ સહિત ગુજરાતના તમામ સિનિયર મંત્રીએ એક પણ હરફ ઉચ્ચાર્યો નહોતો. તમામ મંત્રીઓએ ચૂપકીદી સાધી લીધી હતી. ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને વચ્ચે કહ્યું હતું કે , શું કોંગ્રેસનું રાજીવગાંધી ભવનનું બાંધકામ તો ગેરકાયદેસર નથી ને. ત્યારે મોઢવાડિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે, જો મંત્રી કહે તો હું ટેબલ પર પુરાવા રજૂ કરવા તૈયાર છું. સરકાર ઈમ્પેક્ટ ફીના કાયદા મામલે વિપક્ષ પર પ્રેસર કરી રહી હતી અને તડાપીટ બોલાવી રહી હતી ત્યારે મોઢવાડિયાના આક્ષેપને પગલે આ મામલો ગરમાઈ ગયો હતો. 

સત્તાધીશોમાં સન્નાટો છવાયો 
એક તબક્કે તો મોઢવાડિયાએ પુરાવા રજૂ કરવાની ગૃહમાં વાત કરતાં સત્તાધિશોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધારાસભ્ય કાનગડે ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. ઘણા ધારાસભ્ય તો ગાંધીનગર સ્થિત કમલમનું સમજ્યા હતા પણ છેલ્લે વાત સમજાઈ હતી. આખરે ઘણાએ અંદરો અંદર કાનાફૂસી કરી હતી. મોઢવાડિયાએ તો ફકત પોતાના મત વિસ્તારમાં ઉભા થયેલા કમલમની વાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news