8 જિલ્લામાં સરકારનું મેગા ઓપરેશન : મહાઆફતમાંથી ઉગારીને 90 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા

Gujarat Weather Forecast : ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાયમી 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો... બિપરજોય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા... સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું... 8900 થી વધુ બાળકો અને 1100 થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી

8 જિલ્લામાં સરકારનું મેગા ઓપરેશન : મહાઆફતમાંથી ઉગારીને 90 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા

Gujarat Weather Forecast ગાંધીનગર : કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.  

આ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, બિપરજોય વાવાઝોડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગિર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

આજે વાવાઝોડામાં ક્યાંય પણ ફસાઓ તો આ નંબર પર સંપર્ક કરજો, તરત મદદ મળશે
 
મુખ્યમંત્રીના નેતૃત્વમાં સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાંથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે, અને 8 જિલ્લાઓમાંથી અત્યારસુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news