માવઠાંએ મુશ્કેલી વધારી, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ખેડૂતો માટે આફત બન્યો કમોસમી વરસાદ
gujarat weather: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા કમોસમી વરસાદે સમસ્યા ઉભી કરી છે. ઉનાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું ભલે હવામાન વિભાગની આગાહીને અનુસરતું ન હોય, પણ માવઠું આગાહી પ્રમાણે જ સતત આગળ વધી રહ્યું છે. એક રીતે રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું જામી ગયું છે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળા અને ચોમાસા વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. મે મહિનો બેસી ગયો છે, જો કે એપ્રિલના અંતે શરૂ થયેલું માવઠું હજુ ચાલુ જ છે. અને હજુ થોડા દિવસ આ જ સ્થિતિ રહેવાની આગાહી છે.
માવઠાને કારણે કાળઝાળ ગરમીથી થોડી રાહત જરૂર મળી છે. જો કે ઘણા વિસ્તારોમાં લોકોની મુશ્કેલી પણ વધી છે. કેમ કે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત વરસાદની બેટિંગ હજુ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વહેતા પાણી વચ્ચે ગામ અને સીમનો ભેદ ભૂંસાઈ ગયો છે. જ્યાં ત્યાં ધસમસતી નદીઓ વહી રહી છે.
જૂનાગઢમાં પણ વરસાદની હેલી નીકળી છે. વંથલી પંથકમાં પવન સાથે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વોકળામાં પાણી ફરી વળતા ટ્રેક્ટર ફસાઈ ગયું. આ પ્રકારના દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે. કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. કચ્છની ધરા ચોમાસા પહેલાં જ સંતૃપ્ત થઈ ગઈ છે. અબડાસામાં તો ગામની વચ્ચે થઈને નદી વહી રહી છે.
ઉત્તર ગુજરાતમાં પણ કંઈ ક આવી જ સ્થિતિ છે. પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદ થઈ રહ્યો છે. તોફાની વરસાદ બાદ મહેસાણા શહેરમાં ગોપીનાળા સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. માવઠાએ પ્રસંગ લઈને બેઠેલા પરિવારોની મુશ્કેલી વધારી છે. વહેતી નદીઓ વચ્ચે મંડપ પણ સલામત નથી રહી શકતા.
સતત માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. પાક કેવી રીતે બચાવવો તે ખેડૂતો માટે પડકાર બન્યો છે. વલસાડમાં માવઠાને કારણે કેરીનો પાક પહેલાથી જ 30થી 40 ટકા બચ્યો હતો, જો કે હવે આ બચેલા પાક સામે પણ જોખમ સર્જાયું છે. 45 હજાર હેક્ટરમાં ફેલાયેલી આંબાવાડીમાં વ્યાપક નુકસાનું થયું છે..કેરીમાં દેગા, ઈયળ, ફળમાખી સહિત ફૂગના રોગચાળાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે..રોગચાળાથી બચેલા પાકને રોકવા ખેડૂતો દવાનો છંટકાવ કરવા મજબૂર છે. જેના કારણે તેમનો ખર્ચ પણ વધ્યો છે.
માવઠાએ પાકની સાથે ખેડૂતોની ગણતરી પર પણ પાણી ફેરવી દીધું છે. માત્ર ખેતી પર નભતા પરિવારો માટે તો મોટી આફત સર્જાઈ છે. ઘઉંનો પાક અડધો રહી ગયો છે. નાના ખેડૂતો પાસે હવે વેચવા માટે કોઈ જથ્થો રહેશે કે કેમ તે સવાલ છે.
અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતીને પણ મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાના ખર્ચે વાવેલા અને મહામહેનતે તૈયાર થયેલા પાક પર માવઠું ફરી વળ્યું છે. પાક તૈયાર હતો, વેચવાની પણ તૈયારી હતી, જો કે પાક નિષ્ફળ ગયો છે. તરબૂચના પાકમાં 50 ટકાથી વધુ નુકસાન જતા ખેડૂતો પાયમાલ બન્યા છે..માવઠાના મારથી હવે ખેડૂતોએ કરેલ ખર્ચના રૂપિયા પણ નીકળે તેમ નથી..જેથી ખેડૂતો સરકાર પાસે સહકારની આશા રાખી રહ્યા છે..અને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે