ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી પહેલીવાર એવો ડાયરો કરશે જેમાં રૂપિયા નહિ ઉડે!
Hanuman Temple : રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ રાખવામાં આવયો છે, જેમાં કીર્તદાન ગઢવીના લોકડાયરામાં રોટલો કે રોટલી જોવા મળશે
Trending Photos
Rotaliya Hanuman Patan : આપણે અત્યાર સુધી એવા ડાયરાના કાર્યક્રમ જોયા છે, જેમાં રૂપિયા, ડોલર, સિક્કાનો વરસાદ થતો રહે છે. પરંતુ ગુજરાતમાં પહેલીવાર એવો ડાયરો યોજાશે, જેમાં રૂપિયા નહિ ઉડે. આ ડાયરામાં રોટલીઓનો વરસાદ થશે. રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ આયોજિત કરાયો છે. આ લોકડાયરો જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ગજવશે, જેમાં લોકો પાસેથે રૂપિયાના બદલે રોટલા અને રોટલી લેવામાં આવશે.
મંદિરમાં ચઢે છે રોટલીઓનો પ્રસાદ
અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસંદ ચઢે છે. પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે. પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. આ વાત જાણીને આશ્ચર્ય થશે કે, હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે. તો અમે આપને જણાવી દઈએ કે, અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી. પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગ્ન ઠારી રહ્યાં છે.
કીર્તિદાનના ડાયરામાં રોટલીઓ આવશે
16 એપ્રિલે આ મંદિરને એક વર્ષ પૂરુ થઈ રહ્યું છે, ત્યારે આ પ્રંસગે 16 એપ્રિલના રોજ રોટલીયોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રેક્ષકો પાસેથી ટિકિટ રૂપિયે રૂપિયાના બદલે રોટલા કે રોટલી લેવામા આવશે. ડાયરામાં આવનાર માટે રોટલો કે રોટલી લઈ આવવું ફરજિયાત છે. તેને ગેટ પર આપ્યા બાદ જ પ્રવેશ મળશે.
મંદિરમાં સતત વાગે છે હનુમાન ચાલીસા
મંદિરે દર્શને આવતા ભક્તો રોટલીયા હનુમાન દાદાને ચડાવવા રોટલા કે રોટલીઓ ઘરેથી અવશ્ય લેતા આવે છે. એમાં પણ ગુરૂવાર તેમજ શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે. તેમજ મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે, સાથે સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. રોટલીયા હનુમાનની વિશાળકાય પથ્થરમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરના પૂજારી પિયુષભાઈ વ્યાસ કહે છે કે, આ મંદિરમાં શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચડાવે છે. રોટલા તેમજ રોટલી ભગવાનને ચડાવે તેવા જ નીચે ગર્ભ ગૃહમાં રોટલા રોટલી જતા રહે છે. ઉપર ચઢાવેલા રોટલા નીચેના ભાગે એકઠા થાય છે તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય અબોલ જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે બાધા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા પ્રસાદ સ્વરૂપે રોટલા કે રોટલી હનુમાન દાદાને ચડાવે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે. અહીં દર્શને આવતા કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી આવતું, હાથમાં રોટલી કે રોટલાનો પ્રસાદ અવશ્ય લેતા આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે