ગુજરાતમાં કેમ થાય ગુજરાતી ભાષાની જ અવગણના? શું સરકારને જ 'ગુજરાતી'માં રસ નથી? જાણો
ગુજરાતમાં સતત વિદ્યાર્થીઓ કેમ થઈ રહ્યાં છે ગુજરાતીમાં જ નપાસ? શું શાળાઓ ધોરણ 10 સુધી ફરજિયાત ગુજરાતી શિક્ષણના નિયમનું કરે છે પાલન? શું ગુજરાત સરકાર ગુજરાતી ભાષાના વિકાસમાં કોઈ ખાસ રસ લઈ રહી છે ખરાં?
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ નર્મદનો 24 ઓગસ્ટના દિવસે જન્મ જયંતિ છે. નર્મદ એ ગુજરાતી સાહિત્યનો પાયો નાંખ્યો છે. તેઓએ ગુજરાતી સાહિત્યના તમામ પાસાંઓની ચકાસણી કરીને કવિતાઓની સાથો-સાથ ગદ્યની રચના કરીને ગદ્ય સાહિત્યની પણ શરૂઆત કરી છે. તેથી તેમણે ગુજરાતી ભાષા પ્રત્યે આપેલાં વિશેષ યોગદાનને આગળ વધારવા માટે 24 ઓગસ્ટના દિવસના વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પણ અહીં એક દિવસ ઉજવણી કરીને ગુજરાતી ભાષા અંગે ગર્વ લઈને બેસી જવું એ પુરતુ નથી. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની શું સ્થિતિ છે તે પણ જાણવાની તાતી જરૂર છે.
જોકે, ચિંતાની વાત એ છેકે, શું આજે પણ આપણે આપણી માતૃભાષા ગુજરાતી સરખી રીતે જાણીએ છીએ. શું આજે પણ આપણે યોગ્ય રીતે ગુજરાતી લખી, વાંચી કે બોલી શકીએ છીએ? શું વિદ્યાર્થીઓને શાળામાં ગુજરાતી ભાષાનું યોગ્ય જ્ઞાન અપાય છે? શું ગુજરાતીના શિક્ષકો પાસે ગુજરાતીનું પુરતું જ્ઞાન છે? શું આપણી પાસે ગુજરાતી ભાષાનું પરતું જ્ઞાન ધરાવતા સારા શિક્ષકો છે? શું ગુજરાત સરકાર ગુજરાતી ભાષાના વિકાસમાં કોઈ ખાસ રસ લઈ રહી છે ખરાં? સરકારે બનાવેલાં નિયમાનુસાર ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવવો ફરજિયાત છે, પણ શું શાળાઓ આ નિયમનું પાલન કરે છે ખરાં? ગુજરાતી ભાષાના વિકાસ માટે આવા અનેક સળગતા સવાલોના જવાબો અને તેનું નિરાકરણ મેળવવું જરૂરી બની રહે છે.
એક અહેવાલ અનુસાર ધોરણ-10માં ગુજરાતી વિષયમાં જ દર વર્ષે 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ આંકડો ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા, ગુજરાતી સમાજ અને ગુજરાત સરકાર બધા માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જ માતૃભાષામાં કાચા હશે તો આગળ જતાં તેઓ કઈ રીતે ભાષાનું જતન કરશે. એટલું જ નહીં દિનપ્રતિદિન ગુજરાતી શાળાઓ પરથી લોકોનો રસ ઓસરતો જાય છે. આંખો મીંચીને ગુજરાતી લોકોએ અંગ્રેજી સ્કૂલો તરફ દોટ મુકી છે.
અહીં એક બાજુ બાળક સારી રીતે ગુજરાતી નથી જાણતું ત્યાં બીજી બાજુ બાળક પર અંગ્રેજીનો અટેક કરવામાં આવી રહ્યો છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર અમે આ પરિસ્થિતિ પાછળ કયા પરિબળો જવાબદાર છે અને તેનું શું સમાધાન થઈ શકે તે જાણવા ભાષાના નિષ્ણાતો અને ગુજરાતી ભાષા સાથે સંકળાયેલાં વિદ્વાનો સાથે વાત કરી. જોકે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો ટેલિફોનિક સંપર્ક કરીને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગુજરાતી ભાષા પ્રત્યે કોઈ ખાસ રસ દાખવ્યાં વિના જવાબ આપવાનું ટાળી દીધું હતું.
ગુજરાતમાં ધોરણ 10 સુધી ફરજિયાત ગુજરાતી ભણાવવાનો નિયમ છેઃ
ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુંકે, માતૃભાષા શીખવી જરૂરી છે અને તેના જતન માટે અમે ગુજરાતમાં સરકારમાં એવો નિયમ લાવ્યાં હતા કે, ધોરણ-10 સુધી ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. હાલ પણ એ નિયમ લાગુ જ છે. સીબીએસસીના નિયમો અલગ છે એનો કંટ્રોલ ગુજરાત સરકાર પાસે નથી, એ કેન્દ્રના હાથમાં છે. ભાષા અંગે નરેન્દ્ર મોદી કહેતા હતા કે, કોઈ ભાષાનો પ્રભાવ ન ચાલે અને કોઈ ભાષાનો અભાવ પણ ન ચાલે. તેથી ગુજરાતી પણ જરૂરી છે અને અંગ્રેજી ભાષા આવડતી હોય તે પણ આવશ્યક છે.
'ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી નાંખ્યું છે'
જાણીતા શિક્ષણવિદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યુંકે, ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી નાંખ્યું છે. ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં આવેલી 6 હજાર કરતા વધારે સરકારી શાળાઓ ગુજરાત સરકારી બંધ કરી નાંખી. સરકારને ખોટા તયફાઓ કરવામાં માર્કેટિંગ કરવામાં રસ છે પણ શિક્ષણમાં કે ગુજરાતી ભાષાના વિકાસમાં રસ નથી. ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શાળાઓમાં ગીતાના પાઠ ભણાવવાની વાતો કરે છે પહેલાં ગુજરાતી બરાબર ભણાવે તોય સારું. સરકારે ભાષાના સારા શિક્ષકોની ભરતી કરવાની ખાસ જરૂર છે.
'ગુજરાતમાં 100 ટકા સાચી ગુજરાતી ભાષા વિદ્યાર્થી તો દૂર શિક્ષકોને પણ આવડતી નથી'
જાણીતા શિક્ષણવિદ મનીશી જાનીએ વિવિધ સવાલોનો જવાબ આપતા જણાવ્યું હતુંકે, મૂળ ગુજરાતીએ એક ભીલી ભાષા છે. એ એક આદિવાસી ભાષા છે. જ્યારે સ્ટાર્ડ્ડ ગુજરાતી ફોરોન લેંગ્વેઝ જેવું થઈ ગયું છે. ગુજરાતમાં ફિક્સ પગારના દુષણ, શિક્ષકોના શોષણ, શાળામાં શિક્ષકોની ઘટ અને યોગ્ય શિક્ષકોના અભાવને કારણે ગુજરાતી ભાષાનું ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં 100 ટકા સાચી ગુજરાતી ભાષા વિદ્યાર્થી તો દૂર શિક્ષકોને પણ આવડતી નથી. અંગ્રેજી માધ્યમની સ્કૂલો હિન્દી શિખવે છે પણ ગુજરાતીમાં જરા પણ રસ લેતી નથી. ગુજરાત સરકાર શિક્ષણ માટે યોગ્ય બજેટ ફાળવતી નથી અને ખાસ કરીને ગુજરાતી ભાષાના વિકાસ માટે કોઈ ખાસ રસ લેતી નથી. ભાષા શિક્ષણની સતત અવગણના થતી આવી છે.
'ખાનગી શાળાઓવાળા આડા ફાટે છે જેથી ગુજરાતી ભાષાને નુકસાન થાય છે'
જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યુંકે, ઈરાનથી આવીને દૂધમાં સાકરની જેમ ભળીને પારસીઓએ ગુજરાતમાં ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું. તેમણે જ રંગમંચ, ઉદ્યોગો અને પત્રકારીતાની શરૂઆત કરી. આ સાથે જ ગુજરાતમાં કવિ નર્મદે ગુજરાતી ભાષાની સેવાનો પાય નાંખ્યો. તેમણે નર્મકોષના નામે ગુજરાતી ભાષામાં પહેલો શબ્દકોષ રચ્યો. મારી હકીકતના નામથી ગુજરાતીમાં પહેલી આત્મકથા પણ લખી. અને જય જય ગરવી ગુજરાત...જેવી અનેક કવિતાઓ થકી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાનું મહત્ત્વનું કામ પણ કર્યું. ત્યાર પછી ગાંધીજીએ ગુજરાતી ભાષાને અત્યંત સરળ બનાવવા પ્રયાસ કર્યો. પણ હાલમાં ગુજરાતી ભાષાના યોગ્ય જતન માટે ગુજરાતમાં ગુજરાતીના યોગ્ય શિક્ષકોની ભરતી કરવાની સરકારે યોજના બનાવવાની જરૂર છે. ગુજરાતમાં ધોરણ 10 સુધી ફરજિયાત ગુજરાતી ભણાવવાની ખાલી વાતો થાય છે, પણ ખાનગી શાળાઓવાળા આડા ફાટે છે અને નિયમોની ઐસીતૈસી કરીને કમાણી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે