સોની વેપારીઓ સવાધાન! કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન? જાણો પૈસા પડાવવા ચાલુ થયો છે આ નવો ધંધો

અચાનક સોની સમાજ કેમ આવી ગયો છે સકંટમાં? કોણ કરી રહ્યું છે સોની વેપારીઓ સાથે છેતરપિંડી? કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન કોલ? આ અંગેનો Exclusive Report વાંચો આ આર્ટીકલમાં...

સોની વેપારીઓ સવાધાન! કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન? જાણો પૈસા પડાવવા ચાલુ થયો છે આ નવો ધંધો

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ સોના-ચાંદીનું વેચાણ કરતા વેપારીઓ માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે. કારણકે, ગઠિયાઓ હવે સોની વેપારીઓ એટલેકે, સોના-ચાંદીનું વેચાણ કરતા વેપારીઓને ટાર્ગેટ બનાવે છે. અને આ વખતે આરોપીઓએ સાવ નવી જ મોડસઓપરેન્ડી અપનાવી છે. જેને કારણે વેપારીઓ કોઈપણ જાતની ફરિયાદ પણ નથી કરતા અને ગઠિયાઓ ઘેરબેઠાં સારા એવા રૂપિયાની ઉઘરાણી કરી લે છે. વાત જાણીને નવાઈ લાગશે પણ હવે ગઠિયાઓએ બીજા કોઈ નહીં પણ ખુબ પોલીસના જ નામનો સહારો લઈ લીધો છે. સોની વેપારીઓ સવાધાન! 'PSI જાડેજા બોલું છું..' કહીને પોલીસના નામે પૈસા પડાવવા ગઠિયાઓ કરે છે ફોન કોલ. અચાનક સોની સમાજ કેમ આવી ગયો છે સકંટમાં? કોણ કરી રહ્યું છે સોની વેપારીઓ સાથે છેતરપિંડી? કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન કોલ? આ અંગેનો Exclusive Report વાંચો આ આર્ટીકલમાં...

ફલાણા પોલીસ સ્ટેશનમાંથી ફલાણો પીએસઆઈ બોલું છું...પીઆઈ બોલું છું કહીને આવા ભેજાબાજો સોની વેપારીઓ પાસેથી કોઈકને કોઈક બહાને રૂપિયા પડાવે છે. વેપારીઓ પણ પોતે કોઈ ફોલ્ટમાં તો નહીં હોય ને, જાતે જ એમ માંનીને ડરના માર્યા રૂપિયા આપી દે છે અને કોઈ જગ્યાએ ફરિયાદ પણ કરતા નથી. એના જ કારણે આવો કોઈપણ મામલો સામે આવતો નથી. જોકે, હાલમાં જ આવા જ એક સોની વેપારીની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેને કારણે સોની વેપારીઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. 

સોના ચાંદીના વેપારી અને નકલી PSI વચ્ચે થયેલી વાતચીતના વાયરલ થયેલાં ઓડિયોનો સંવાદઃ
નકલી PSI: પિયુષ પટેલ બોલે...
વેપારીઃ હાં બોલો,
નકલી PSI: PSI જાડેજા બોલું છું
નકલી PSI: તારી દુકાન ક્યાં આવી?
વેપારીઃ કોણ બોલો?
નકલી PSI: PSI જાડેજા બોલું છું
વેપારીઃ 80 ફૂટના રોડ પર
નકલી PSI: 80 ફૂટના રોડ પર કઈ જગ્યાએ? વિસ્તાર ક્યો?
વેપારીઃ રાજેશ સમોસાની બાજુમાં
નકલી PSI: અચ્છા...તારે એક વીટીંનું વેચાણ થયેલું છે પિયુષ. સોનાની વીટીં છે. 80 ફૂટના રોડ પરથી ભરવાડનો છોકરો આપી ગયો છે. ઓળખાણ ભરવાડના છોકરાની છે. અને આરોપી છે રબારી છે. આરોપી છેએ એ મર્ડર અને લૂંટનો આરોપી છે.
વેપારી: ક્યાંથી બોલો સાહેબ?
નકલી PSI: અમદાવાદથી...મારું વતન પણ ત્યાં જ છે એટલે તને પૂછ્યું. તારું ગામ ક્યું
વેપારીઃ લીંબડી
નકલી PSI: લીંબડી પ્રોપર. કંઈ જગ્યાએ રહે છે. 
વેપારીઃ અલગામડા ગેટ
નકલી PSI: તોતો તું મારી પડખેનો થાય, હું ત્યાંનો ભાણુંભા થાઉં...બરોબર. ભાઈ હવે તારે ત્યાં વીટીં આપેલી છે. હવે એ વીટીંનું શું કરશું બોલ?

આ ઓડિયો ક્લીપ ઝી 24 કલાકની ડિજિટલ ટીમ પાસે આવતા અમે તેની તપાસ કરી. તપાસ કરતા જાણવા મળ્યુંકે, આ ઘટના સાચી છે. અને આ બનાવ હાલમાં જ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતાં એક સોની વેપારીને ત્યાં બન્યો છે. અમે ભોગ બનનાર વેપારી સાથે પણ વાત કરી ત્યારે તેમણે જણાવ્યુંકે, મારા ભાઈ પિયુષ પર પોલીસના નામે આવો કોલ આવ્યો હતો. મારી સાથે પણ ત્રણ થી ચાર આવા બોગસ કોલ આવી ચૂક્યો છે.

સોની વેપારીએ કહ્યું મને ઘણીવાર પોલીસના નામે આવા કોલ કરીને ધમકી આપવામાં આવી છેઃ
સમગ્ર ઘટનાનો ભોગ બનનાર સુરેન્દ્રનગરમાં રહેતા સોના-ચાંદીના વ્યાપારી ચેતનભાઈ પટેલે પટેલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આ વખતે મારા ભાઈ પિયુષ પર આ રીતે પોલીસના નામે કોલ આવેલો. અને પીએસઆઈ જાડેજા બોલું છું એમ કરીને પૈસાની માંગણી કરી હતી. આ પહેલાં પણ મારી પર ઘણીવાર પોલીસના નામે આવા કોલ આવી ચૂક્યાં છે. જોકે, મેં તેને ગંભીરતાથી લીધી નથી. પૈસા પડાવવા માટે હવે લોકો આવા ફ્રોડ કોલ કરે છે. તમારી દુકાને ઘરાક વીટીં, બુટ્ટી કે બંગડી મુકીને ગયું છે, વેચીને ગયું છે આ વસ્તુ ચોરીની છે અને જેણે તમારી પાસે વેચ્યું છે એ પણ આરોપી છે. હવે તમે પણ ચોરીના કેસમાં ફસાઈ જશો એના કરતા આપણે કંઈક સેટલમેન્ટ કરી લઈએ. આવા કોલ ખુબ આવતા હોય છે.

વધુમાં ભોગ બનનાર સોના-ચાંદીના વેપારી ચેતનભાઈએ જણાવ્યું હતુંકે, થોડા દિવસ પહેલાં જ મને ગાંધીનગર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી બોલું છું એમ કહીને કોલ આવ્યો હતો. ખબર નઈ કઈ રીતે પણ એ લોકો આપણું લોકેશન ટ્રેસ કરતા હોય છે અને આપણા વિશે પહેલાંથી જ અમુક માહિતી નામ-ઠામ મેળવીને ખુબ જ કોન્ફીડન્સ સાથે વાત કરતા હોય છે. જેને કારણે કોઈપણ વેપારી કોલ આવતા જ ડરી જાય છે. ચોરીની વસ્તુ તમારા ત્યાં આવી છે હવે તમે એક કામ કરો વસ્તુ જેની છે એણે ફરિયાદ કરી છે તો તમે આંગડિયાથી પૈસા મોકલી દો અથવા આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો. તો આ કેસમાં સમાધાન થઈ જશે નહીં તો તમે હેરાન થશો પોલીસ બનીને જે કોલ આવે એમાં આવી સલાહ વેપારીઓને આપીને ડરાવવામાં આવે છે. મને પોતાને ત્રીજી-ચોથી વાર આવો કોલ આવ્યો છે. મેં અમારા પ્રમુખને વાત કરી હતી. બાકી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.

નિમેષ સોની, ગુજરાત પ્રદેશ પ્રમુખ, સ્વર્ણકાર વિચાર મંચ અને રાષ્ટ્રીય શ્રીમાળી સોની સમાજના પ્રમુખ સાથે આ મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યુંકે, હાલ સુરેન્દ્રનગરમાં જ આવો બનાવ બન્યો છે. અને અવારનવાર આવા બનાવો બનતા રહે છે. વેપારીઓએ જાગૃત થવાની જરૂર છે. જ્યારે પણ આવો બનાવ બને તો તુરંત જ પોલીસ અને સોની મહાજન મંડળમાં કે સોની એસોશિયએસનમાં આ અંગે જાણ કરવી જોઈએ. ઘણીવાર એવા પણ કિસ્સા બને છેકે, નકલી નહીં પણ અસલી પોલીસ પણ આમાં સંડોવાયેલી હોય છે અને નાના વેપારીઓ અને ધંધામાં એક બીજાના સ્પર્ધકો પણ જાણભેદુ બનીને સોની વેપારીઓની હિલચાલ અંગે પોલીસને જાણ કરીને ખોટા તોડ કરાવતા હોય છે. સોની વેપારી જાંગળ બિલ લઈને નીકળતા હોય છે, જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી પાક્કું બિલ બની શકતું નથી. એવામાં પોલીસને પાક્કુ બિલ ન મળી તો તેઓ વેપારીને ઝડપી પાડે છે. આ જફામાંથી છૂટકારો જોઈ તો હોય તો સોની વેપારીઓ પાસેથી પોલીસ તોડ કરતી હોય છે. અને ડરના મારે વેપારીઓ નકલી પોલીસ હોય કે અસલી પૈસા ખવડાવીને છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. અને આજ વસ્તુનો લાભ લઈને હવે ગઠિયાઓ પણ પોલીસના સ્વાંગમાં વેપારીઓને ધમકી આપીને પૈસા પડાવતા થયા છે.

સમગ્ર મામલે અમદાવાદના માણેકચોકમાં આવેલાં સૌથી જુના એવા શ્રી ચોક્સી મહાજનના સેક્રેટરી પથિકભાઈ શાહે જણાવ્યું હતુંકે, સૌરાષ્ટ્ર બાજુ આવા બનાવો વધારે બને છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો અમદાવાદમાં પણ આવી ઘટનાઓ ઘટી શકે છે. ઘણીવાર બે વેપારીઓ વચ્ચેની આંતરિક દુશ્મનીને કારણે પણ બીજો માણસ એનો લાભ લઈ જાય છે. કોઈ વેપારી માલ લઈને જતો હોય તો તેનો ઓળખીતો માણસ જ તેનો પોલીસ પાસે તોડ કરાવે છે. વેપારી જોડે કોઈકને કોઈક કાગળ કે ડોક્યુમેન્ટ ખુટતા હોય અથવા કોઈને કોઈ બહાનું કાઢીને સોના-ચાંદીના વેપારીઓને ડરાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આમાં ઘણીવાર પોલીસ સાથે પણ સેટિંગ હોય છે. અને આવી જ રીતે પોલીસ ન હોય અને બીજા ગઠિયાઓ હોય એવા લોકો પણ મોકાનો લાભ લઈને બોગસ કોલ કરીને પોલીસ પાસે પૈસા પડાવતા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news