બનાસકાંઠાની ઐતિહાસિક ધરોહરમાં ઠલવાય છે ગટરનું પાણી, પાલિકા તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

એક બાજુ સરકાર દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જળસંચય યોજના અંતર્ગત શહેર અને ગામડાઓના તળાવો ઊંડા કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે

બનાસકાંઠાની ઐતિહાસિક ધરોહરમાં ઠલવાય છે ગટરનું પાણી, પાલિકા તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

બનાસકાંઠા : એક બાજુ સરકાર દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જળસંચય યોજના અંતર્ગત શહેર અને ગામડાઓના તળાવો ઊંડા કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે. તો બીજી બાજુ પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવની વર્ષોથી કોઈ જ દરકાર ન લેવાતી હોવાથી આ પ્રસિદ્ધ તળાવ માંદગીનું તળાવ બની ગયું છે.

સરકાર દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઈને વરસાદીપાણીનો સંગ્રહ થાય અને પાણીની તંગી ન સર્જાય તે માટે ઉનાળા પૂર્વે જે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરીને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના લોકો માટે પાણીની સમસ્યા હલ કરવાની વાત તો દૂર રહી પરંતુ શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવની ખુબજ ખરાબ દુર્દશા કરવામાં આવી રહી છે. માનસરોવર તળાવની સાફ સફાઈ તો દૂર રહી પરંતુ નગરપાલિકા દ્વારા આખા શહેરના ગટરોનું ગંદુ પાણી તળાવમાં ઠલવાઇ રહ્યું છે. જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. જોકે તળાવની ગંદકીના કારણે આવતી દુર્ગંધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નવાબી શહેર પાલનપુરનું ઐતિહાસિક માનસરોવર તળાવએ શહેરની શાન હતી. જેનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇ.સ 1628માં બંધાવ્યું હતું અને તેમની રાણી માનબાઈ જાડેજાને સમર્પિત કર્યું હતું. જે તળાવ પાલનપુરની શાનમાં ચાર ચાંદ લગાવતું હતું. અને  શહેરના લોકો ત્યાંથી પાણી પીતા હતા, પરંતુ હાલ પાલિકાની જ બેદરકારીના કારણે શહેરની ભૂગર્ભ ગટરનું પાણી તળાવમાં ઠાલવતા ગંદુ તળાવ બની ગયું છે. લોકોને આ તળાવ પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે લોકો તળાવની બદતર હાલત માટે પાલિકા સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

પાલિકા દ્વારા માનસરોવર તળાવની દુર્દશા ખરાબ કરી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સ્વચ્છતાની મસમોટી વાતો કરતા પાલિકાના સત્તાધીશોએ તળાવની દુર્દશા બાબતે મોન સેવી લીધું છે. પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની જાળવણી તો દૂર રહી પરંતુ પાલિકા દ્વારા તળાવને ગંદકીનું તળાવ બનાવી દીધું છે, ત્યારે તળાવમાં ગટરનું પાણી ઠલવાતા રોગચાળો ફેલાવાની સંભાવના પ્રબળ થઈ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગી ઐતિહાસિક તળાવની જાળવણી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news