બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ, સાળંગપુરમાં 70 ફૂટ ઊંચે ઉડ્યા રંગો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજે સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે સવારથી નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાનાં રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. ધુળેટી એટલે રંગોનો તહેવાર. આ વખતે કોરોનાના કોઈ નિયંત્રણ ન હોવાથી પાર્ટીપ્લોટ અને કલબોમાં મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી નાના બાળકો મોટા એકબીજા પર રંગ ઉડાડીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. બે વર્ષ કોરા રહ્યાં, એટલે આજે મોકો મળ્યો તો લોકો મન મૂકીને ધૂળેટી રમવા ઘરની બહાર નીકળી પડ્યા છે.
સાળંગપુરમાં કલરનો બ્લાસ્ટ, આકાશમાં 70 ફૂટ ઊંચે રંગો ઉડ્યા
સાળંગપુર હનુમાનજી મંદિરમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની દાદાના દરબારમાં અતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવતાં બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો છે. બોટાદમાં ધુળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. 2 હજારથી વધુ રંગના ઉપયોગથી ઉજવણી શાનદાર બની છે. મંદિરના પટાંગણમાં 70 ફૂટ ઊંચે અનેક પ્રકારના રંગોના બ્લાસ્ટ કરી ઉજવણી કરાઈ છે. પ્રસાદરૂપે 25 હજાર ચોકલેટનો વરસાદ કરાયો છે. રંગોત્સવ માણવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. તો બીજી તરફ, ધૂળેટીના તહેવાર પર હનુમાનજીને વિશેષ શણગાર કરાયો છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ આ વર્ષે ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન માટે સાળંગપુર ઉમટ્યા છે.
અમદાવાદમાં ફુલડોલોત્સવની ઉજવણી
અમદાવાદના કુમકુમ સ્વામીનારાયણ મંદિરમાં ફૂલડોલોત્સવની ઉજવણી કરાઈ. ભગવાન પર કેસુડાના પાણી અને અબીલ ગુલાલનો છંટકાવ કરી ભક્તિમય રીતે ધુળેટી મનાવાઈ છે. બે વર્ષ બાદ ભગવાન સમક્ષ ઉજવણી કરવા મળતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાનના સાનિધ્યમાં ધુળેટી માણવા લોકો ઉમટી પડ્યા છે. ભગવાનને પુષ્પના હિંડોળામાં ઝુલાવવાનું પણ આયોજન કરાયુ છે.
ડાકોરની ગોમતીમાં સ્નાન કરવાનુ મહત્વ
યાત્રાધામ દ્વારકામાં ધુળેટીના પર્વની ઉજવણી કરાઈ. વહેલી સવારે ભક્તોએ ગોમતી ઘાટમાં સ્નાન કરવાનો લ્હાવો લીધો. બપોરે 1:30થી 3:30 વાગ્યા સુધી ડાકોર મંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાશે. ફુલડોલ ઉત્સવના દર્શન કરવા હજારો ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા છે. ધુળેટી પર ગોમતી ઘાટમાં સ્નાનનું અનેરુ મહત્વ હોય છે.
મંદિરમાં કૃષ્ણ દર્શનથી ધન્યતા મળી
આજે ધુળેટીનું પાવન પર્વ છે. ત્યારે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. ત્યારે ઝી 24 કલાક પર વહેલી સવારથી ડાકોરથી રણછોડરાયજીના તો શામળાજીથી શામળિયા લાલના દર્શન કરવા મળી રહ્યાં છે. આજના દિવસે લોકો કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજના દિવસે મંદિરોમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં બિરાજમાન જગન્નાથ મંદિર, દ્વારકાથી દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લઈને લોકો ધન્યતા અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન કરવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. આજના દિવસે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ખેડા જિલ્લા પોલીસે ડાકોરના ઠાકોરને ધજા ચઢાવી. સવારે 4.05 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તો ઉમટી પડ્યા હતા. મંગળા આરતી સમયે મંદિરમાં રંગોની છોળો ઉડાડવામાં આવી હતી.
તો અમદાવાદની ગૌતીર્થ વિદ્યાપીઠમાં ધુળેટીની ઉજવણી કરાઈ. ભારતીય પરંપરા મુજબ ગૌતીર્થમાં રંગોત્સવની ઉજવણી કરાઈ. જેમાં ગાયના છાણથી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી થઈ. કેસૂડાંનું પાણી, બીટ, મેથી, પાલકથી વિદ્યાર્થીઓએ ઈકો ફ્રેન્ડલી રંગો તૈયાર કર્યા હતા. ધુળેટીની ઉજવણી માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે