ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા પહોંચવા કેટલો સમય લાગે છે? ક્યાં સૌથી વધુ મુસીબત આવે છે? આ રહી બધી માહિતી

Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે. ડીલ ફાઈનલ થયા બાદ એજન્ટો ક્લાયન્ટના ફેક દસ્તાવેજો તૈયાર કરે છે, અને ફાઈલ બની જાય ત્યાર બાદ આ લોકોને સૌ પહેલા દુબઈ મોકલવામાં આવે છે જોકે, તેમના આ જોખમી પ્રવાસની ખરી શરુઆત દુબઈથી થાય છે

ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા પહોંચવા કેટલો સમય લાગે છે? ક્યાં સૌથી વધુ મુસીબત આવે છે? આ રહી બધી માહિતી

Illegal immigration In America : ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકાના મોહમાં હવે ગુજરાતીઓ મોતના રસ્તે જઈ રહ્યાં છે. ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવ્યો છે. મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યારે તમને કહી દઈએ કે, અમેરિકામાં ઘૂસણખોરીનો આખો ખેલ જીવલેણ છે. એજન્ટો લાખો રૂપિયા લઈને ગુજરાતીઓની જિંદગી સાથે રમત રમે છે. એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે. ડીલ ફાઈનલ થયા બાદ એજન્ટો ક્લાયન્ટના ફેક દસ્તાવેજો તૈયાર કરે છે, અને ફાઈલ બની જાય ત્યારબાદ આ લોકોને સૌ પહેલા દુબઈ મોકલવામાં આવે છે અને ત્યારથી જ તેમની અમેરિકાની સફર શરુ થઈ જાય છે. ત્યારે કેવી રીતે ગુજરાતીઓ પહોંચે છે અમેરિકા?, કેમ ગુજરાતીઓમાં છે અમેરિકાનો આટલો બધો ક્રેઝ?, જુઓ આ અહેવાલમાં.

સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જોખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે. એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. 

એજન્ટો સૌ પહેલા દુબઈ મોકલે છે
ગેરકાયદે રસ્તે અમેરિકા જનારા મોટાભાગના ગુજરાતીઓ વાયા દુબઈ અને ત્યાંથી તુર્કી પહોંચીને મેક્સિકો જતાં હોય છે. મેક્સિકો પહોંચીને તેઓ બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં દાખલ થાય છે. જોકે, તેમના આ જોખમી પ્રવાસની ખરી શરુઆત દુબઈથી થાય છે. મોટાભાગના કેસમાં એજન્ટો ક્લાયન્ટને નકલી પાસપોર્ટ આપી તેના પર દુબઈના વિઝિટર વિઝાની ગોઠવણ કરાવીને મોકલતા હોય છે. દુબઈ પહોંચ્યા બાદ આ લોકોને એજન્ટનું સિગ્નલ ના મળે ત્યાં સુધી રાહ જોવાની હોય છે. ઘણી વાર આ વેઈટિંગ એકાદ મહિનાથી પણ લાંબુ હોઈ શકે છે. દુબઈમાં એજન્ટો દ્વારા જ ક્લાયન્ટને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જોકે, તેમને કોઈ સારી હોટેલ્સમાં નહીં, પરંતુ એજન્ટોએ ભાડે રાખેલા સામાન્ય ફ્લેટ્સમાં રોકાવું પડે છે. લોકો જેટલા પણ દિવસ આ ફ્લેટોમાં રોકાય છે તેટલા દિવસ તેમને ત્યાંથી બહાર નીકળવાની કે પછી લોકલ વ્યક્તિઓ સાથે કોઈપણ જાતની વાતચીત ના કરવાની એજન્ટોએ કડક સૂચના આપેલી હોય છે.

વિદેશમાં લાંબો સમય એકલા રહેવું સૌથી મોટી ચેલેન્જ
દુબઈ પહોંચેલા લોકોને જે ફ્લેટ્સમાં રાખવામાં આવે છે ત્યાં તેમના જમવાની વ્યવસ્થા પણ મોટાભાગે એજન્ટના માણસો કરી આપતા હોય છે. દુબઈથી તુર્કી જવાનો મેળ ના પડે ત્યાં સુધી આ લોકોને ફ્લેટમાં કેદ થઈને રહેવું પડે છે. આ સ્થિતિ કોઈને પણ અકળાવી મૂકે તેવી હોય છે. ખાસ કરીને બાળકો સાથે જનારા લોકો તો આ દરમિયાન ખૂબ જ કંટાળી જાય છે. વળી, તેમની પાસે ટાઈમપાસ કરવા માટે પણ કંઈ નથી હોતું જેના કારણે સમય કાઢવો મુશ્કેલ બની જતો હોય છે. દુબઈથી તુર્કી જવાનો સમય ક્યારે આવશે તે કંઈ નક્કી નથી હોતું. તુર્કીમાં બધી ગોઠવણ થઈ ગયા બાદ જ એજન્ટના માણસ આગળના પ્રવાસનું સિગ્નલ આપે છે, અને ત્યારબાદ દુબઈથી ગુજરાતીઓ ફ્લાઈટ પકડીને તુર્કી પહોંચે છે.

તુર્કી આવ્યા બાદ પણ મુશ્કેલી ઓછી નથી થતી
એવું કહેવાય છે કે જે વ્યક્તિ સહી-સલામત તુર્કી પહોંચી ગયો તેણે અમેરિકા જવાનો અડધો રસ્તો કવર કરી લીધો. તુર્કીના કેપિટલ ઈસ્તાંબુલમાં દુબઈથી આવેલા લોકો લેન્ડ થતા હોય છે. એજન્ટની સૂચના અનુસાર ઈસ્તાંબુલ એરપોર્ટ પર આવતા જ આ લોકો પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ ફાડીને ફેંકી દેતા હોય છે. એરપોર્ટ પર જ તેમને એજન્ટનો માણસ લેવા માટે પહોંચી જાય છે. જ્યાંથી તેમને એજન્ટે રાખેલા ફ્લેટ પર લઈ જવામાં આવે છે. દુબઈની માફક જ તુર્કીમાં પણ ઘણું સંભાળીને રહેવું પડે છે. અહીં પણ આ લોકો સ્થાનિકો સાથે વાત નથી કરી શકતા, તેમજ ફ્લેટની બહાર પણ નથી જઈ શકતા. ઘણી વાર દુબઈમાં જેટલા દિવસો કાઢવા પડે છે તેના કરતા વધારે સ્ટે તુર્કીમાં કરવો પડે છે. કારણકે, મેક્સિકો જવાની લાઈન ક્લીયર થાય ત્યારપછી જ તુર્કીની બહાર નીકળી શકાય છે.

તુર્કીમાં કેટલા દિવસ કાઢવા પડે છે?
અમેરિકા જતાં ગુજરાતીઓ માટે તુર્કી એક મહત્વનો પોઈન્ટ છે. અહીંથી તેમને એજન્ટના માણસો નવા ફેક પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ્સ આપે છે. જોકે, તેમાં ઘણીવાર ત્રણથી છ મહિના જેટલો સમય પણ નીકળી જાય છે. ત્યાં સુધી અહીં રોકાયેલા લોકોને મકાનમાં બંધ રહેવું પડે છે. મેક્સિકોથી એજન્ટના માણસનું સિગ્નલ મળી ગયા બાદ તુર્કીથી ગુજરાતીઓને મોટાભાગે બાય એર કે પછી શીપમાં બેસાડીને મેક્સિકો મોકલાય છે. સૂત્રોનું માનીએ તો, તુર્કીમાં સમય કાઢવો સૌથી અઘરો હોય છે. અમેરિકા પહોંચવાની સફરમાં મોટાભાગના લોકોને તુર્કીમાં જ સૌથી વધુ રોકાવાનું આવતું હોય છે. ખાસ કરીને જે લોકો મેક્સિકો રુટ પરથી જાય છે તે લોકોને તુર્કીમાં હોલ્ટ કરવો જ પડે છે.

તુર્કીથી નીકળ્યા બાદ શું?
આગળની લાઈન ક્લીયર ના થાય ત્યાં સુધી ત્રણથી છ મહિના સુધી જેટલો સમય તુર્કીમાં કાઢવો પડતો હોય છે. જોકે, મેક્સિકોથી સિગ્નલ મળતા જ લોકો ત્યાં જવા નીકળી જતાં હોય છે. જો ફ્લાઈટમાં જવાનું હોય તો મોટાભાગે તુર્કીથી સીધી મેક્સિકોની જ ફ્લાઈટમાં એજન્ટો ક્લાયન્ટને રવાના કરતા હોય છે, પરંતુ અમુક સંજોગોમાં જો શીપમાં જવાનું આવે તો ત્યાં પહોંચવામાં એકાદ મહીનો નીકળી જાય છે. મેક્સિકો પહોંચીને પણ દુબઈ અને તુર્કીની માફક જ અમુક દિવસો સુધી એક પ્રકારે અજ્ઞાતવાસમાં રહેવું પડે છે. અહીંથી જ્યારે એજન્ટના માણસો બોર્ડર ક્રોસ કરાવે ત્યારે ગુજરાતથી નીકળેલો વ્યક્તિ કે તેનું ફેમિલી ટ્રમ્પ વૉલ કૂદીને, કાંટાળી વાડની નીચેથી પસાર થઈને કે પછી સાવ નિર્જન વિસ્તારમાં કેટલાય કિલોમીટર ચાલીને અમેરિકામાં દાખલ થાય છે. જો નસીબ સારા હોય તો પોલીસનો ભેટો નથી થતો, પરંતુ જો એવું થઈ જાય તો અમેરિકામાં પણ અમુક દિવસો ડિટેન્શન સેન્ટરમાં કાઢવાનો વારો આવે છે. ત્યારબાદ અમેરિકાની કોર્ટમાં આવા લોકો શરણાગતિ માટેનો કેસ દાખલ કરતા હોય છે, અને આ દરમિયાન નાની-મોટી નોકરી શોધી લઈ કામ શરુ કરી દેતા હોય છે. આ વાત તો માત્ર મેક્સિકો રુટની હતી, જો સાઉથ અમેરિકા થઈને કોઈ અમેરિકા જાય તો તેની સફર આનાથી પણ વધુ ખતરનાક બની રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news