લોહી-પરસેવો રેડીને 4 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ, એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા

Gujarat BJP : હાલમાં ભાજપનું  કમલમ કાર્યાલય ભલે ભવ્ય હોય પણ ત્યાં સુધી ભાજપને લઈ જવામાં આ નેતાઓનું મોટું યોગદાન રહ્યું છે. આવો એવા જ જનસંઘના કેટલાક નેતાઓના રાજકીય કિસ્સા પણ જાણીએ...
 

લોહી-પરસેવો રેડીને 4 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ, એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા

Jansangh History ચિંતન ભોગાયતા/અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય કમલમ્ ભવ્યાતિભવ્ય છે. પણ હંમેશાથી આવું નહોતું. એક સમયે ગરીબાઈ હતી. જ્યારે ભારતીય જનતા પક્ષ નહોતો બન્યો અને નામ હતું જનસંઘ. આ એ સમયની વાત છે જ્યારે ભારતીય જનતા પાર્ટી બનાવવાનો નિર્ણય લેવાયો. વર્ષ હતું 1980નું. ભાજપ બન્યું તે પહેલા જનસંઘ હતો. જનસંઘના નેતાઓ એટલા તવંગર નહોતા. જમીન સાથે જોડાયેલા અને પોતાનું ગુજરાન પણ માંડ ચાલે તેવા હતા. એ સમયના જનસંઘના 4 પાયાના કાર્યકર કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા અને નરેન્દ્ર મોદી હતા. ભાજપની સ્થાપના બાદ તેનું પ્રદેશ કાર્યાલય પણ હોવું જોઈએ તેવું નક્કી થયું ત્યારે પોતાનું મકાન ખરીદી શકવા ભાજપ સક્ષમ નહોતું. એટલે નક્કી થયું કે કાર્યાલય માટે મકાન ભાડે રાખવું. ભાડાની જગ્યા શોધવાનું શરૂ કર્યું. ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા એલિસબ્રિજ શોપિંગ સેન્ટરમાં એક ખાલી દુકાન ઉપર નજર પડી. અને મહિનાના 1500 રૂપિયાના ભાડા પેટે ભાજપનું પ્રદેશ કાર્યાલય એ દુકાનમાં શરૂ થયું.

માંડ દસ બાય વીસની એ દુકાન હશે જેને ભાજપને કાર્યાલય બનાવ્યું હતું. અહીં કેશુભાઈ અને શંકરસિંહ સાથે જ બેસતા પણ દર મહિને 1500 રૂપિયા આપવા પણ મોંઘા લાગવા લાગ્યા. દર મહિને 1500 લાવવા ક્યાંથી એ પ્રશ્ન થયો. જેમ તેમ કરીને 6 મહિના તો કાઢી નાખ્યાં પણ પછી થયું કે આમ દર મહિને ભાડાની ચિંતા કરવા કરતા ઓછા ભાડાની જગ્યા શોધીએ એટલે બાપુ અને કેશુભાઈએ નક્કી કર્યું કે 1500 રૂપિયા ખર્ચવા કરતા પોળમાં ક્યાંક સસ્તામાં ભાડે જગ્યા મળે તો તે લઈએ. એટલે ખાડિયામાં એક ભાડાના ઘરમાં પ્રદેશ કાર્યાલય લઈ જવામાં આવ્યું. જ્યાં ભાજપનું પ્રદેશ કાર્યાલય હતું હવે તો ત્યાં કોઈ દુકાન બની ગઈ છે. 

હાલમાં ભાજપનું  કમલમ કાર્યાલય ભલે ભવ્ય હોય પણ ત્યાં સુધી ભાજપને લઈ જવામાં આ નેતાઓનું મોટું યોગદાન રહ્યું છે. આવો એવા જ જનસંઘના કેટલાક નેતાઓના રાજકીય કિસ્સા પણ જાણીએ...    

સૌથી પહેલા કેશુભાઈના સંઘર્ષની વાત કરીએ. કેશુભાઈ પટેલની ઘરની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. શિક્ષણ પ્રત્યે ખાસ લગાવ પણ ન્હોતો જેના કારણે પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ખેતીમાં પણ ધ્યાન આપવા લાગ્યા. પણ પોતાના ખેતરમાં ખાતર લગાવવાના પણ પૈસા ન્હોતા. તેના કારણે રાતના અંધારામાં ગટરમાં ઉતરીને તેનો કાપ કાઢી પોતાના ખેતરમાં પાથરતા..

ત્યારબાદ મચ્છુ ડેમ તૈયાર થઈ રહ્યો હતો ત્યાં જઈ મજૂરો માટે અનાજ દળવાની ઘંટી પણ શરૂ કરી હતી. મચ્છુ ડેમની સાઈટ પર કામ કરતા એક મજૂરનું મૃત્યુ થતા કોન્ટ્રાક્ટરે હાથ ઉંચા કરી લીધા હતા. મૃત મજૂર પરિવારની સ્થિતિ જોઈ દ્રવી ઉઠેલા કેશુભાઈ સાઈટ પર કામ કરતા મજૂરોને ટ્રકમાં ભરી કોન્ટ્રાક્ટરને ત્યાં અમરેલી પહોંચ્યા અને વળતર ચૂકવવાની ફરજ પાડી. 

આવી જ એક ઘટના રાજકોટમાં ઘટી. કેશુભાઈ સાયકલ ઉપર સંઘની શાખામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે લીલીયા દાદા નામનો એક દાદો એક વ્યક્તિને ખુબ મારી રહ્યો હતો. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમણે પોતાની સંઘની લાઠી વડી દાદાને બરાબરનો ફટકાર્યો અને તે દાદો ઉભી પૂંછડીએ ભાગ્યો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને ખભે બેસાડી રાજકોટમાં સરઘસ કાઢ્યું અને ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈ કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સીલરની ચૂંટણીમાં ઉભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આમ કેશુભાઈ પટેલ જાહેર જીવનમાં આવ્યા હતા.

સાવ સામાન્ય પરિવારના કેશુભાઈ પટેલ સામે શંકરસિંહની સ્થિતિ થોડી સારી હતી. તેમની પાસે એક મોટર સાયકલ હતી, જનસંઘ પાસે તો પૈસા ન્હોતા પણ બાપુ પોતાના પૈસે મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવી ગામે ગામ ફરી લોકોને મળતા. જનસંઘમાં એ વખતે પૈસા ન્હોતા પણ એકબીજાની દરકાર લેવાની ભાવના ખુબ હતી.

કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી આમ તો RSSની ત્રિપુટી. પણ શંકરસિંહ અને નરેન્દ્ર મોદી વર્ષ 1967 ની આસપાસ જનસંઘમાં આવ્યા અને ત્યાર પછીથી જનસંઘ માટે પ્રચાર પ્રસારમાં કાર્યરત થતા જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં વેગ મળ્યો.

જનસંઘના પાયા તરીકે આવું જ એક નામ છે કાશીરામ રાણા. ગુજરાતમાં ભાજપનો પગદંડો જમાવવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ગુજરાતમાં કાશીરામને ભાજપનો ચહેરો માનવામાં આવતા હતા. 50 વર્ષના જાહેરજીવનમાં ર્કોપોરેટરથી માંડીને મેયર અને દેશની કેબિનેટમાં ટેક્સટાઈલ-ગ્રામીણ વિકાસ મંત્રી તરીકેની જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવી. 

આ જ પ્રકારે અશોક ભટ્ટ પણ એકદમ સામાન્ય સ્થિતિમાંથી આવતા હતા. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેઓ સરકસમાં કોમેન્ટ્રી આપવાનું કામ કરતા. અમદાવાદની સાબરમતી નદીમાં માત્ર ચોમાસામાં જ પાણી રહેતું બાકીના આઠ મહિના નદી કોરી રહેતી. ત્યારે સરકસ નદીના પટમાં આવતા હતા. જો કે સરકસનો સ્ટાફ બિનગુજરાતી હોવાના કારણે તેમાં કોમેન્ટ્રી આપવા માટે અશોક ભટ્ટ જતા હતા. ત્યારબાદ જાણીતી અરવિંદ મીલમાં તેઓ મિલ કામદાર તરીકે જોડાયા હતા.

આવા તો કેટલાય એવા પાયાના કાર્યકરો જેમણે લોહી-પરસેવો એક કરીને પહેલા જનસંઘ અને બાદમાં ભાજપનો પાયો નાંખ્યો...અને આજે ભાજપ દુનિયાનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news