close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ભૂજ : અજય દેવગણની ‘દ્રશ્યમ’ ફિલ્મને પણ ટક્કર મારે તેવા માઈક્રો પ્લાનિંગથી પતિએ કરી પત્નીની હત્યા

 ‘પાપ હમેંશા છાપરે ચડીને પોકારે છે’ એ ઉક્તિ ભૂજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિનાથી  ગુમ ભૂજની મુસ્લિમ મહિલાની હત્યાનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ ઘટના કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી છે.

Updated: Mar 20, 2019, 03:01 PM IST
ભૂજ : અજય દેવગણની ‘દ્રશ્યમ’ ફિલ્મને પણ ટક્કર મારે તેવા માઈક્રો પ્લાનિંગથી પતિએ કરી પત્નીની હત્યા

રાજેન્દ્ર ઠાકર/ભૂજ : ‘પાપ હમેંશા છાપરે ચડીને પોકારે છે’ એ ઉક્તિ ભૂજની એક મહિલાના હત્યા કેસમાં સાચી પડી છે. નવ મહિનાથી  ગુમ ભૂજની મુસ્લિમ મહિલાની હત્યાનું રહસ્ય પોલીસે ઉકેલ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ હત્યા કેસ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ ઘટના કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી છે.

ભૂજના ઈસ્માઇલ હુસૈન માજોઠીની પત્ની રૂકસાના ગત મે મહિનામાં ગુમ થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર પછી ઇસ્માઇલે ડીએસપી, કલેકટરને આવેદનપત્ર આપી પોતાની ગુમ પત્ની રૂકસાનાને શોધવા દબાણ બનાવ્યું હતું. એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની ગુમ થયેલ પત્ની રૂકસાનાને શોધવાને બદલે પશ્ચિમ કચ્છ એલસીબીની કામગીરી બરાબર ન હોઈ અન્ય પોલીસ એજન્સીને તપાસ સોંપવા માટે માંગણી કરી હતી.

રૂકસાનાની માતા શકીનાબેન અને બે ભાઈઓ સલીમ તેમજ ઇકબાલે ઈસ્માઈલ અને પ્રેમિકાએ જ રુકસાનાની હત્યા કરી છે તેવો આક્ષેપ મૂકીને પોલીસ સમક્ષ તપાસની માંગણી કરી હતી. ઈસ્માઈલે પ્રથમ પત્ની ગુમ થઈ છે એ નાટક કરવાની સાથે હત્યાની સમગ્ર ઘટનાને છુપાવવા માટે આપણા રુંવાડા ઉભા થઇ જાય એવું માસ્ટરમાઈન્ડ વાપરીને પ્લાનિંગ કર્યું હતું. આ આખીયે મર્ડર મિસ્ટ્રીને અંજામ આપનારા એક મહિલા સહિત 7 આરોપીઓને પોલીસે અટકમાં લીધા છે. જેમાં ઇસ્માઇલ માજોઠી, જાવેદ માજોઠી, સાજીદ દાઉદ ખલીફા, સાયમા સાજીદ ખલીફા, અલ્તાફ અબ્દુલ માજોઠી, સબીર જુસબ માજોઠી અને મામદ ઓસમાણ કુંભારની ધરપકડ કરી છે. પોલીસને 9 મહિના પછી આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જોકે, મર્ડર મિસ્ટ્રીનો ઇસ્માઇલે રચેલો ખોફનાક ખેલ ક્રાઇમ થ્રિલર અને ક્રાઈમ સસ્પેન્સ નોવેલ જેવો છે. 

કેવી રીતે રચાયું રુકસાનાની હત્યાનું ષડયંત્ર 
ઇસ્માઇલે ઉર્ફે ‘માલા’ એ તેની મુંબઈની પ્રેમિકા એવી બીજી પત્ની નાઝીયા સાથે લગ્ન કર્યા બાદ પ્રથમ પત્ની રૂકસાના સાથે તેના ઝઘડા થતા હતા. રૂકસાનાએ બીજી પત્નીના પ્રેમમાં પાગલ બનેલા ઇસ્માઇલ સામે મારકુટની પોલીસ ફરિયાદ પણ કરી હતી. એટલે ઇસ્માઇલે રૂકસાનાને કાયમ માટે ચૂપ કરી દેવા હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. 9 મેના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં ઇસ્માઇલનો માસીનો દીકરો જાવેદ જુસબ માજોઠી રૂકસાનાને બલેનો કારમાં ભૂજના જીઆઇડીસી પાસે આવેલ કાસમશા પીરની દરગાહ પાસે લઇ ગયો હતો અને છરી વડે રૂકસાનાની હત્યા કરી નાખી હતી. ત્યાં જાવેદે અન્ય આરોપીઓ સબીર માજોઠી અને અલ્તાફ માજોઠીની મદદથી આયશા પાર્કની ઉત્તર દિવાલ નજીક રૂકસાનાની લાશ દાટી દીધી હતી. આરોપીઓએ હત્યાના પુરાવાઓનો નાશ કરવા બલેનો કારમાંથી લોહીના ડાઘ ભૂંસી નાખ્યા હતા. સીટ કવર સળગાવી નાખ્યા હતા. રૂકસાનાનો મોબાઇલ જાવેદે પોતાના મિત્ર સાજીદ દાઉદ ખલીફાને આપી દીધો હતો. રૂકસાનાની હત્યા બાદ તે જીવતી છે તેવું ઈસ્માઈલે ચિત્ર બનાવ્યું હતું. રૂકસાનાનો મોબાઈલ ફોન લઈને સાજીદે અમદાવાદથી રૂકસાનાના પરિવારજનોને ફોન કર્યો હતો કે તે અને રૂકસાના પ્રેમમાં હતા અને ભાગી ગયા છે. ત્યારબાદ રૂકસાનાનો મોબાઈલ કાલુપુર રેલવે સ્ટેશને ફેંકી દીધો હતો. ત્યારબાદ સાજીદ અને તેની પત્ની સાયમા અજમેર શરીફ ગયા હતા. ત્યાં તેમણે અજમેર શરીફ હોટેલમાં રૂકસાનાનું ખોટું આઈ કાર્ડ આપ્યું હતું. અજમેર શરીફથી સાયમાએ રૂકસાનાના પતિ ઇસ્માઇલને અને રૂકસાનાના ભાઈ ઇકબાલને મોબાઈલની દુકાને થી ફોન કર્યો હતો. જોકે, રુકસાનાની હત્યાની જાણ લોકોને થઈ જશે એ બીકથી ઈસ્માઈલે અન્ય આરોપી મામદની મદદથી આયેશાપાર્કમાંથી લાશ કાઢીને સીમંધર સિટીમાં અરવિંદસિંહ જાડેજાના મકાનના ચાલતા કામમાં અંદર નાંખી તેની ઉપર કોન્ક્રિટ ભર્યું હતું.