સુરતમાં સરકારી બાબુઓને નથી કરવું ચૂંટણીનું કામ, 3143 કર્મચારીઓએ કરી અરજી

Loksabha Election 2024 : સુરતમાં ચૂંટણીની કામગીરી ન કરવા સરકારી કર્મચારીઓએ કરેલી અરજીમાંથી 930 અરજી નામંજૂર કરાઈ, તેમજ પ્રિસાઈડિંગ ઓફિસરની ડ્યુટી કરવા અનેક કર્મચારીઓએ નનૈયો ભર્યો 

સુરતમાં સરકારી બાબુઓને નથી કરવું ચૂંટણીનું કામ, 3143 કર્મચારીઓએ કરી અરજી

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત લોકસભાની ચૂંટણી માટે સુરત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શાળામાં આવેલા વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ માંથી 3143 અધિકારી કર્મચારીઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. જેમાંથી 1692 અરજીઓ માન્ય રાખવામાં આવી છે. જ્યારે કે, 930 અરજીઓ નામંજુર કરી દેવામાં આવી છે. પરંતુ મોટી વાત તો એ છે કે મતદાન મથકનો સૌથી મહત્વનો અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે અને આ જવાબદારી જે અધિકારી કર્મચારીને આપવામાં આવી છે, તેમાંથી 521 અધિકારીએ આ જવાબદારી ન સ્વીકારવા અરજી કરી છે અને ચૂંટણીના અન્ય કોઈપણ કાર્ય કરવા અરજી કરી જણાવવામાં આવ્યું છે.

સુરત જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આવનાર 7 મેના રોજ સુરત લોકસભાની ચૂંટણી માટે વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ મળીને 27,336 ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકી એઆરઓ સમક્ષ 3143 અધિકારી-કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. આવેલી કુલ અરજીઓ પૈકી 930 અરજીઓ એઆરઓ દ્વારા નામંજુર કરી દેવામાં આવી છે. તથા 1692 અરજીઓ માન્ય રાખવામાં આવી છે. 

આ વિશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીની ફરજ મુક્તિ માટે કરાયેલી અરજીમાં ઉલ્લેખાયેલા કારણો મુજબ સૌથી મહત્તમ કારણો લગ્ન, તબીબી સારવાર અને લાંબા ગાળાની બીમારી, વિદેશ પ્રવાસ, વિઝા માટે જવાના હોવાની અરજી, માતા- પિતા બીમાર હોવાની અરજી કરી છે. આ સાથે સેન્ટ્રલ ગર્વમેન્ટના કેટલાક કર્મચારીઓએ એવી અરજી પણ કરી છે કે તેમને ગુજરાતી ભાષા સંપૂર્ણ રીતે આવડતી નથી. ભાષાની સમસ્યાને કારણે ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ - આપવાની અરજી સાથે કારણો દર્શાવવામાં આવ્યા છે. 

પ્રિસાઈડિંગ ઓફિસરની કોઈ જવાબદારી લેવા માંગતુ નથી 
આ પ્રકારના કારણોને મહત્વ આપી અરજી કરનાર મોટાભાગના અરજદારોને કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી ફરજમાં ડ્યુટી ન કરવા માટે કરાયેલ અરજીમાં સૌથી મહત્વની બાબતએ જાણવા મળી હતી કે 3143 કર્મચારીઓની મળેલી રજૂઆતમાંથી 521 કર્મચારીઓ એવા હતા કે જેમને ખાસ કિસ્સામાં પ્રિસાઇડીંગ ઓફિસરનો ઓર્ડર થયો હતો. તે ઓર્ડર રદ કરીને પોલીગ સ્ટાફમાં કે અન્ય કોઈપણ કામમાં મુકવા માટે અરજી કરાઇ હતી. પરંતુ ચૂંટણી ફરજ દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કામ કરવા તેઓ માંગતા નથી. ત્યારે આ પ્રકારની અરજીને લઈને જિલ્લા કલેકટર દ્વારા જે જે કર્મચારીઓની અરજીઓ યોગ્ય લાગશે તેઓની માન્ય કરશે. 

મતદાનમાં તમામ જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની હોય છે 
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર સી પટેલે પ્રિસાઇડિંગની કામગીરીને લઈ જણાવ્યું હતું કે કોઈપણ મતદાન મથકનો મુખ્ય અધિકારી એટલે પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે. મતદાન મથકની તમામ જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની હોય છે. જેમાં મતદાન સામગ્રી ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈ મતદાન મથક સુધી ગોઠવવાની તમામ વ્યવસ્થા, તમામ ફોર્મસ ભરવાની વ્યવસ્થા, તમામ જગ્યાએ સિગ્નેચર અને રિપોર્ટ કરવાની પ્રાથમિક જવાબદારી જે તે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસરની જ રહે છે. ઈલેક્શન ડ્યુટીમાં સૌથી મહત્વની ભૂમિકા જો કોઈની હોય તો તે માત્ર પ્રિસાઇડિંગ ઓફિસરની જ હોય છે. ત્યારે ફાળવવામાં આવેલ કર્મચારી કે અધિકારીને ચૂંટણીની આટલી મહત્વની જવાબદારી યોગ્ય રીતે સંભાળી ન શકે તેવું લાગનાર ને અન્ય જગ્યાએ ફરજ બજાવા અરજી કરી છે. ઉપરાંત આ માટે ભૂતકાળમાં કર્મચારી પાસે અનુભવ હોવો જરૂરી છે. ત્યારે જે કર્મચારી અધિકારીને પ્રથમ વખત આ જવાબદારી પ્રથમ વખત આપવામાં આવી છે અને ગુજરાતી ભાષા જાણતા નથી તેવા અધિકારી કર્મચારી રીસાઇડિંગ ઓફિસર ન બનવા સ્વૈચ્છિક અરજી કરી રહ્યાં છે અને તેમની અરજીને માન્ય પણ રાખવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news