સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસનો નથી રહ્યો ડર, BRTS ટ્રેક પર બનાવી રીલ્સ

આજકાલના યુવકોમાં રિલ્સનો નશો તો એવો ચડ્યો છે કે તેઓ લોકોના જીવની પણ પરવાહ નથી કરતા. ગમે ત્યારે ગમે ત્યાં રિલ્સ બનાવવા લાગે છે. જો આ રિલ્સના શોખીનો પર કાયદાનો કંટ્રોલ નહીં લાવવામાં આવે તો આ રિલ્સ કોઈના જીવ લઈ લેશે. કેવી રીતે આ રિલ્સના શોખીનો કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં... 

સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસનો નથી રહ્યો ડર, BRTS ટ્રેક પર બનાવી રીલ્સ

સુરતઃ રાજ્યના યુવાધનમાં ચડેલો રિલ્સનો નશો બીજા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે તેમ છે. સૌથી પહેલાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના આ 3 દ્રશ્યો જુઓ. સુરતમાં નબીરાઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેની સાબિતી પુરતા આ દ્રશ્યો છે. જેમાં એક જગ્યાએ મોપેડ પર 4 સવારી લોકો જઈ રહ્યા છે, તો બીજી તરફ જીપ પર ઉભા રહીને બે યુવકો રિલ્સ બનાવી રહ્યા છે. જ્યારે ત્રીજા વીડિયોમાં તો યુવકો જોખમી રીતે brts રૂટમાં જ રિલ્સ બનાવી રહ્યા છે. 

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, જેમાં લોકોની માત્ર લાઈક્સ અને કમેન્ટ મેળવવા માટે આવા લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. જોખમી સ્થળો પર કઈપણ વિચાર્યા વગર જ આ લોકો રિલ્સ બનાવવા લાગે છે. પોતાના જીવની તો ચિંતા નથી કરતા, સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે. 

આ વીડિયો સુરતાન સરથાળા વિસ્તારનો છે. જેમાં બે લબરમુછિયા યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. એક યુવક ખુલ્લી જીપ ચલાવી રહ્યો છે, જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર ચડીને રિલ્સ બનાવી રહ્યો છે. એટલું જ નહીં આ લોકો જાહેર રસ્તા ઉપર પણ આવી જ રીતે વીડિયો બનાવતા નજરે પડ્યા. આ વીડિયો અંગે સરથાળા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતના આ લોકોએ તો રિલ્સ બનાવવામાં હદ જ કરી દીધી. BRTS રૂટ પર બનેલી રેલિંગ પર બે યુવકો ચડી ગયા. અને ત્રીજો યુવક BRTS રૂટમાં મોબાઈલ હાથમાં લઈને વીડિયો બનાવી રહ્યો છે. જ્યાં આ લોકો રિલ્સ બનાવી રહ્યા છે, તેની બાજુમાં જ ચેતવણીનું બોર્ડ છે. જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે રસ્તો સાવધાની પૂર્વક પસાર કરવો. તેમ છતાં રિલ્સ બનાવવામાં ભાન ભૂલેલા આ યુવકોને કોઈ ફર્ક પડતો નથી, અને તેઓ બિંદાસપણે BRTS રૂટમાં રિલ્સ બનાવી રહ્યા છે. 

એવું નથી કે માત્ર સુરતના યુવાઓ જ આવી જોખમી રિલ્સ બનાવી રહ્યા છે. અમદાવાદના યુવકો પણ રિલ્સ બનાવવામાં અને લોકોના જીવ જોખમમાં મુકવામાં પાછળ પડે તેમ નથી. જુઓ આ અમદાવાદનો નબીરો વિજય ચૌહાણ. પૈસાદાર બાપનો બગડેલો આ નબીરો વિવિધ વાહનો પર જોખમી રિલ્સ બનાવવાનો શોખીન છે. આ નબીરો મોંઘીદાટ બાઈક પર ફૂલ સ્પીડે વાહન હંકારે છે, એટલું જ નહીં બાઈક પરથી હાથ હટાવી લે છે, તો ક્યારેક  બાઈક પર સૂઈને અકસ્માતને આમંત્રણ પણ આપે છે. 

રિલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓને યુવતીઓ પણ ટક્કર આપી રહી છે. સુરતની જન્નત મીર નામની યુવતીએ રિલ્સ બનાવવાની ઘેલછામાં ગાડીને 160ની સ્પીડે ચલાવી હતી, અને તેની રિલ્સ બનાવી હતી. આ યુવતીએ ફેમસ થવા માટે જોખમી રીતે ગાડી ચલાવી જીવને જોખમમાં મુક્યો. 

આજની યુવા પેઢી રિલ્સ બનાવવાની એવી શોખીન થઈ છે કે તે રિલ્સ બનાવવાના ચક્કરમાં અન્ય લોકોની પણ ચિંતા નથી કરતા. પોતે તો આવા વીડિયોમાં ક્યારેક મરશે, સાથે બીજા નિર્દોષ લોકોના પણ જીવ લઈ લેશે. સોશિયલ મીડિયા પર આવા તો અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમ છતાં પોલીસ આવા બગડેલા લોકો સામે કોઈ નક્કર પગલાં નથી લઈ રહી. જ્યાં સુધી આવા લોકો સામે કડક કાર્યવાહી નહી થાય ત્યાં સુધી સોશિયલ મીડિયાના શોખીનો આવા જોખમી વીડિયો બનાવતા જ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news