નજર હટી તો દુર્ઘટના ઘટી! આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ, દ.ગુજરાતની 19 ચોરીનો ભેદ ઉકેલાયો

વિવિધ યોજનાઓ બનાવી મોબાઈલ ચોરીના 19 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો જેમાં 6.29 લાખ રૂપિયાના 49 મોબાઈલ કબ્જે કરી, પોલીસે બે આરોપીઓ મુળ ઝારખંડના સુધીરકુમાર મણીદાસ અને બિહાર ભાગલપુરનો બબલુકુમાર પપ્પુ શાહની ધરપકડ કરી છે.

 નજર હટી તો દુર્ઘટના ઘટી! આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ, દ.ગુજરાતની 19 ચોરીનો ભેદ ઉકેલાયો

ધવલ પરીખ/નવસારી: મોબાઈલ એ દરેક વ્યક્તિની જરૂરિયાત અને હાથવગુ સાધન બની ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી નાના બાળકોને સાથે રાખીને મોબાઈલ ચોરીને અંજામ આપી બાંગ્લાદેશમાં વેચાણ કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો નવસારી જિલ્લાની ચીખલી પોલીસે પર્દાફાશ કર્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી 19 ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

દક્ષિણ ગુજરાતના રેલ્વે સ્ટેશનો તેમજ બસ સ્ટેશનો ઉપરથી બાળકોની મદદથી મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો નવસારી જિલ્લા પોલીસે ખુલાસો કર્યો છે. બાતમીના આધારે ચીખલી બસ સ્ટેન્ડ નજીકથી 49 જેટલા મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં નાના ત્રણ બાળકોને ચોરીના રેકેટમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ભીડભડવાળા વિસ્તારમાં બાળકો સાથે રાખી વિવિધ પેતરાઓ રચી મોબાઈલની તફડાવી લેવામાં આવતા હતા. 

બાળકોને મોબાઈલ ચોરી માટે સાથે રાખી ગજવામાં મોબાઈલ લઈને જતા વ્યક્તિ પર ધક્કો મારવામાં આવતો હતો અને સાથે રહેલા બીજા ઈસમો પાકીટમાંથી મોબાઈલ સેરવી પલાયન થઈ જતા હતા. વિવિધ યોજનાઓ બનાવી મોબાઈલ ચોરીના 19 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો જેમાં 6.29 લાખ રૂપિયાના 49 મોબાઈલ કબ્જે કરી, પોલીસે બે આરોપીઓ મુળ ઝારખંડના સુધીરકુમાર મણીદાસ અને બિહાર ભાગલપુરનો બબલુકુમાર પપ્પુ શાહની ધરપકડ કરી છે.

આરોપીઓએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને બારડોલી વિસ્તારમાંથી રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પરથી મોબાઇલ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં બિહાર અને ઝારખંડના સુધીરકુમાર અને બબલુકુમાર દ્વારા બાળકોને સાથે રાખીને ચોરીનું કાવતરું રચવામાં આવતું હતું. 

સમગ્ર ઘટનાક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી મોબાઇલ ચોરી કર્યા બાદ બિહાર થઈ બાંગ્લાદેશમાં મોબાઈલ વેચાણ કરવામાં આવતું હોવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનાક્રમમાં ચોરાયેલા મોબાઈલ કોઈ દેશ સામે કાવતરું કરવાના આશયથી તો ઉપયોગમાં લેવામાં આવ્યા નથી ને? અને મુખ્ય ખરીદદાર કોણ છે. એ દિશામાં પોલીસે તપાસને વેગ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news