જવાહરનગર પોલીસે આખરે ઝૂકવું પડ્યું! આ ઘટનાના એક અઠવાડિયા બાદ દાખલ કરી ફરિયાદ, પછી....

Vadodara News: શહેરના બાજવા વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ શ્વાન પર હુમલાની ઘટના બની હતી. જેમાં એક માથાભારે ઈસમ દ્વારા ગલી માં નિરાંતે બેસેલા અબોલ શ્વાન પર ઇરાદા પૂર્વક રિક્ષા ના પૈંડા ફેરવી દેવામાં આવ્યા હતા.

જવાહરનગર પોલીસે આખરે ઝૂકવું પડ્યું! આ ઘટનાના એક અઠવાડિયા બાદ દાખલ કરી ફરિયાદ, પછી....

હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ ડોગ (ગલીનાં શ્વાન) પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સ્ટ્રીટ ડોગને મોતને ઘાટ ઉતારાયા હોય અથવા આ અબોલ જીવ પર એસિડ એટેક સહિતના જીવલેણ હુમલા થયા હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે શહેર પોલીસના મતે આ અબોલ જીવની કોઈ કિંમત ન હોય તેમ ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો નાગરિકોએ ઘટનાના સીસીટીવી ફૂટેજ પુરાવા સ્વરૂપે પોલીસને આપ્યા હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાને બદલે ફક્ત ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરના બાજવા વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ શ્વાન પર હુમલાની ઘટના બની હતી. જેમાં એક માથાભારે ઈસમ દ્વારા ગલી માં નિરાંતે બેસેલા અબોલ શ્વાન પર ઇરાદા પૂર્વક રિક્ષા ના પૈંડા ફેરવી દેવામાં આવ્યા હતા આ ઘટના બાદ શ્વાન નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.તો સાથે જ આ ઈસમ દ્વારા અન્ય એક શ્વાન ને લોખંડ ની પાપ ના ફટકા મારવામાં આવ્યા હતા જેમાં શ્વાન ને ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોંચી હતી.

અબોલ જીવ ને મોત ને ઘાટ ઉતારવા સહિત જીવલેણ હુમલા ની આ ઘટના નજીક માં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાની જવાહરનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પહેલા તો પોલીસ દ્વારા આ નાગરિક ને વિવિધ બહાના બતાવી ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. પોલીસ ના વ્યવહારથી કંટાળી આ નાગરિકે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા પુરાવા સ્વરૂપે  સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જવાહરનગર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સોંપવામાં આવ્યા હતા. તેમજ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી, ત્યારે અહી ફરજ પર હાજર એક અધિકારી એ જાણે અબોલ જીવની કોઈ કિંમત ન હોય તેમ ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દિધો હતો.

જવાહરનગર પોલીસના દુર્વ્યવહારના કારણે જીવદયાપ્રેમીઓ રોષે ભરાયાં હતાં અને ત્યારબાદ સ્થાનિક લોકોને સાથે રાખી મોટી માત્રમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા પોહોચ્યા હતા. જ્યાં પોલીસ કમિશ્નર દ્વારા સબંધિત અધિકારી ને તાત્કાલિક ધોરણે માથાભારે ઈસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી. જવાહરનગર પોલીસ સ્ટેશન ના બાબુઓ ને જાણે પોલીસ કમિશ્નર ના આદેશ ની કોઈ પરવાહ ન હોય તેમ એક સપ્તાહ સુધી જીવદયા પ્રેમીઓ ની ફરિયાદ લેવાનું ટાળ્યું હતું.આખરે જીવદયાપ્રેમીઓ એ ઉગ્ર રજૂઆત કરતા પોલીસે શ્વાન ને મોતને ઘાટ ઉતારનાર ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જીવદયપ્રેમીઓ ને એક સપ્તાહ સુધી ધક્કા ખવડાવનાર જવાહરનગર પોલીસે પોતાની આબરૂ બચાવવા ફરિયાદી ને મીડિયા થી દૂર રાખ્યા હતા.સામાન્ય રીતે પોલીસ સ્ટેશન માં  કોઈ  ગુનો દાખલ થાય તો ફરિયાદ માંફરિયાદ આપનારનું નામ, સરનામું તેમજ મોબાઈલ નંબર અવશ્ય લખવામાં આવતો હોય છે ત્યારે પોતાને શાણી સમજનાર જવાહરનગર પોલીસે ફરિયાદ માંથી ફરિયાદી નો મોબાઈલ નંબર જ ગાયબ કરી નાખ્યો હતો જેથી મીડિયા ફરિયાદીનો સંપર્ક ન કરી શકે. જો ફરિયાદી મીડિયા ના સંપર્ક માં આવે તો પોલીસ ની પોલ ખુલી જાય ના ડર સાથે જવાહરનગર પોલીસે ફરિયાદ માં ફરિયાદીનો મોબાઈલ નંબર લખવાનું ટાળ્યું હતું.

સમગ્ર ઘટના ની ગંભીરતા જોતા એક જવાબદાર મીડિયા તરીકે ઝી24કલાક ની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધ્યો હતો જ્યાં શ્વાન ને મોત ને ઘાટ ઉતારવાની ઘટના ની તપાસ PSI ડામોર ના હાથમાં હોવાનું સામે આવ્યું હતું.જેથી ઝી24કલાક ની ટીમ દ્વારા PSI ડામોર નો સંપર્ક કરવામાં આવ્યો હતો.જ્યાં તેમના શરૂઆતી શબ્દો કાઈક આમ હતા.

હાલ હું એક કામ માં વ્યસ્ત છું જો તમારે ફરિયાદી નો નંબર જોઈતો હોય તો બે કલાક પછી સંપર્ક કરજો.....(ફોન કટ)

અહી નવાઇની વાત તો એ છે કે PSI ડામોર ને ફરિયાદી નો નંબર આપવામાં બે કલાક નો સમય લાગે છે.જો એક મોબાઈલ નંબર આપવામાં તેમને બે કલાક નો સમય લાગતો હોય તો ગુના નો ભેદ ઉકેલવામાં તેમને કેટલો સમય લાગતો હશે એનો એક અંદાજો લગાવી શકાય છે...આ લેખ લખાય છે ત્યારે ફરિયાદી નો નંબર માંગે સાત કલાક વીતી ચૂક્યા છે છતાં હજી PSI ડામર ના બે કલાક પૂરા થયા નથી ને ફરિયાદી નો મોબાઈલ નંબર આપ્યો નથી.

ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી પોતે ખાખી ધારણ કરી સામાજિક સુરક્ષા ની જવાબદારી સ્વીકારતા હોય ત્યારે તેમને સૌ પ્રથમ શિસ્ત ના પાઠ ભણાવવામાં આવતા હોય છે.નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવો તેની ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે.પરંતુ આ બધું ફક્ત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી જ સીમિત રેહતું હોય છે.નાગરિકો પોતાની સમસ્યા નું સમાધાન શોધવા જ્યારે પોલીસ પાસે જાય ત્યારે તેમને મદદ ના બદલે ધુત્કાર અથવા દુર્વ્યવહાર મળે તો બિચારો નાગરિક મદદ માટે જાય તો જાય ક્યાં?

હાલ તો સતત વિવાદો ના ઘેરા માં રેહતી જવાહરનગર પોલીસ શ્વાન ને મોત ને ઘાટ ઉતારવાના કિસ્સામાં તપાસ ચાલી રહી હોવાનો દાવો કરી રહી છે ત્યારે માથાભારે ઈસમ ને પોલીસ કેટલા સમય માં અને ક્યારે ઝડપી પાડે છે એ જોવું રહ્યું..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news