કાજલ હિન્દુસ્તાની પાટીદારોની દીકરીઓ વિશે એવું તો શું બોલી કે, ભડક્યો આખો સમાજ
Kajal Hindustani Statement On Patidar Samaj : સામાજિક કાર્યકર્તા કાજલ હિંદુસ્થાનીની મુશ્કેલીમાં વધારો.... પાટીદાર સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR.... કાજલે પાટીદાર દીકરીઓ વિશે જાહેરમાં કરી હતી ટિપ્પણી...
Trending Photos
Kajal Hindustani Controversy : કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ વિશે અભદ્ર વાત કરી હતી. ત્યારે મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારોની દીકરીઓ વિશે શું કહ્યું
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.'
વર્તમાન સમયમાં જુદી જુદી જગ્યાએ યોજાતા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓની બદનામી થાય તેવી અભદ્ર કક્ષાની ટિપ્પણી કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેને સ્ટેજ ઉપર બોલવામાં પ્રતિબંધ મૂકાય તે માટે થઈને હાઇકોર્ટ સુધીના દ્વાર ખખડાવશે તેવી વાત મનોજ પનારાએ કરી છે.
કાજલ હિન્દુસ્થાનીના આ વીડિયોથી પાટીદાર સમાજમાં ઉઠ્યો વિરોધનો સૂર, વિવાદીત ટિપ્પણી મામલે થશે પોલીસ ફરિયાદ!#Gujarat #Viral #ViralVideo #KajalHindustani pic.twitter.com/r0yVmBKnyp
— Zee 24 Kalak (@Zee24Kalak) March 18, 2024
કાજલની ગુજરાતમાં એક પણ સભા નહિ થવા દઈએ - પરેશ ગજેરા
પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે, સસ્તી પ્રસીદ્ધી મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. કાજલબેન જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માંગે. હિન્દુસ્તાનની વાતો કરે છે કાજલ, હિન્દુસ્તાની પાછળ હિન્દુસ્તાની શબ્દ ન હોવો જોઈએ. કાજલ હિન્દુસ્તાનીના અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે. જે નિવેદનો કર્યા છે તે ખોટી રીતે કર્યા છે. તાત્કાલિક માફી નહીં માંગે તો ગુજરાતમાં એક પણ સભા નહીં થવા દઈએ.
આ બેન જ્યા કાર્યક્રમ કરશે ત્યાં અમે સખત વિરોધ કરીશું - લાલજી પટેલ
તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, કાજલબેન સમગ્ર સનાતન ધર્મના આગેવાન છે, એમને વિચારીને બોલવું જોઈએ. પાટીદાર સમાજની દીકરીઓની વાત કરે છે એ ખોટી વાત છે. જાહેરમાં દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો તેમના માં બાપને મળવું જોઈએ. પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવી જોઈએ. આવી ટિપ્પણી અમે અને પાટીદાર સમાજ વખોડે છે. મનોજભાઈ ફરિયાદ કરશે તો એને અમારું સમર્થન છે. આ બેનને જાહેર મંચ પરથી બોલવાનું ભાન હોવું જોઈએ. ચોક્કસ સમાજની વાત કરે છે એની અમે નિંદા કરીએ છીએ. આ બેન જ્યા કાર્યક્રમ કરશે ત્યાં અમે સખત વિરોધ કરીશું. એમનું કામ હિન્દુ દીકરીઓ બચાવવાનું કામ આવે છે. કોઈપણ હિન્દુ સમાજની દીકરીઓને બચાવવા આપણે જવું પડે. આવનાર સમયમાં આ બેન જ્યાં આવશે ત્યાં ખુલ્લેઆમ અમે વિરોધ કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે