કચ્છી ખારેકને નડ્યું ગ્રહણ! જાણો દર વર્ષે લાખો કમાતા ખેડૂતો આ વર્ષે કેમ રાતા પાણીએ રોવે છે?

કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો. દર વર્ષે અહીંના વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદી હજારો ટન ખારેક કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરે છે પરંતુ આ વર્ષે એક્સપોર્ટર વેપારીઓ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે.

કચ્છી ખારેકને નડ્યું ગ્રહણ! જાણો દર વર્ષે લાખો કમાતા ખેડૂતો આ વર્ષે કેમ રાતા પાણીએ રોવે છે?

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છની બાગાયત ખેતીમાં કચ્છી ખારેક એક નવી ક્રાંતિ લાવી હતી. કચ્છની લાલ પીળી ખારેક માત્ર અન્ય રાજ્યોમાં નહીં પરંતુ અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી, જે કારણે અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. જો કે હવે આ જ ખારેકના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો. દર વર્ષે અહીંના વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદી હજારો ટન ખારેક કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરે છે પરંતુ આ વર્ષે એક્સપોર્ટર વેપારીઓ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે. વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આ વર્ષે ખારેકના ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે હવે બાંગ્લાદેશ તરફે નિકાસ બંધ થઈ જતા ખેડૂતો પર આભ તુટી પડયું છે. 

છેલ્લા પાંચ વર્ષોથી ખારેક એક્સપોર્ટ કરતા વેપારી રોહિત પટેલે જણાવ્યું હતું કે, "દર વર્ષે લગભગ 600 ટન ખારેક બાંગ્લાદેશ જાય છે પરંતુ આ વર્ષે બાંગ્લાદેશ સરકારે ખારેક પર ડ્યુટી વધારતા લોકોને ખારેક પરવડે તેમ નથી. ખારેક પરની ઇમ્પોર્ટ ડ્યુટી રૂ. 10થી વધીને રૂ. 80 થઈ ગઈ છે અને તે કારણે ખારેકના વેંચાણ ભાવ પણ ખૂબ વધી જતાં લોકો ત્યાં ખારેક ખરીદી શકતા નથી."

કચ્છમાં 56 હજાર હેક્ટરમાં બાગાયત પાકોનું વાવેતર થાય છે જેમાંથી ખારેકનું વાવેતર કચ્છના 6 હજાર ખેડૂતો દ્વારા અંદાજિત 19 હજાર હેક્ટરમાં થાય છે. જે થકી દર વર્ષે 1.75 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. આટલી મોટી સંખ્યામાં ઉત્પાદન થતાં ખારેકનું નિકાસ પણ સંભવ બન્યું હતું અને છેલ્લા અનેક વર્ષોથી કચ્છી ખારેક મોટી સંખ્યામાં એક્સપોર્ટ કરવામાં આવી રહી હતી.

કચ્છી ખારેકનો સૌથી મોટો આયાતકાર બાંગ્લાદેશ હતો અને કચ્છના ખેડૂતો પોતાની ખારેક બાંગ્લાદેશ એક્સપોર્ટ કરી સારી કમાણી કરી લેતા હતા. પરંતુ આ વર્ષે બાંગ્લાદેશ દ્વારા ખારેકના આયાત પર લાગતી ડ્યુટીમાં સાતથી આઠ ગણો વધારો કરતા ખારેકના ભાવથી પણ ડ્યુટી વધારે મોંઘી પડી રહી છે. અગાઉ પ્રતિ કિલોગ્રામ ખારેક પર રૂ. 10 ઇમ્પોર્ટ ડ્યુટી લાગત હતી જે વધીને હાલ રૂ. 80 કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ દ્વારા અનેક વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે પરંતુ ખારેક પર એક સાથે લગભગ સાત ગણી ડ્યુટી વધતા હવે વેપારીઓ ખારેકનો નિકાસ કરી રહ્યા નથી. આટલો મોટો જથ્થો નિકાસ ન થતાં હવે ખેડૂતો ચિંતિત બન્યા છે અને સ્થાનિક બજારમાં આ મોટો જથ્થો આવતા ખારેકના ભાવ તૂટવાના કારણે ખેડૂતોને મોટો ફટકો પડશે તેવો તેમને ભય સતાવે છે.

કચ્છમાં ખારેકની ખેતી કરતા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, "પહેલા વાવાઝોડામાં ખેતીને નુકસાની પહોંચી ત્યારબાદ ભારે વરસાદ અને હાલ આ એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે. નિકાસકાર વેપારીઓ તો પોતાનો કમિશન બીજી જગ્યાએથી મેળવી લેશે પરંતુ ખેડૂતોનો આ સ્થિતિમાં મરો જ છે. અમે સરકારની વિનંતી કરીએ છીએ કે આ તરફે ધ્યાન આપે અને યોગ્ય રસ્તો કાઢે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news