સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેટરકાંડ: ભાજપનાં કોર્પોરેટર હાર્દિક ગોહિલને ડો. કલાધર આર્યની મેટરમાં કેમ આટલો રસ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને બોર્ડ ઓફ સ્ટડીઝનાં અધરધેન ડિન ડો. કલાધર આર્યને સસ્પેન્ડ કરવાનાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકારણમાં પદ માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવે તે સ્વભાવિક વાત છે. પરંતુ જ્યાં માતા સરસ્વતી અને વિદ્યાની વાતો કરવામાં આવતી હોય તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદ માટે રાજનીતિ થાય તે શરમની વાત છે. છેલ્લા દોઢ વર્ષ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારીત્રહિન્ન, કૌંભાડો અને એક-બીજા પર લગાવવામાં આવતા આરોપોનાં લેટરો બહાર આવી રહ્યા છે. જોકે લેટરકાંડને કારણે કેટલાય કરાર આધારિત કર્મચારીઓ અને પ્રોફેસરોએ પોતાનાં પદ્દ પણ ગુમાવવા પડ્યા છે. પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને યુજીસી એચ.આર.ડી.સી વિભાગનાં પૂર્વ ડાયરેક્ટરે લેટરકાંડ સર્જનાર અજાણ્યા શખ્સ સામે યુનિવર્સિટીમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને બોર્ડ ઓફ સ્ટડીઝનાં અધરધેન ડિન ડો. કલાધર આર્યને સસ્પેન્ડ કરવાનાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ડો. કલાધર આર્યને જ્યાર થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યાર થી તેઓ કહી રહ્યા હતા કે, તેના વિરૂદ્ધ ખોટું સડયંત્ર રચવામાં આવ્યું છે અને રાજકીય કિન્નાખોરી રાખીને તેના વિરૂદ્ધ ખોટી અરજીઓ કરવામાં આવી છે.
આજે ડો. કલાધર આર્યએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નનામી અરજી કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. એફ.આઇ.આર મુજબ, ડો. કલાધર આર્યએ લખ્યું છે કે, 28 ડિસેમ્બર, 2022નાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિને સંબોધીને અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર જામનગર જીલ્લાનાં જામ-જોધપુર તાલુકાનાં આંબરડી ગામનાં નંદાભાઇ પી. કડમુલ હતા. અરજીમાં વિષય એવો હતો કે, પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીનાં બોર્ડનાં સભ્ય તરીકે પૂર્વ કુલપતિ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એક્ટ વિરૂદ્ધ નોમિનેશન રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.
નનામી અરજીમાં લખવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એચ.આર.ડી.સી વિભાગનાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. કલાધર આર્ય જેઓ ફિલોસોફીની ડીગ્રી ધરાવે છે અને તેમાં પીએચડી કરેલું છે. તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અધ્યાપક તરીકે પણ માન્યતા આપેલી નથી. ડો. કલાધર આર્યએ તત્કાલિન કાયમી કુલપતિ ડો. નિતીન પેથાણીને ખોટા નિયમો બતાવીને ગેરમાર્ગે દોરી પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીનાં બોર્ડનાં સભ્ય તરીકે નોમિનેશન મેળવી લીધું છે. યુનિવર્સિટીનાં અધિનીયમ વિરૂદ્ધ હોવાથી ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલીકાનાં નગરસેવક હાર્દિક ગોહિલે પણ કુલપતિને મળીને આવેદન પત્ર આપ્યું હતું.
જોકે તેની કાર્યવાહી ક્યાં પહોંચી અને કેમ દબાવી દેવામાં આવી તેવો સવાલ ઉઠાવ્યો હતો. જોકે ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ અરજદારને રૂબરૂ સાંભળવાને બદલે અરજી આધારે પગલા લઇને ડો. કલાધર આર્યને સસ્પેન્ડ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ ન કરવાનો આદેશ જાહેર કરી દીધો હતો.
ડો. કલાધર આર્યને દાળમાં કાળું જણાતા જેને જામ-જોધપુરનાં આંબરડી ગામ જઇને જાત તપાસ કરી હતી. જેમાં ગામમાં નંદાભાઇ કડમુલ નામની વ્યક્તિ જ કોઇ વસવાટ કરતું ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગામમાં રહેતા નરેન્દ્ર પોલાભાઇ કરમુર નામનાં વ્યક્તિએ ડો. કલાધર આર્યને તે ઓળખતા પણ નથી અને તેને કોઇ અરજી પણ કરી નથી તેવું 100 રૂપીયાનાં સ્ટેમ્પ પેપર પર સોગંદનામું લખી આપ્યું હતું. જેના આધારે પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્ય અને ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં નિવેદન પણ નોંધ્યા હતા. સમગ્ર મામલે પશ્ચિમ ઝોનનાં એ.સી.પી ભાર્ગવ પંડ્યાએ ઉંડાણ પૂર્વક તપાસ કરી ડો. કલાધર આર્યની ફરીયાદ નોંધાવી છે.
ડો. કલાધર આર્યએ ઝી 24 કલાકને સત્તાવાર જણાવ્યું હતું કે, હું સાચો હોવાથી યુનિવર્સિટી પોલીસે સત્તાવાર રીતે મારી પોલીસ ફરીયાદ નોંધી છે. કોર્ટમાં બે પીટીશન દાખલ કરી છે જેમાં નોમિનેશન રદ્દ કર્યું અને સિન્ડીકેટ પદે થી સસ્પેન્ડ કરવામાં આવ્યો તે બન્ને કેસ બોર્ડ પર હિયરીંગમાં પણ આવી ગયા છે. એફ.આઇ.આર નોંધાઇ ગઇ છે અને પોલીસ હવે જ્યારે તપાસ કરશે અને નિવેદન લેવા આવશે ત્યારે સમગ્ર ષડયંત્ર રચનાર કુલ 8 જેટલા લોકોનાં નામ પણ જાહેર કરીશ.
હાર્દિક ગોહિલને કેમ આટલો રસ ?
રાજકોટ મહાનગરપાલીકાનાં કોર્પોરેટર હાર્દિક ગોહિલ રાજકારણમાં પા..પા...પગલી ભરી રહ્યા છે. ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં અંગત માનવામાં આવે છે. તેવા હાર્દિક ગોહિલ વર્ષો થી સિન્ડીકેટ બેઠકમાં રહેલા ડો. કલાધર આર્યની સામે ખુલ્લેઆમ પડ્યા અને સસ્પેન્ડ સુધીનાં પગલા લેવડાવ્યા તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે. કેમ હાર્દિક ગોહિલને ડો. કલાધર આર્યની જ મેટરમાં આટલો રસ હતો તે મોટો સવાલ છે. શું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક ગોહિલ પાસે આ અંગે ખુલાસો માંગશે ?
શું કાયમી કુલપતિ પેથાણીએ કરેલી નિમણુંક ખોટી?
ડો. કલાધર આર્યની નિમણુંક તત્કાલીન કાયમી કુલપતિ ડો. નિતીન પેથાણી દ્વારા કરવામાં આવી હતી. નનામી અરજી કરનાર કોઇ જાણકાર વ્યક્તિ જ હોવાની આશંકાઓ ઉપજી રહી છે. ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ ડો. કલાધર આર્ય સામે પગલા લઇને ડો. નિતીન પેથાણી સામે સવાલ ઉભા કર્યા છે. ડો. નિતીન પેથાણીનાં કાર્યકાળમાં કરાર આધારીત પ્રોફેસરની ભરતીમાં વોટ્સએપકાંડ થયું હતું તે પછી બીજી વખત ડો. નિતીન પેથાણી સામે ખુદ ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણી જ સવાલો ઉઠાવી ખોટું થયું હોવાનું પગલા લઇને સાબિત કરી રહ્યા છે. ડો. ગીરીશ ભીમાણી વિવાદીત કુલપતિ સાબિત થયા છે પરંતુ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠાને પણ છાંટા ઉડાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે