ગુજરાતના વધુ એક નેતા બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ, તો વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ

દક્ષિણ ગુજરાતના આદિવાસી ચહેરા અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે

Updated By: Jul 6, 2021, 01:38 PM IST
ગુજરાતના વધુ એક નેતા બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ, તો વજુભાઈ વાળાને રાજકીય નિવૃતિ

બ્રિજેશ દોશી/ અમદાવાદ: દક્ષિણ ગુજરાતના આદિવાસી ચહેરા અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં  મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન મંગુભાઈ પટેલને સોંપવામાં આવી છે.

મંગુભાઈ પટેલ ગુજરાતનો જાણીતો આદિવાસી ચહેરો છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ઉંમરના કારણે તેમને ટિકિટ આપવામાં નહોતી આવી. આ પહેલા તેઓ સતત 32 વર્ષ ધારાસભ્ય રહ્યા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે મહત્વની જવાબદારી પણ તેમણે નિભાવી હતી. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે પણ તેમણે કામ કર્યું હતું.  તેઓ નવસારી બેઠક થી 5 વાર અને ગણદેવી બેઠકથી એક વાર ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો:- ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ

વર્ષ 1985 માં તેઓ પહેલી ચૂંટણી ગયા હતા અને હારી ગયા હતા. ત્યારબાદ તેઓ સતત ચૂંટણી જીતતા રહ્યા હતા. વર્ષ 2017 માં વય મર્યાદાના કારણે તેમને ટિકિટ આપવામાં નહોતી આવી અને હવે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની નવી જવાબદારી મળી છે. તેઓ રાષ્ટ્રીય ભાજપના એસટી મોરચાના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી છે.

આ પણ વાંચો:- વલસાડ નેશનલ હાઈવે પાસે બની ગોઝારી ઘટના, ત્રણ ટેમ્પો એકબીજા સાથે ટકરાતા આગ લાગી, બે ચાલકના મોત

તો બીજી તરફ કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત નિયુક્તિ કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષથી વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ હતા નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ વજુભાઈ વાળાને કર્ણાટકની મહત્વની જવાબદારી સોંપી હતી. સાત વર્ષ બાદ હવે વજુભાઈ વાળા રાજકીય નિવૃત્તિ તરફ છે.

આ પણ વાંચો:- સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ, ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ

જ્યારે આનંદીબેન પટેલ હજુ પણ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પદે યથાવત છે. તેમની પાસે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ એમ બે રાજયોની જવાબદારી હતી. મધ્યપ્રદેશને નવા રાજ્યપાલ મળતા હવે આનંદીબેન પાસે ઉત્તરપ્રદેશની જવાબદારી રહેશે જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube