લો બોલો! મહેસાણામાં પ્રેમિકાને દુઃખી જોવા માટે એક નિર્દોષની હત્યા કરી દેવાઈ, પ્રેમ પ્રકરણમાં મોટો ખુલાસો
મહેસાણા જિલ્લાના બાવલું પોલીસ મથકની હદમાં થયેલી જમીન દલાલની હત્યામાં પણ આવું જ એક કારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકા જમીન દલાલ સાથે રહેવા ચાલી જતા આ ઘટનાને અંજામ અપાયો હોવાની વિગત પોલીસ તપાસમાં ખુલી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું. કોઈ પણ ક્રાઇમની ઘટના ઘટે તો કહેવાય છે કે આ ત્રણ કારણ મહદઅંશે જવાબદાર હોય છે. મહેસાણા જિલ્લાના બાવલું પોલીસ મથકની હદમાં થયેલી જમીન દલાલની હત્યામાં પણ આવું જ એક કારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકા જમીન દલાલ સાથે રહેવા ચાલી જતા આ ઘટનાને અંજામ અપાયો હોવાની વિગત પોલીસ તપાસમાં ખુલી છે. પોલીસે હત્યા કરનાર આરોપી અને તેને હથિયાર આપનાર શખ્સની અટકાયત કરી જેલ હવાલે કરી દીધા છે.
એક પ્રેમિકા અને બે પ્રેમી. પ્રેમિકાએ જુના પ્રેમીને તરછોડી દીધો. નવા પ્રેમી સાથે પ્રેમિકા રહેવા ચાલી ગઈ. પ્રેમિકાએ આપેલા દગાને કારણે પ્રેમીએ ન કરવાનું કરી દીધું. મહેસાણા પોલીસની ગિરફ્તમાં રહેલા આ બે શખ્સનું નામ છે. ઇકબાલ મયુદિનભાઈ અને શાહબાજ. આ બંને શખ્સ અમદાવાદ ના રહેવાસી છે. આ બંને શખ્સ સામે એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવાનો આરોપ છે. આ હત્યાને ઇકબાલ એ અંજામ આપ્યો છે. તો તેમાં શાહબાજ નામના શખ્સએ મદદ કરી છે. ઇકબાલ એ પ્રેમિકા એ આપેલા દગાનો બદલો પ્રેમિકાના નવા પ્રેમીને મોતને ઘાટ ઉતારીને લીધો છે.
પ્રેમિકા એ દગો આપતા સમસમી ઉઠેલા ઇકબાલે એવું કૃત્ય કરી દીધું કે હવે તેને આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે. પ્રેમિકાને મારી સાથે નહીં તો બીજા કોઈની પણ સુખેથી નહીં જીવવા દઉંની ભાવના સાથે આ હત્યાને અંજામ આપનાર ઇકબાલને હાલ કોઈ પોતે કરેલા કૃત્યનો કોઈ રંજ નથી. બસ તે પોતાની પ્રેમિકા ને દુઃખી જોવા માંગતો હતો. ઇકબાલ કોઈ પણ ભોગે પ્રેમિકાને રડાવવા અને દુઃખી જોવા માંગતો હતો. અને આ કારણે તેણે પ્રેમિકાના નવા પ્રેમીને જ મોતને ઘાટ ઉતારી દીધો.
કડી તાલુકાના બાવલું ગામ નજીક બે દિવસ પૂર્વે યુનુસ ઉર્ફે મંગા કુરેશીની તેની જ ગાડીમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ. સૂર્યમ ફાર્મ હાઉસ નજીક ઘટેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. કારમાં સવાર જમીન દલાલને પાછળથી બાઇક ઉપર આવેલો શખ્સ ગોળી મારી ફરાર થઇ જતો દેખાયો. પોલીસે આ ઘટનામાં સીસીટીવી કબજે કરી સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસ હાથ ધરી.આ તપાસ દરમિયાન હત્યા કરી ભાગેલા શખ્સ ની ઓળખ ઇકબાલ મયુદિનભાઈ તરીકે થઈ.બસ પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ. આરોપીની ધરપકડ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો.
ઇકબાલ ની પ્રેમિકા યુનુશ સાથે રહેવા ચાલી ગઈ હતી.અને પ્રેમિકા એ આપેલા દગા ને કારણે ઇકબાલ યુનુશને પોતાનો સૌથી મોટો દુશ્મન માનવ લાગ્યો હતો. તે કોઈ પણ ભોગે યુનુસ ને સબક શીખડાવવા માંગતો હતો. આ માટે તેણે યુનુસ ની હત્યાનો પ્લાન બનાવ્યો અને આ માટે મિત્ર શાહબાજની મદદથી મધ્યપ્રદેશથી રિવોલ્વર મેળવી. આ માટે ઇકબાલ શાહબાજ ને 55000 રૂપિયા ચૂકવ્યા. હથિયાર મળ્યા બાદ ઇકબાલ યુનુસનો સતત પીછો કરતો હતો. દરમિયાન બે દિવસ પૂર્વે સાણંદથી કડી તરફ જતી વખતે રસ્તામાં મળી જતા ઇકબાલે યુનુસને માથાના ભાગે ગોળી મારી દીધી હતી. જેમાં યુનુસનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
પ્રેમિકાને દુઃખી જોવા માટે એક નિર્દોષની હત્યા કરી દેવાઈ. પ્રેમિકા તો દુઃખી થઈ કે નહીં તેનો જવાબ તો ઇકબાલ પાસે પણ નથી. પણ આ કૃત્યને કારણે એક વ્યક્તિએ જીવ ખોવો પડ્યો છે. તો ઇકબાલ અને શાહબાજને જેલમાં જવાની નોબત આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે