ગુજરાતનો આંખ ઉઘાડનારો કિસ્સો, જમીનના વેપારીને ભાઈ પર ભરોસો રાખવો ભારે પડ્યો!
1 કરોડ રૂપિયા રોકડા જોઈને કોઈનું પણ મન લાલચમાં આવી જાય. આટલી મોટી રકમ જોઈને વર્ષોની વફાદારી પણ માણસ પળવારમાં ભૂલી જાય. આવું જ કંઈક અમદાવાદના જમીનના વેપારી બાબુભાઇ દેસાઈ સાથે થયું.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: અમદાવાદના જમીનના વેપારીને પોતાના માસિયાઈ ભાઈ અને ગાડીના ડ્રાઇવર ઉપર ભરોસો રાખવો ભારે પડ્યો છે. અમદાવાદથી નંદાસણ પાસે જમીનની ખરીદી માટે આવેલા વેપારીની ગાડીમાંથી 1 કરોડ રોકડ ચોરી લેવાના બનાવનો મહેસાણા પોલીસે 24 કલાકમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં વેપારીની ગાડીનો ડ્રાઇવર અને માસિયાઈ ભાઈ જ ચોર નીકળ્યા છે. જો કે મહેસાણા પોલીસે 24 કલાકમાં 1 કરોડની ચોરીને અંજામ આપનાર એક યુવતી સહિત 5 ને જેલ હવાલે કરી દીધા છે. તો પોલીસે ચોરાયેલી તમામ રોકડ પણ કબ્જે કરી લીધી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, 1 કરોડ રૂપિયા રોકડા જોઈને કોઈનું પણ મન લાલચમાં આવી જાય. આટલી મોટી રકમ જોઈને વર્ષોની વફાદારી પણ માણસ પળવારમાં ભૂલી જાય. આવું જ કંઈક અમદાવાદના જમીનના વેપારી બાબુભાઇ દેસાઈ સાથે થયું. બાબુભાઇના ત્યાં વર્ષોથી નોકરી કરતા ડ્રાઇવર અને માસિયાઈ ભાઈ નાગજી મોતીભાઈ રબારી એ એક કરોડ રોકડ જોઈને વર્ષોની વફાદારી બાજુ પર મૂકી દીધી. અને 1 કરોડ રૂપિયા રોકડ ચોરી લેવાનો પ્લાન બનાવ્યો.
આ પ્લાનમાં રબારી નાગજીએ દેસાઈ કોમલ કાનજીભાઈ તેના પિતા કાનજીભાઈ જીવાભાઈ અને કોમલના બે ભાઈઓ દેસાઈ કૌશલ કાનજીભાઈ અને દેસાઈ ફુલજી કાનજીભાઈને સામેલ કર્યા. અગાઉથી નક્કી થયેલા પ્લાન મુજબ નાગજી તેના શેઠને રોકડ સાથે નંદાસણ લઈને નીકળ્યો અને બીજી ગાડીમાં કોમલ દેસાઈ, તેના ભાઈઓ અને પિતાએ ગાડીનો પીછો કર્યો. ચાંદરડા ગામ નજીક રબારી બાબુબાઈ જમીનની ખરીદીના કામ માટે રોકાયા અને તક મળતા જ રબારી નાગજીએ સેન્સર વાળી ચાવીથી ઇનોવા કારની ડેકી ખોલી નાખી અને પાછળ આવેલા કોમલ દેસાઈ તેના બે ભાઈઓ અને પિતા રોકડ સાથે ફરાર થઇ ગયા.
આ ચોરી બાદ રબારી નાગજી એ કોઈ ડીકી ખોલીને રોકડ ચોરી ગયું હોવાની વાર્તા બનાવી અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. 1 કરોડની રોકડની ચોરીની ફરિયાદ દાખલ થતા જ મહેસાણા પોલીસ એક્શનમાં આવી અને મહેસાણા એલસીબી પોલીસ તેમજ મહેસાણા ડીવાયએસપી તપાસમાં જોડાયા હતા. આ દરમિયાન બાબુભાઇની ગાડીના ડ્રાઇવર રબારી નાગજીનું વર્તન શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને કડક પૂછપરછ દરમિયાન નાગજી ગુનો કબૂલી લીધો. મહેસાણા પોલીસ દ્વારા 60 લાખ રૂપિયા અમદાવાદથી તો 40 લાખ રૂપિયા પાટણથી કબ્જે લઈ તમામ આરોપીને જેલ હવાલે કરી દીધા છે.
ચોરીની આ ઘટના બાદ પણ બાબુભાઇ દેસાઈ એ પોતાના ડ્રાઇવર ખૂબ જ વિશ્વાસુ હોવાનું નિવેદન આપ્યું હતું. જેની ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો તે માસિયાઈ ભાઈ જ ચોર નીકળ્યો. જો કે મહેસાણા પોલીસ દ્વારા માત્ર 24 કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી દેવા આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે