ગુજરાતમાં 'દશા' બેઠી! આ 16 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે! 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: શુક્રવાર મોડી રાતથી જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં હવામાનમાં પલટો આવ્યો છે. શનિવાર વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલી જિલ્લાને બાદ કરતા આજે રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, ભાવનગર અને કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં મોટી માત્રામાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. આ સિવાય કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ પલળી ગયો હતો.
આગામી 2 કલાક માટે હવામાન વિભાગની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના 16 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. બીજી બાજુ રાજ્યમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ નોધાયો છે. જેમાં રાજ્યના પાંચ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ, ધ્રોલ અને મોરબીમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય હવામાન વિભાગે રાજ્યમાં હજુ 5 દિવસ માવઠાનું સંકટ યથાવત રહેવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં વરસાદની આગાહી છે.
આ વર્ષે રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યભરમાં અચાનક આવેલા વાતવરણમાં પલટા બાદ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. મોડાસા તેમજ આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઇડર, વડાલી, હિંમતનગર, ખેડબ્રહ્મા તાલુકામાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. મધ્યરાત્રિએ વીજ કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
મહીસાગરમાં વરસાદથી પાકને નુકસાન
મહીસાગર જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા સહિત ધામોદ, લાલસર, વખતપુરમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
દેવભૂમિ દ્વારકાના વાતવરણમાં પલટો
દ્વારકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વાતાવરણમાં આવેલ પલ્ટા બાદ દ્વારકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થયા હતા. કમોસમી વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા.
મોડી રાતથી ગીર સોમનાથમાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ થયો છે. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે