ભ્રષ્ટાચાર સામે સંઘવીનો સપાટો! એક જ દિવસમાં ત્રણ અધિકારીઓને કર્યા ઘરભેગા!

ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધી છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર સામે સંઘવીનો સપાટો! એક જ દિવસમાં ત્રણ અધિકારીઓને કર્યા ઘરભેગા!

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી. ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ 10થી 12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે.

આજે હર્ષ સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ શરૂ કરી દીધી છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે. આ સાથે જ આજના દિવસમાં 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે તે છે પીઆઇ જી એચ દહિયા... આશિષ ભાટિયા પોલીસ કમિશનર હતા ત્યારે તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ જી એચ દહિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂ.30 કરોડ લીધા હોવાની થઇ હતી ફરિયાદ હતી. ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરવામાં આવી હતી. વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. જે પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અવારનવાર ભ્રષ્ટાચારની ખબરો સામે આવતી રહે છે ખાસ કરીને સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવા વિભાગો હોય તો એમાં રાજ્યનો મહેસુલ વિભાગ અને ગૃહવિભાગ આ યાદીમાં સૌથી આગળ છે. અગાઉ સરકારના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી ચુકી છે. ત્યારે વિકાસની વાત કરતી ભાજપ સરકાર માટે બેદાગ રહેવું ખુબ જરૂરી છે. જેને પગલે હાઈકમાન્ડ દ્વારા સરકારના મંત્રીઓથી માંડીને સરકારી ઉચ્ચઅધિકારીઓને પણ આ અંગે અગાઉથી જ કડક સુચનાઓ આપવામાં આવેલી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો કોઈપણ મામલો સરકાર દ્વારા સાંખી લેવામાં નહીં આવે.

કોઈપણ પ્રકારનો આક્ષેપ થતાં પણ સરકાર દ્વારા એ મામલાને ખુબ ગંભીરતાથી લેવામાં આવે છે. એજ કારણ છેકે, જૂની સરકારના બે મંત્રીઓ પણ જ્યારે આક્ષેપ થયા હતાં ત્યારે તુરંત જ હાઈકમાન્ડ દ્વારા તેમની પાસેથી ચાર્જ પરત ખેંચી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષ દ્વારા ફરી એ નેતાઓને ટિકિટ ન આપીને કદ પ્રમાણે વેતરી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. આ સરકાર જો મંત્રીઓને ન છોડતી હોય તો પછી સરકારી અધિકારીઓ દ્વારા ચાલતો ભ્રષ્ટાચાર કઈ રીતે સાંખી લેવામાં આવે. એ જ કારણ છેકે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એક જ દિવસમાં પોલીસ વિભાગના ત્રણ અધિકારીઓને ભ્રષ્ટાચારના મામલામાં ઘરે તગેડી મુક્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news