ગુજરાતમાંથી ચોમાસું ગયું, હવે હાડ થીજવતી ઠંડી આવશે... હવામાન વિભાગે કરી જાહેરાત
Weather Update : રાજ્યમાંથી ચોમાસાએ લીધી વિદાય... હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજ્યમાં હવે વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પણ જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતમાં ડબલ ઋતુ અનુભવા લાગી છે. વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, 14 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસાની ઓફિશિયલ વિદાય થઈ ગઈ છે. બે દિવસથી ગુજરાતના નાગરિકોને રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાવા લાગ્યો છે. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આમ, દિવાળી પહેલા જ ઠંડીની મોસમ આવી ગઈ છે. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિવાળી બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી અનુભવાશે.
આજે છૂટાછવાયા વરસાદની આગાહી
ચોમાસાની વિદાય વચ્ચે માત્ર 15 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની નહિવત છે. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી એક સપ્તાહ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતભરમાં વરસાદની હવે કોઈ સંભાવના નથી. આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો ઘટાડો સામાન્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યમાં 47.78 ઇંચ સાથે મોસમનો સરેરાશ 121.86 ટકા વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે ચોમાસામાં 32.56 ઇંચ સાથે મોસમનો 98.48 ટકા વરસાદ પડયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે