સુરતમાં દેવભાષા સંસ્કૃતને જીવીત રાખવા ઝઝૂમી રહ્યો છે મુસ્લિમ શખ્સ, ચલાવે છે સંસ્કૃત ન્યૂઝ પેપર
Trending Photos
ચેતન પટેલ/સુરત : માનવામાં આવે છે કે, દેવભાષા સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. પરંતુ આ ભાષા આજના સમયમાં ધીરે ધીરે લુપ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સંસ્કૃત ભાષા અંગે લોક જાગૃતિ બની રહે તે માટે દેશનું એક જ પેપર જે 365 દિવસ કાર્યરત રહી સંસ્કૃતમાં પેપર જુદા જુદા રાજ્યમાં પહોંચાડે છે. વિશ્વસ્ય વૃતાંત પેપર ખાસ કરીને ઉતરાખડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, કેરલા સહિતના રાજ્યમાં મોકલવામાં આવે છે. આ સાથે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તથા તેમને સંસ્કૃત ભાષામાં સમાચાર મળી રહે તે માટે વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવી છે.
ભારતની વિશ્વને અમૂલ્ય દેન એવી અતિપ્રાચીન સંસ્કૃત ભાષા હવે માત્ર પુસ્તકો પૂરતી જ સીમિત રહી ગઈ છે. એક સમય હતો જ્યારે સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે કે અભ્યાસની ભાષા તરીકે ચલણમાં હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે, હવે સંસ્કૃતનો ઉપયોગ માત્ર શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો માટે જ થાય છે. લુપ્ત થવાને આરે ઉભેલી આ ભાષાનો પુન: વ્યાપ વધારવા કેટલીક સંસ્કૃતપ્રેમી સંસ્થાઓ સક્રિય છે. જેમાંની એક સંસ્થા ‘ભારતી પ્રકાશન,સુરત’ દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર અને વ્યાપ વધે અને સાથોસાથ નાના બાળકો-નવી પેઢી સંસ્કૃત ભાષાના ઐતિહાસિક વારસાથી અવગત થાય તે માટે ૨૬ એપ્રિલ, ૨૦૧૧થી સંસ્કૃત ભાષામાં નિયમિતપણે અખબાર પ્રસિદ્ધ કરે છે. જેનુ નામ છે વિશ્વસ્ય વૃતાંત (વિશ્વના સમાચાર). ગુજરાત અને સુરત માટે ગૌરવપ્રદ વાત એ છે કે આ સંસ્કૃત અખબાર દેશભરમાં ફક્ત સુરતથી જ નીકળતું એકમાત્ર સંસ્કૃતભાષાનું અખબાર છે.
સંસ્કૃતને લોકભોગ્ય બનાવવા માટે દૈનિક અખબાર એક મજબૂત માધ્યમ છે, અને સંસ્કૃત ભાષાને પેપરમાં પાંડિત્યપ્રચુર ભાષામાં નહિ, પણ હિન્દી સમજી શકતાં વાચકને સરળ રીતે સમજાય તેવી શૈલીમાં રજૂ કરવામાં આવે છે. ‘વિશ્વસ્ય વૃતાંત’ દેશમાં એકમાત્ર નિયમિતરૂપે દૈનિક ધોરણે પ્રસિદ્ધ થતું સંસ્કૃત ભાષાનું અખબાર છે. જેને ટેબ્લોઈડ સ્વરૂપે નહિ, ફુલ સાઈઝમાં અખબાર પ્રકાશિત કરવામાં આવે છે. આ અખબારના વાચકો ગુજરાત સહિત બિહાર, ઓરિસ્સા, એમ.પી., યુ.પી., કર્ણાટક, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરાખંડ અને દિલ્હી સુધી પથરાયેલા છે. ડિજિટલરૂપે ઈ-પેપરના માધ્યમથી હજારો વાંચકો નિયમિતરૂપે અખબારનું વાંચન કરે છે. વિદેશથી પણ વાચકો અખબાર સાથે જોડાયેલા છે.
દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી તા.૩૧ જુલાઈથી ૬ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. અને એનાથી પણ વધુ અચરજ એ છે કે એ ચલાવનાર દાઉદી વહોરા સમાજના મુસ્લિમ બંધુઓ મુર્તુઝા ખંભાતવાળા અને સૈફી સંજેલીવાલા ચલાવે છે. સુરત અને દિલ્હીમાં બે ટ્રાન્સલેટર છે. જેઓ તમામ ખબરોનું સંસ્કૃત ટ્રાન્સલેટ કરે છે. જેમાં રોજના પાંચ કલાક જાય છે. જોકે ગુજરાત સરકારનો આ અખબારના સંચાલનમાં કોઈ સહકાર નહિ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે